કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકારમાં સૌથી વધુ ચર્ચામાં રહેતા મંત્રીઓ પૈકીના એક વિદેશ મંત્રી ડૉ. એસ જયશંકર છે. ખાસ કરીને વૈશ્વિક કક્ષાએ તેઓ જે રીતે ભારતનો પક્ષ મૂકે છે તેની કાયમ પ્રશંસા થાય છે. તાજેતરમાં તેઓ ન્યૂઝ એજન્સી ANIનાં એડિટર સ્મિતા પ્રકાશ સાથે એક પોડકાસ્ટમાં જોવા મળ્યા હતા, જેમાં તેમણે અનેક બાબતો વિશે ચર્ચા કરી. દરમ્યાન, તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથેના તેમના સબંધો અને તેમની મુલાકાતો વિશે પણ ખુલીને વાતો મૂકી હતી.
એસ જયશંકર અને નરેન્દ્ર મોદી વચ્ચે સૌથી પહેલી મુલાકાત ચીનની રાજધાની બેઇજિંગમાં થઇ હતી. જયશંકર ત્યારે ચીનમાં ભારતના રાજદૂત હતા અને નરેન્દ્ર મોદી ગુજરાતના મુખ્યમંત્રી તરીકે ચીનની મુલાકાતે ગયા હતા.
વિદેશ મંત્રી જયશંકર કહે છે કે, “તેમણે મારી ઉપર ઘણો પ્રભાવ પાડ્યો હતો. 2011 સુધીમાં ઘણા મુખ્યમંત્રીઓને જોયા હતા પણ આટલા ગંભીર અને તૈયારી સાથે કામ કરતા વ્યક્તિને હું ક્યારેય મળ્યો ન હતો.” તેમણે એક કિસ્સાનો પણ ઉલ્લેખ કર્યો, જેમાં તેમણે પીએમ મોદી સાથેની મિટિંગ વિશે જણાવ્યું હતું.
વિદેશમંત્રીએ કહ્યું, નિયમિત બ્રિફિંગ બાદ તેમણે મને કહ્યું કે તેઓ મને અલગથી મળવા માંગે છે. મારા માટે એ થોડું આશ્ચર્ય હતું કારણ કે કોઈ મુખ્યમંત્રીએ પહેલાં આવું કર્યું ન હતું. તેમણે મને કહ્યું, “હું બહારના દેશમાં છું, હું ભલે બીજી પાર્ટીમાંથી હોઉં (ત્યારે કેન્દ્રમાં કોંગ્રેસની સરકાર હતી) પરંતુ મારે ચીન જેવા દેશમાં કોઈ અલગ નિવેદનો આપવાં ન જોઈએ. જેથી હું ઈચ્છું છું કે તમે કેટલાક મહત્વના મુદ્દાઓ વિશે મને માહિતગાર કરો.”
PM Modi had asked me to join the Cabinet…I had met him first in 2011 in China. He had come there on a visit as Gujarat CM. He made a very big impression on me. By 2011, I had seen many CMs come & go but I had not seen anyone come more prepared than him: EAM Dr Jaishankar pic.twitter.com/eQwBY36y1x
— ANI (@ANI) February 21, 2023
આગળ તેમણે કહ્યું, “બ્રિફિંગ પૂર્ણ થયા બાદ અમે એક મિટિંગ માટે જઈ રહ્યા હતા અને એક જ કારમાં મુસાફરી કરી રહ્યા હતા. તેમણે મને કહ્યું કે દરેક મિનિટ બાદ હું ડીબ્રીફ લઉં છું અને તમને ક્યાંય પણ લાગે કે કશુંક બરાબર નથી તો તમે મારું ધ્યાન દોરો.” વિદેશ મંત્રી કહે છે, “મને આ યાદ રહી ગયું છે કારણ કે તેમની કામ કરવાની આ એક ચોક્કસ રીત છે. તેઓ આ બાબતે બહુ ગંભીર છે અને ચોકસાઈ અને ખૂબ બારીકાઇથી કામ કરે છે. તેઓ કાયમ ઈચ્છે છે કે તેઓ કોઈ ભૂલ ન કરે અને જે કહેવા માંગતા હોય તે સ્પષ્ટ રીતે સમજાવી શકે.” તેમણે કહ્યું કે, તે મુલાકાત બાદ મોદી વડાપ્રધાન બન્યા ત્યાં સુધી તેઓ મળ્યા ન હતા.
એસ જયશંકર 2015થી 2018 સુધી વિદેશ સચિવ રહ્યા હતા. 2019માં તેમને નરેન્દ્ર મોદી સરકારમાં વિદેશ મંત્રી બનાવવામાં આવ્યા હતા. જેને લઈને પણ તેમણે કહ્યું કે, સ્વયં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમને ફોન કરીને સરકારમાં આમંત્રણ આપ્યું હતું.