‘પાકિસ્તાન ઝિંદાબાદ અને હિંદુસ્તાન મુર્દાબાદ’ એવા રાષ્ટ્રવિરોધી નારા લગાવનાર ફૈઝલ નિસાર ઉર્ફ ફૈઝાનનો મંગળવારે (22 ઓક્ટોબરે) રાષ્ટ્રધ્વજને સલામી આપતો અને ભારત માતાનો જયકારો લાગવાતો વિડીયો સામે આવ્યો હતો. ફૈઝાન જામીનની શરત અનુસાર જબલપુરના પોલીસ સ્ટેશન પહોંચ્યો અને રાષ્ટ્રધ્વજને સલામી આપી હતી.
તાજેતરમાં જ મધ્યપ્રદેશ હાઈકોર્ટે ફૈઝાનને ₹50 હજારના અંગત બોન્ડ પર જામીન આપ્યા હતા. તથા શરત મૂકી હતી કે જ્યાં સુધી કેસ ચાલે છે ત્યાં સુધી તેણે મહિનામાં 2 વાર પોલીસ સ્ટેશને હાજર થવું પડશે. દર મહિનાના પહેલા અને ચોથા મંગળવારે પોલીસ સ્ટેશને જઈને ત્યાં લગાવેલ રાષ્ટ્રધ્વજને 21 વખતે સલામી આપવાની રહેશે અને સલામી આપતી વખતે ‘ભારત માતા કી જય’ના નારા લગાવવા પડશે.
#WATCH | Madhya Pradesh: An accused man, Faizal Nisar alias Faizan salutes the Tiranga and raises Bharat Mata ki Jai slogans at Jabalpur Police Station, as part of his bail conditions. He was purportedly seen shouting the slogan "Pakistan Zindabad India Murdabad" in a video.
— ANI (@ANI) October 22, 2024
The… pic.twitter.com/WLVSJ5sm7K
ત્યારે આ શરતનું પાલન કરવા માટે આ મહિનાના ચોથા મંગળવાર, 22 ઓક્ટોબરે ફૈઝાન પોલીસ સ્ટેશન પહોંચ્યો હતો. મીડિયા સાથે વાત કરતા ફૈઝાને કહ્યું, “ભારત માતા કી જય. હું મારી ભૂલ કબૂલ કરું છું. હું હાઈકોર્ટના આદેશનું પાલન કરીશ. હું ફરીથી આવી ભૂલ નહીં કરું.”
પોલીસ સ્ટેશનના પ્રભારી મનીષ રાજ ભદૌરિયાએ ન્યૂઝ એજન્સી ANIને જણાવ્યું કે, “નિર્ધારિત શરતો અનુસાર, આ પહેલો મંગળવાર હતો, જયારે ફૈઝાન પોલીસ સ્ટેશન આવ્યો હતો. શરત મુજબ, ફૈઝાને 21 વખત રાષ્ટ્રધ્વજને સલામી આપી અને ‘ભારત માતા કી જય’ ના નારા લગાવ્યા. શરતો મુજબ તેણે દર મહિનાના પહેલા અને છેલ્લા મંગળવારે સવારે 10 થી 12 વાગ્યાની વચ્ચે અહીં આવવું પડશે.”
રાષ્ટ્રવિરોધી નારા લગાવવા મામલે થઇ હતી ધરપકડ
ઉલ્લેખનીય છે કે પાકિસ્તાન ઝિંદાબાદના નારા લગાવતો વિડીયો વાયરલ થયા બાદ ફૈઝાનની ધરપકડ કરવામાં આવી હતી. પરંતુ તેણે આ કેસમાં તેણે ખોટી રીતે ફસાવ્યો હોવાનો દાવો કરીને જામીન માટે અપીલ કરી હતી. પરંતુ સુનાવણી દરમિયાન તેનું જૂઠ પકડાઈ ગયું હતું. આ પછી મધ્યપ્રદેશ હાઈકોર્ટના જસ્ટિસ દિનેશ કુમાર પાલીવાલે તેને શરતી જામીન આપતાં કહ્યું હતું કે શરતનો ઉદ્દેશ તેના મનમાં એ દેશ પ્રત્યે સન્માન જગાડવાનો છે જ્યાં તે જન્મ્યો છે અને રહી રહ્યો છે.
નોંધનીય છે કે આ મામલામાં ભોપાલના મિસરૌદ પોલીસ સ્ટેશનમાં 17 મે 2024ના રોજ FIR નોંધવામાં આવી હતી. તપાસ બાદ ટ્રાયલ કોર્ટમાં ચાર્જશીટ દાખલ કરવામાં આવી હતી. જેમાં વિડીયો ક્લિપનો પુરાવા તરીકે ઉપયોગ કરવામાં આવ્યો હતો જેમાં આરોપી સ્પષ્ટ રીતે રાષ્ટ્રવિરોધી સૂત્રોચ્ચાર કરતો દેખાઈ રહ્યો હતો. તપાસ દરમિયાન સામે આવ્યું હતું કે તેના પર અગાઉથી જ 14 કેસ નોંધાયેલ છે.