શુક્રવારે (8 જુલાઈ 2022) પ્રવર્તન નિદેશાલયે (ઇડીએ) એમનેસ્ટી ઇન્ડિયા અને તેના પૂર્વ સીઈઓ આકાર પટેલને ફૉરેન એક્સચેન્જ મેનેજમેન્ટ એક્ટના (FEMA) ઉલ્લંઘન બદલ શૉ કૉઝ નોટીસ પાઠવી છે. આ ઉપરાંત સંસ્થા તેમજ આકાર પટેલને દંડ પણ ફટકારવામાં આવ્યો છે.
વિદેશી મુદ્રા પ્રબંધન અધિનિયમના ઉલ્લંઘન બદલ એમનેસ્ટી ઇન્ટરનેશનલ ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ પર 51.72 કરોડ અને તેના પૂર્વ સીઈઓ આકાર પટેલ પર 10 કરોડ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે. ઈડીને એમનેસ્ટી ઇન્ટરનેશનલ દ્વારા નિયમોનું ઉલ્લંઘન થયું હોવાની જાણકારી મળી હતી, જે બાદ કાર્યવાહી કરવામાં આવી હતી.
The Adjudicating Authority of ED has adjudicated a SCN issued to M/s Amnesty India International Pvt. Ltd.(AIIPL) and its CEO Shri Aakar Patel for contravention of the provisions of FEMA and imposed penalty of Rs. 51.72 Crore and Rs 10 Crore respectively.
— ED (@dir_ed) July 8, 2022
એજન્સીના જણાવ્યા અનુસાર, જાણકારી મળી હતી કે એમનેસ્ટી ઇન્ટરનેશનલ યુકેએ પોતાની ભારતીય શાખાઓ મારફતે એફડીઆઈ રુટના માધ્યમથી વિદેશોમાં એકથી કરવામાં આવેલ મોટી રકમ ભારતમાં મોકલી હતી. જે નિયમોનું ઉલ્લંઘન છે.
ઇડી અનુસાર, એમનેસ્ટી ઇન્ટરનેશનલ યુકેની ભારતીય શાખા એટલે કે એમનેસ્ટી ઇન્ડિયા એક નૉન-એફસીઆરએ કંપની છે. જેથી ફંડ મોકલવાના કારણે એફસીઆરએ નિયમોનું ઉલ્લંઘન થયું છે. ઇડીના નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, આ ફંડ એવા સમયે મોકલવામાં આવ્યું જ્યારે કેન્દ્રીય ગૃહમંત્રાલયે પહેલાં જ એમનેસ્ટી ઇન્ડિયા ફાઉન્ડેશન ટ્રસ્ટ અને અન્ય ટ્રસ્ટને એફસીઆરએ હેઠળ રજીસ્ટ્રેશન કે મંજૂરી આપવાનો ઇનકાર કરી દીધો હતો. તેમ છતાં ભારતીય શાખાને વિદેશી ફંડ મોકલવામાં આવ્યું હતું.
ઇડીએ વધુમાં જણાવ્યું કે, નવેમ્બર 2013 અને જૂન 2018 વચ્ચેના સમયગાળામાં એમનેસ્ટી ઇન્ડિયા દ્વારા મોટા પ્રમાણમાં રકમ એકથી કરવામાં આવી હતી. જેને વિદેશમાં વેપાર કે જનસંપર્ક સેવાઓ તરીકે બતાવવામાં આવ્યું હતું. પરંતુ આરોપ છે કે એમનેસ્ટી દ્વારા વિદેશી ફંડ લેવામાં આવી રહ્યું હતું, અને જે નિયમોની વિરુદ્ધ છે.
એમનેસ્ટી ઇન્ડિયા પર આરોપ છે કે એફસીઆરએની તપાસથી બચવા માટે વ્યવસાયિક ગતિવિધિઓની આડમાં વિદેશી ભંડોળને રુટ કરવા માટે આ મોડેલ લાગુ કરવામાં આવ્યું છે. માનવામાં આવી રહ્યું છે કે એમનેસ્ટી ઇન્ડિયાને મોકલવામાં આવેલ 51,72,78,111.87 રૂપિયા એમનેસ્ટી ઇન્ટરનેશનલ દ્વારા ભારતમાં ગતિવિધિઓ ચલાવવા માટે આપવામાં આવ્યા હતા. જે બાબત ધ્યાને આવતા ઇડીએ એમનેસ્ટી ઇન્ડિયા અને આકાર પટેલને દંડ ફટકાર્યો છે.
શું છે FCRA?
એફસીઆરએ એટલે કે ફૉરેન કોન્ટ્રીબ્યુશન રેગ્યુલેશન એક્ટ એક કાયદો છે જે હેઠળ વિદેશથી મળતા દાન અને તેના ઉપયોગ પર નજર રાખવામાં આવે છે. જે સુનિશ્ચિત કરે છે કે એનજીઓ કે સંસ્થાઓને મળતું વિદેશી દાન દેશમાં ખોટા ઉદ્દેશ્યથી ઉપયોગમાં લેવામાં આવી રહ્યું નથી. નિયમો અનુસાર, વિદેશી દાન માત્ર એ જ કામમાં વાપરી શકાય છે જે માટે રકમ લેવા પહેલાં જાણકારી આપવામાં આવી હોય. દેશમાં અનેક લોકો પર વિદેશથી ફંડિંગ મેળવવા પર રોક લગાવવામાં આવી છે. જેમાં રાજકીય પાર્ટીઓ, અધિકારીઓ, પત્રકારો અને ન્યાયાધીશો વગેરે વિદેશી ફન્ડિંગ મેળવી શકતા નથી.