કોરોના મહામારી દરમિયાન ચર્ચામાં રહેલી પેરાસિટામોલ દવા ‘ડોલો’ વિવાદોમાં સપડાઈ છે. સુપ્રીમ કોર્ટમાં એક અરજી કરીને દાવો કરવામાં આવ્યો છે કે ફાર્મા કંપનીએ દવા પ્રિસ્ક્રાઈબ કરવા માટે દેશભરમાં ડોક્ટરોને 1000 કરોડ રૂપિયાની લ્હાણી કરી હતી. આ મામલે કોર્ટે કેન્દ્ર સરકાર પાસેથી આગામી 7 દિવસમાં જવાબ માંગ્યો છે.
આ અરજી ફેડરેશન ઑફ મેડિકલ એન્ડ સેલ્સ રિપ્રેઝેન્ટેટિવ્સ એસોશિએશન ઑફ ઇન્ડિયા દ્વારા કરવામાં આવી છે. એસોશિએશનનો પક્ષ રાખનાર વરિષ્ઠ વકીલ સંજય પરીખે સેન્ટ્રલ બોર્ડ ઑફ ડાયરેક્ટ ટેક્સીઝનો એક રિપોર્ટ ટાંકીને જણાવ્યું કે, તે અનુસાર ડોલો કંપનીએ ડોલો-650 દવાના વધુ વેચાણ માટે ડોક્ટરોને 1000 કરોડથી વધુની ભેટો આપી હતી.
મામલાની સુનાવણી કરતા જસ્ટિસ ડીવાય ચંદ્રચુડ પણ આ બાબત જાણીને આશ્ચર્યમાં પડી ગયા હતા. તેમણે અરજદારને કહ્યું કે, તેઓ જે કહી રહ્યા છે તે સાંભળવામાં સારું લાગતું નથી. તેમણે એમ પણ કહ્યું કે, કોરોના દરમિયાન તેમણે પોતે પણ આ દવાનો ઉપયોગ કર્યો હતો. કોર્ટે કહ્યું કે આ મામલો ગંભીર છે. જે બાદ કોર્ટે કેન્દ્ર સરકારને એક અઠવાડિયામાં જાહેરહિતની અરજી પર પોતાનો જવાબ દાખલ કરવા માટે કહ્યું હતું. આ મામલે 10 દિવસ બાદ ફરી સુનાવણી હાથ ધરવામાં આવશે.
સુપ્રીમ કોર્ટમાં દાખલ કરવામાં આવેલ અરજીમાં માંગ કરવામાં આવી છે કે દવાનું વેચાણ વધારવા માટે ડોક્ટરોને ભેટ આપનાર દવા કંપનીઓની જવાબદારી સુનિશ્ચિત થાય તે જરૂરી છે. ફેડરેશન ઑફ મેડિકલ એન્ડ સેલ્સ રિપ્રેઝેન્ટેટિવ એસોશિએશન તરફથી દાખલ કરવામાં આવેલ અરજીમાં જણાવવામાં આવ્યું છે કે આ પ્રકારના કેસમાં લાંચ બદલ ડોક્ટરો પર તો કેસ ચાલે છે પરંતુ કંપનીઓ બચી જાય છે.
અરજીમાં ફાર્માસ્યુટિકલ માર્કેટિંગ પ્રેક્ટિસ માટે યુનિફોર્મ કોડ બનાવવાની પણ માંગ કરવામાં આવી છે. અરજીમાં કહેવામાં આવ્યું છે કે, કાયદો ન હોવાના કારણે દર્દીઓએ બ્રાન્ડેડ કંપનીઓની વધુ કિંમત ધરાવતી દવા ખરીદવી પડે છે કારણ કે ડોક્ટર મોંઘી ભેટના ચક્કરમાં દર્દીઓને એ જ દવા પ્રિસ્ક્રાઈબ કરી આપે છે.
એસોશિએશન તરફથી કોર્ટને જણાવવામાં આવ્યું કે, ડોલો મામલો એક ઉદાહરણ તરીકે કોર્ટ સમક્ષ રાખવામાં આવ્યો છે. કારણ કે આ તાજો મામલો છે. અરજદારે એમ પણ કહ્યું કે, હાલ માત્ર ડોક્ટરોને જ જવાબદાર ગણવામાં આવી રહ્યા છે, જ્યારે લાંચ આપનારી દવા કંપનીઓ પણ સમાન રીતે જવાબદાર ગણવામાં આવે તે ખૂબ જરૂરી છે.
ઉલ્લેખનીય છે કે સેન્ટ્રલ બોર્ડ ઑફ ડાયરેક્ટ ટેક્સીઝ દ્વારા બેંગ્લોર સ્થિત દવા કંપની માઈક્રો લેબ્સ લિમિટેડના નવ રાજ્યોના 36 પરિસરો પર દરોડા પાડ્યા હતા અને જે બાદ જાણવા મળ્યું હતું કે કંપનીએ 300 કરોડની કરચોરી કરી હતી.