મહારાષ્ટ્રમાં આ પહેલાંની ઉદ્ધવ ઠાકરે સરકારનો વધુ એક નિર્ણય એકનાથ શિંદે સરકારે પલટાવી નાંખ્યો છે. વર્તમાન સરકારે રાજ્ય દ્વારા કેન્દ્રીય એજન્સી CBIને આપવામાં આવતા ‘જનરલ કન્સેન્ટ’ને બહાલી આપી છે. એટલે કે હવે રાજ્યમાં CBI કોઈ પણ કેસની તપાસ કરી શકશે અને જે માટે રાજ્ય સરકારની વિશેષ પરવાનગી લેવી પડશે નહીં.
ઉદ્ધવ ઠાકરેની આગેવાની હેઠળની મહાવિકાસ આઘાડી સરકારે રાજ્યમાં CBI પર નિયંત્રણો લાદી દીધાં હતાં, જે મુજબ એજન્સીએ કોઈ પણ કેસની તપાસ કરતાં પહેલાં રાજ્ય સરકારની મંજૂરી લેવી પડતી હતી અને મંજૂરી મળ્યા વગર તપાસ શરૂ થઇ શકતી ન હતી. પરંતુ હવે શિંદે સરકારે આ નિર્ણય પલટાવી નાંખ્યો છે, જેના કારણે સીબીઆઈ કોઈ પણ કેસની તપાસ કરી શકશે.
Maharashtra government has reinstated general consent to CBI for investigating cases in the state: Maharashtra Home department source
— ANI (@ANI) October 21, 2022
The state government's general consent was earlier withdrawn by an order of the then MVA government.
21 ઓક્ટોબર 2020ના રોજ ઠાકરે સરકારે સીબીઆઈને રાજ્યમાં પરવાનગી વગર તપાસ ન કરવા દેવા માટેના ગૃહ વિભાગના પ્રસ્તાવને મંજૂરી આપી હતી. તે સમયે રાજ્યના ગૃહમંત્રી અનિલ દેશમુખ હતા, જેમની સામે હાલ મની લોન્ડરિંગનો કેસ ચાલી રહ્યો છે અને જેલમાં બંધ છે.
ઉલ્લેખનીય છે કે થોડા દિવસો પહેલાં શિંદે સરકારે પાલઘર સાધુઓના મોબ લિંચિંગનો કેસ સીબીઆઈને સોંપવા માટે સહમતિ દર્શાવી હતી. પાલઘર સાધુઓની હત્યા મામલેના કેસની તપાસ CBIને સોંપવાની માંગ સાથે સુપ્રીમ કોર્ટમાં અરજી કરવામાં આવી હતી, જેની સામે તત્કાલીન ઉદ્ધવ ઠાકરે સરકારે વાંધો ઉઠાવ્યો હતો. જોકે, હવે શિંદે સરકારે સુપ્રીમ કોર્ટમાં સોગંદનામું દાખલ કરીને કહ્યું હતું કે, સીબીઆઈને કેસ ટ્રાન્સફર કરવામાં તેમની સરકારને કોઈ વાંધો નથી.
સીબીઆઈનું સંચાલન દિલ્હી વિશેષ પોલીસ સ્થાપના અધિનિયમથી થાય છે. જેની ધારા 6 અંતર્ગત દેશનાં મોટાભાગનાં રાજ્યોમાં સીબીઆઈને જનરલ કન્સેન્ટ આપવામાં આવી છે. એટલે કે તે રાજ્યમાં એજન્સી કોઈ પણ કેસમાં તાપસ માટે કોઈ પણ પ્રકારની પૂર્વમંજૂરી વગર દરોડા પાડી શકે છે તેમજ ધરપકડ પણ કરી શકે છે. જોકે, અમુક રાજ્યોમાં સીબીઆઈને આપવામાં આવેલ પૂર્વમંજૂરી રદ કરી દેવાઈ છે, જેથી ત્યાં એજન્સીએ પહેલાં રાજ્ય સરકારની પરવાનગી લેવી પડે છે, અથવા તો કોર્ટ સમક્ષ જવું પડે છે.
હાલ દેશનાં આઠ રાજ્યો એવાં છે જ્યાં સીબીઆઈએ તપાસ પહેલાં મંજૂરી લેવી પડે છે. જેમાં પંજાબ, પશ્ચિમ બંગાળ, ઝારખંડ, કેરળ, છત્તીસગઢ, રાજસ્થાન, મિઝોરમ અને મેઘાલયનો સમાવેશ થાય છે.