સોમવારથી (5 ઓગસ્ટ, 2024) ગુજરાતમાં પવિત્ર શ્રાવણ માસનો પ્રારંભ થઈ રહ્યો છે. શ્રાવણ માસમાં ભગવાન શિવની આરાધના કરીને શિવભક્તો કૃતજ્ઞતાની લાગણી વ્યક્ત કરે છે. દેશભરમાં અલગ-અલગ સમયે શરૂ થતાં શ્રાવણ મહિનામાં ભગવાન મહાદેવને રીઝવવા માટે ભક્તો અનેક કષ્ટો સહન કરીને કાવડયાત્રા કાઢે છે. ત્યારે અમદાવાદમાં પણ કાવડયાત્ર યોજાઇ હતી. અમદાવાદથી ગાંધીનગરના અમરનાથ ધામ સુધી કાવડયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ યાત્રામાં 4000થી વધુ કાવડયાત્રીઓએ ભાગ લીધો હતો. રવિવારે અમદાવાદથી આ યાત્રા નીકળી હતી. દરમિયાન કાવડયાત્રીઓ પર ડ્રોનથી પુષ્પવર્ષા પણ કરવામાં આવી હતી. ભક્તિમય માહોલ વચ્ચે આ યાત્રાને ગાંધીનગર માટે રવાના કરવામાં આવી હતી.
અમદાવાદમાં કાવડયાત્રીઓ પર ડ્રોનથી પુષ્પવર્ષા કરીને મહાદેવના ભક્તોને અનન્ય સન્માન આપવામાં આવ્યું હતું. 55 કિલોમીટર લાંબી આ કાવડયાત્રામાં હજારો શિવભક્તોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. તેમના ઉત્સાહને જાળવી રાખવા અને મહાદેવ પ્રત્યેના તેમના ભક્તિભાવને બિરદાવવા માટે ડ્રોનથી પુષ્પવર્ષાનું આયોજન કરવામાં આવ્યું હતું. ડ્રોનથી નીચે ભગવાન શિવના પ્રતિક સમાન ત્રિશુલને પણ સ્થાન આપવામાં આવ્યું હતું. સોશિયલ મીડિયા પર ઘટનાનો એક વિડીયો પણ વાયરલ થયો છે.
#WATCH | Ahmedabad, Gujarat: Flowers were showered on the people participating in the Kanwar Yatra through drones at Amarnath Dham.
— ANI (@ANI) August 4, 2024
Shravan month has started in Gujarat from today and will conclude on September 3, 2024. pic.twitter.com/O8Rqkk2yko
અમદાવાદથી ગાંધીનગરના અમરનાથ ધામ સુધી જતી આ કાવડયાત્રામાં યુવાનોથી લઈને વૃદ્ધોએ પણ ભાગ લીધો હતો. 2024માં આ 10મી કાવડયાત્રા યોજવામાં આવી હતી. અમદાવાદથી ગાંધીનગર સુધીનો માર્ગ ‘હર હર મહાદેવ’ના નારા સાથે ગુંજી ઉઠ્યો હતો. સ્થાનિક ભક્તોએ પણ કાવડયાત્રીઓ પર પુષ્પવર્ષા કરીને તેમના ઉત્સાહમાં વધારો કર્યો હતો. તમામ કાવડયાત્રીઓએ ભગવા રંગના પોશાક ગ્રહણ કર્યા હતા. વિશ્વ કલ્યાણ સંસ્થા અમરનાથ અને જય અંબે કાવડ પદયાત્રાના સંયોજનથી આ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું.
નોંધવા જેવુ છે કે, સોમવારથી (5 ઓગસ્ટ) ગુજરાતમાં પવિત્ર શ્રાવણ માસનું આગમન થઈ રહ્યું છે. હિંદુ કેલેન્ડરના વિક્રમ સંવત અનુસાર, કાલથી ગુજરાતના શિવભક્તો શ્રાવણ માસનો પ્રથમ દિવસ અને પ્રથમ સોમવાર ધામધૂમથી ઉજવશે. ખાસ વાત તો તે છે કે, આ વખતે શ્રાવણ માસનો અંત પણ સોમવારના રોજ થવા જઈ રહ્યો છે. જેના કારણે આ શ્રાવણ મહિનો ખૂબ પવિત્ર માનવામાં આવી રહ્યો છે. દરેક શિવમંદિરો પર ભક્તોનું ઘોડાપૂર જોવા મળશે અને આખું વાતાવરણ શિવમય બની જશે.