દિલ્હી સરકારના નંબર ત્રણ ગણાતા મંત્રી સત્યેન્દ્ર જૈનના ઘરમાં હાલમાં ઇડી (પ્રવર્તમાન નિર્દેશાલય) તપાસ ચલાવી રહ્યું છે. આજે ચાલેલી તપાસમાં અરવિંદ કેજરીવાલના આ મંત્રી પાસેથી અધધધ રોકડ નાણું, ઢગલો સોનુ અને અત્યંત મહત્ત્વના દસ્તાવેજો મળી આવ્યા છે.
ઇડીએ થોડા સમય પહેલા જ કરેલી ટ્વિટમાં જણાવ્યું છે કે PMLA 2022 હેઠળ ઇડીએ 06.06.2022ના દિવસે કરેલી તપાસ દરમ્યાન સત્યેન્દ્ર જૈન અને અન્યોના નિવાસસ્થાને કરેલી તપાસ દરમ્યાન વિવિધ મહત્ત્વના દસ્તાવેજો, ડિજીટલ રેકોર્ડ્સ રૂ. 2.85 કરોડની રોકડ રકમ અને 1.80 કિલોગ્રામ વજન ધરાવતા કુલ 133 સોનાના સિક્કા મળી આવ્યા છે. આ તમામ વસ્તુઓના કોઈ કાયદેસરના સ્ત્રોત ન હોવાનું પણ ઇડી એ પોતાની આ ટ્વિટમાં જણાવ્યું હતું.
ED has conducted searches on 6.6.2022 under PMLA,2002 at the premises of Satyendar Kumar Jain and others. Various incriminating documents, digital records, cash amounting to Rs. 2.85 Crore and 133 gold coins weighing 1.80 kg in total from unexplained source have been seized. pic.twitter.com/WYSDPkPrXN
— ED (@dir_ed) June 7, 2022
ગત 30 મે ના દિવસે દિલ્હીના સ્વાસ્થ્ય મંત્રી સત્યેન્દ્ર જૈનના નિવાસસ્થાન પર ઇડીએ દરોડા પાડીને તેમની ધરપકડ કરી હતી. આ ધરપકડ કોલકાતામાં આવેલી એક સંસ્થા સાથે કરવામાં આવેલા હવાલા કારોબારના સંદર્ભમાં કરાઈ હતી. આ હવાલા દ્વારા વિવિધ શેલ કંપનીઓ દ્વારા મળેલા નાણા દિલ્હી અને આસપાસના વિસ્તારોમાં ખરીદવામાં આવેલી જમીન માટે ઉપયોગમાં લેવામાં આવ્યા હતા. વર્ષ 2017માં આ સંદર્ભે કેસ નોંધવામાં આવ્યો હતો અને એપ્રિલ મહિનામાં સત્યેન્દ્ર જૈન વિરુદ્ધ ફોજદારી ફરિયાદ પણ નોંધવામાં આવી હતી.
ગઈકાલથી જ સત્યેન્દ્ર જૈનના ઘર પર દરોડા શરુ થઇ ગયા હતા અને આજે ઇડીએ જાહેર કર્યું તેમ અહીંથી તેને મોટી સંખ્યામાં રોકડ, સોનુ અને દસ્તાવેજો મળી આવ્યા છે.
દિલ્હી કેબિનેટમાં મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને ઉપમુખ્યમંત્રી મનીષ સિસોદિયા બાદ સત્યેન્દ્ર જૈન ત્રીજા નંબરના સહુથી મજબૂત નેતા ગણાય છે. જો કે સત્યેન્દ્ર જૈન વિરુદ્ધ અગાઉ પણ ભ્રષ્ટાચારના નેક આરોપો લાગ્યા છે. જેમાં દિલ્હી આમ આદમી પાર્ટીના જ દિપક મદાને એપ્રિલ મહિનામાં સત્યેન્દ્ર જૈન પર આરોપ મૂક્યો હતો કે તેમણે તેની પાસેથી MCD ચૂંટણીની ટીકીટ માટે દોઢ કરોડ માંગ્યા હતા અને પોતે 35 લાખ રૂપિયા બાકી રાખીને બાકીની રકમ જૈનને આપી દીધી હતી. પરંતુ બાદમાં MCDની ચૂંટણી મોકૂફ રહેતા જ્યારે મદાને જૈન પાસેથી રકમ પરત માંગી ત્યારે તેમને આ રકમ આપવાનો સાફ ઇનકાર કરવામાં આવ્યો હતો. પોતાની બાકી રહેલી રકમ પરત મેળવવા માટે મદાને સત્યેન્દ્ર જૈનના ઘર આગળ ધરણા પણ કર્યા હતા.
અગાઉ કોર્ટે સત્યેન્દ્ર જૈનને 9 જુન સુધી ઇડીની કસ્ટડીમાં સોંપી દીધા હતા.