કેનેડા સાથેના તણાવપૂર્ણ સંબંધો વચ્ચે ગુરૂવારે (21 સપ્ટેમ્બર, 2023) વિદેશ મંત્રાલય તરફથી પ્રેસ કોન્ફરન્સ યોજવામાં આવી હતી, જે મંત્રાલયના પ્રવક્તા અરિંદમ બાગચીએ સંબોધી. તેમણે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે, કેનેડા આતંકવાદીઓ અને ચરમપંથીઓ માટે સુરક્ષિત સ્થાન બની રહ્યું છે, જેથી તેમણે તેની ઉપર લગામ લગાવવા અને આંતરરાષ્ટ્રીય સ્તરે પોતાની શાખ બચાવવા માટે કામ કરવું જોઈએ. આ સિવાય પણ બંને દેશો વચ્ચેના સંબંધો અને હાલ ચાલતા વિવાદને લઈને તેમણે મહત્વપૂર્ણ બાબતો કહી.
#WATCH | MEA Spokesperson Arindam Bagchi says, "If you're talking about reputational issues and reputational damage, if there's any country that needs to look at this, I think it is Canada and its growing reputation as a place, as a safe haven for terrorists, for extremists, and… pic.twitter.com/F2LZGTJ6b9
— ANI (@ANI) September 21, 2023
વિદેશ મંત્રાલયે કહ્યું કે, જો વાત પ્રતિષ્ઠાની કે તેને થતા નુકસાનની હોય તો જો કોઈ દેશે તેની ઉપર ધ્યાન આપવાની જરૂર હોય તો તે કેનેડા છે. જે આતંકવાદીઓ અને ચરમપંથીઓ માટે સુરક્ષિત સ્થાન બની રહ્યું છે. મને લાગે છે કે, કેનેડા જ એવો દેશ છે જેણે પોતાની આંતરરાષ્ટ્રીય પ્રતિષ્ઠા વિશે ચિંતા કરવાની જરૂર છે.
આરોપો પૂર્વગ્રહયુક્ત અને રાજનીતિથી પ્રેરિત: વિદેશ મંત્રાલય
કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોએ ભારત પર લગાવેલા આરોપોને લઈને વિદેશ મંત્રાલયે કહ્યું કે, આરોપો પૂર્વગ્રહયુક્ત અને રાજકીય ઉદ્દેશ્યોથી પ્રેરિત છે. તેમણે (કેનેડા) આરોપો લગાવ્યા અને પોતાની રીતે જ કાર્યવાહી કરી. પરંતુ કેનેડા તરફથી આ આરોપો લગાવ્યા પહેલાં કે પછી કોઇ પણ પ્રકારે માહિતી આપવામાં આવી ન હતી. બીજી તરફ, ભારત સમયાંતરે કેનેડાની ધરતી પર શરણ લઇ રહેલા આતંકવાદીઓ અને ચરમપંથીઓ વિશે કેનેડાની સરકારને અવગત કરાવતું રહ્યું છે, તેમ છતાં અત્યાર સુધી તેમની સામે પગલાં લેવામાં આવ્યાં નથી.
મંત્રાલયે કહ્યું કે, અમે ઇચ્છીએ છીએ કે આ વિષયને લઈને કોઇ વિશેષ અને ચોક્કસ માહિતી અમારા સુધી પહોંચાડવામાં આવે, પરંતુ અત્યાર સુધી કેનેડા તરફથી આવી કોઇ માહિતી આપવામાં આવી નથી. બીજી તરફ, કેનેડાની ધરતી પર સક્રિય ગુનાહિત પ્રવૃત્તિઓ વિશે ભારતે પુરાવાઓ સહિત કેનેડાને જાણ કરી છે, પરંતુ કોઇ કાર્યવાહી કરવામાં આવી નથી. કેનેડામાં તેમને સુરક્ષિત સ્થાન આપવામાં આવી રહ્યું છે. અમે ઇચ્છીએ છીએ કે કેનેડાની સરકાર તેમની સામે કાર્યવાહી કરે અથવા તો તેમને ભારત મોકલી આપે, જેથી કાયદાકીય પગલાં લઇ શકાય.
વિદેશ મંત્રાલયે કેનેડાના નાગરિકો માટે વિઝા સર્વિસ કામચલાઉ ધોરણે બંધ કરી હોવાની પુષ્ટિ કરી છે. કારણ આપતાં જણાવવામાં આવ્યું કે, તણાવના કારણે કેનેડામાં સ્થિત ભારતીય રાજદ્વારીઓ અસરકારકતાથી કામ કરી શકતા નથી, જેથી હાલ વિઝા સર્વિસ બંધ છે. આ સિવાય તેમણે એમ પણ કહ્યું હતું કે, કોઇ પણ દેશમાં રહેતા અન્ય દેશના રાજદ્વારીઓની સુરક્ષાની જવાબદારી જે-તે યજમાન દેશની જ હોય છે. આ સિવાય ત્યાં રહેતા નાગરિકો માટે સરકારે એક વિસ્તૃત એડવાઈઝરી પણ જારી કરી જ દીધી છે.
પીએમ મોદી સામે પણ ઉઠાવાયો હતો મુદ્દો, તેમણે આરોપો નકારી કાઢ્યા
કેનેડિયન પીએમ ટ્રુડોએ ત્યાંની સંસદમાં બોલતાં કહ્યું હતું કે, તેમણે ખાલિસ્તાની આતંકી નિજ્જરની હત્યાનો મામલો G-20ની તેમની બેઠક દરમિયાન પીએમ મોદી સામે પણ ઉઠાવ્યો હતો. જેને લઈને જવાબ આપતાં વિદેશ મંત્રાલયના પ્રવક્તાએ જણાવ્યું હતું કે, પીએમ ટ્રુડોએ આ મુદ્દો ઉઠાવ્યો હતો અને પીએમ મોદીએ આ તમામ આરોપો નકારી દીધા હતા. આ સાથે એમ પણ જણાવવામાં આવ્યું કે ભારત સરકાર અન્ય દેશો સાથે પણ સતત સંકલનમાં છે.
ઉલ્લેખનીય છે કે તાજેતરમાં જ કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોએ ત્યાંની સંસદમાં ભાષણ આપતી વખતે થોડા મહિના પહેલાં કેનેડામાં માર્યા ગયેલા ખાલિસ્તાની આતંકવાદીની હત્યાનો આરોપ ભારત સરકાર પર લગાવ્યો હતો. ત્યારબાદ બંને દેશોના સંબંધો તણાવપૂર્ણ બન્યા છે. ભારતે કડક વલણ અપનાવીને આરોપો નકારી દીધા હતા તો કેનેડાએ વરિષ્ઠ રાજદ્વારીને નિષ્કાસિત કર્યા બાદ ભારતે પણ એ જ ભાષામાં જવાબ આપ્યો હતો. હવે ભારતે કામચલાઉ ધોરણે કેનેડિયનો માટે વિઝા સર્વિસ પણ સસ્પેન્ડ કરી દીધી છે.