લોકસભા પહેલાં 26 એપ્રિલ, 2024ના રોજ દિલ્હીમાં મેયર અને ડેપ્યુટી મેયરની ચૂંટણી યોજાશે. દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશનની આ ચૂંટણી માટે કોર્પોરેશન હાઉસની બેઠક પણ બોલાવવામાં આવી છે. હાલના દિલ્હીના મેયર શેલી ઓબેરોય અને ડેપ્યુટી મેયર આલે મોહમ્મદ ઈકબાલનો કાર્યકાળ પૂર્ણ થવા જઈ રહ્યો છે. જાણવા મળી રહ્યું છે કે, આ વર્ષે મેયરની સીટ અનુસૂચિત જાતિ અને જનજાતિ વર્ગ માટે અનામત રાખવામાં આવી છે. આવી સ્થિતિમાં રાજકીય પાર્ટીઓમાં પણ મંથન ચાલી રહ્યું છે.
26 એપ્રિલે દિલ્હીમાં મેયર અને ડેપ્યુટી મેયરની ચૂંટણી યોજાશે. તે પહેલાં 18 એપ્રિલ સુધી નામાંકન પ્રક્રિયા ચાલુ રહેશે. દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશનના સચિવ શિવ પ્રસાદે એક પ્રેસ રિલીઝ જાહેર કરીને આ વિશેની માહિતી આપી છે. સાથે એવું પણ કહેવાયું છે કે, દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશનની સામાન્ય સભા 26 એપ્રિલ, 2024ના રોજ શ્યામા પ્રસાદ મુખર્જી સિવિક સેન્ટરમાં આયોજિત કરવામાં આવશે. કોર્પોરેશનની આ બેઠકમાં ચૂંટણી યોજાશે. નોંધનીય છે કે, નિયમ હેઠળ પ્રથમ વર્ષે મેયર એક મહિલા, બીજા વર્ષે સામાન્ય વર્ગમાંથી અને ત્રીજા વર્ષે અનુસૂચિત જાતિમાંથી બનાવવામાં આવે છે. 2024માં અનુસૂચિત જાતિના મેયરની ચૂંટણી થશે.
Election of Mayor and Deputy Mayor of Delhi will be held on 26th April. Corporation House meeting has been called on 26th April for elections. pic.twitter.com/tjq1cU32Yh
— ANI (@ANI) April 10, 2024
બીજી તરફ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને આમ આદમી પાર્ટીના (AAPના) ટોચના નેતાઓ જેલમાં બેઠા છે. જેને લઈને આ ચૂંટણીના પરિણામમાં પરિવર્તન આવવાની શક્યતાઓ દેખાઈ રહી છે. આમ આદમી પાર્ટી માટે આ રાજકીય કસોટી થવા જઈ રહી છે. આ સાથે એવા પણ સમાચાર સામે આવ્યા છે કે, MCDની ચૂંટણીને લઈને AAP અને કોંગ્રેસ વચ્ચે સહમતી સધાઈ છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, આગામી સમયમાં દિલ્હી મેયરની ચૂંટણી માટે ગઠબંધનની સત્તાવાર જાહેરાત પણ કરવામાં આવશે. એક તરફ AAP-કોંગ્રેસનું ગઠબંધન છે તો બીજી તરફ ભાજપ છે.
આંકડાઓ પર નજર કરવામાં આવે તો આમ આદમી પાર્ટીના કાઉન્સિલરોની સંખ્યા 134 છે. આ સાથે ત્રણ સાંસદો અને 13 ધારાસભ્યો છે. એક અપક્ષ પણ તેના સમર્થનમાં છે. જ્યારે ભારતીય જનતા પાર્ટીના 104 સભ્યો છે. અપક્ષનો પણ ટેકો છે. દિલ્હીના તમામ સાત લોકસભા સાંસદો તેમના છે. એક ધારાસભ્ય અને 10 નામાંકિત સભ્યોનું સમર્થન છે. એટલે દિલ્હી મેયર અને ડેપ્યુટી મેયરની ચૂંટણીમાં આ વખતે AAPનું પ્રદર્શન ખરાબ રહેવાની સંભાવના વર્તાઈ રહી છે.