ગુજરાત કોંગ્રેસના પૂર્વ નેતા નરેશ રાવલ અને રાજુભાઈ પરમાર 17 ઓગસ્ટના રોજ કેસરીયો કરવા જઈ રહ્યા છે. ભાજપનો ખેસ ધારણ કરે તે પહેલા બંને નેતાઓએ દિલ્લીમાં PM નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી હતી. આ મુલાકાતના ફોટા પણ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યા છે. આ મુલાકાત દરમિયાન અન્ય એક દિગ્ગજ પૂર્વ કોંગ્રેસી નેતા વિજય કેલ્લા પણ તેમની સાથે જોવા મળ્યા હતા.
ભાજપમાં જોડાતા પહેલા કોંગ્રેસના 2 દિગ્ગજોએ PM મોદી સાથે કરી મુલાકાત, 17 ઓગસ્ટે કરશે કેસરિયા#NareshRawal #RajuParmar #PMModihttps://t.co/h4cSJCCP3m
— VTV Gujarati News and Beyond (@VtvGujarati) August 8, 2022
ગુજરાતમાં જેમ જેમ ચૂંટણી નજીક આવી રહી છે તેમ તેમ કોંગ્રેસના સાંસદોથી લઈને સામાન્ય કાર્યકર્તાઓ, પૂર્વ કેબિનેટ મંત્રીઓથી લઈને પૂર્વ ધારાસભ્યો હવે પોતાની પાર્ટીથી અળગા થઇ રહ્યા છે. આ જ ક્રમમાં હવે નવા બે મોટા નામો પણ જોડાયા છે.
નરેશ રાવલ
નરેશ રાવલ એ ગુજરાત કોંગ્રેસના ખુબ મોટા ગજાના નેતા ગણાતા હતા. કોંગ્રેસની સરકાર વખતે તેઓ ગુજરાતના ગૃહ મંત્રી પણ રહી ચુક્યા છે અને ભાજપની સરકાર વખતે તેઓ કોંગ્રેસના વિપક્ષના નેતા તરીકેનું મહત્વનું પદ પણ શોભાવી ચુક્યા છે.
નરેશભાઈ 80ના દાયકાથી કોંગ્રેસમાં જોડાયેલા હતા. કહેવાય છે કે પોતે જયારે પાઇલોટ તરીકેની ટ્રેઇનિંગ લઇ રહ્યા હતા ત્યારે ત્યાં જ રાજીવ ગાંધી પણ ટ્રેનિંગ લઇ રહ્યા હતા અને તે જ સમયથી તેમણે એકબીજાની નજીક હતા. રાજીવ ગાંધીના આમંત્રણથી જ તેઓએ 1980ની આસપાસ કોંગ્રેસમાં જોડાયા હતા.
ગંગારાન રાવલ, નરેશ રાવલના પિતા, પણ કોંગ્રેસના દિગ્ગજ નેતા હતા.
રાજુભાઈ પરમાર
રાજુભાઈ પરમાર એ ગુજરાત કોંગ્રેસનો ખુબ મોટો દલિત ચહેરો ગણાતો હતો. તેઓ 3 ટર્મ માટે રાજ્યસભાના સાંસદ રહી ચુક્યા છે. આ સિવાય તેઓ રાજ્ય સભામાં કોંગ્રેસના વીપ પણ રહી ચુક્યા છે.
રાજુભાઈ પરમાર અનુસૂચિત જાતિ માટે રાષ્ટ્રીય આયોગના અધ્યક્ષ પણ રહી ચુક્યા છે. વર્ષ 2019ની લોકસભા ચૂંટણીમાં તેઓ કોંગ્રેસની ટિકિટ પર અમદાવાદ પશ્ચિમ બેઠક પરથી લડ્યા હતા, જેમાં તેમને હારનો સામનો કરવો પડ્યો હતો.
ગુજરાત કોંગ્રેસની નીતિઓથી હતા નારાજ
કોંગ્રેસના આ બંને દિગ્ગજ નેતાઓએ ગત 4 ઓગસ્ટના રોજ જ કોંગ્રેસ પક્ષમાંથી પોતાના રાજીનામાં આપી દીધા હતા.
Congress leaders Raju Parmar & Nareshbhai Rawal resign from the party's primary membership along with all other party posts.
— ANI (@ANI) August 4, 2022
CM ચીમનભાઈ પટેલની આગેવાની હેઠળની કોંગ્રેસ સરકારમાં ગૃહ રાજ્યમંત્રી રહેલા રાવલે અગાઉ તેમના સાથીદારો દ્વારા વિશ્વાસઘાતની લાગણી વ્યક્ત કરી હતી. તેમણે ઉમેર્યું હતું કે ઘણા “કડવા અનુભવો” હતા જેના કારણે તેમણે કોંગ્રેસ છોડવાનું પસંદ કર્યું હતું.
તેઓએ કહ્યું, “મને છેલ્લા દસ વર્ષમાં પાર્ટીમાં ઘણા કડવા અનુભવો થયા છે. પાર્ટીમાં હવે ટીમવર્કનો અભાવ છે. નેતાઓ કોઈપણ આંતરિક ચર્ચા કર્યા વિના નિર્ણયો લે છે અને અન્યને હલકી ગુણવત્તાનો અનુભવ કરાવે છે. મને વિશ્વાસઘાતનો પણ અનુભવ થયો.”