Friday, November 22, 2024
More
    હોમપેજગુજરાતપૂજા ખેડકર વિવાદ વચ્ચે ગુજરાતના પણ ચાર અધિકારીઓનાં દિવ્યાંગતા પ્રમાણપત્રો ચકાસી રહી...

    પૂજા ખેડકર વિવાદ વચ્ચે ગુજરાતના પણ ચાર અધિકારીઓનાં દિવ્યાંગતા પ્રમાણપત્રો ચકાસી રહી છે રાજ્ય સરકાર: રિપોર્ટમાં દાવો, CMOના આદેશ પર કાર્યવાહી

    આ ચાર અધિકારીઓમાંથી 1 વરિષ્ઠ અધિકારી છે અને બાકીના ત્રણ જુનિયર રેન્ક્ડ ઑફિસર છે. અહેવાલમાં જણાવ્યા અનુસાર, ગુજરાત સરકારના સામાન્ય વહીવટી વિભાગ (GAD) દ્વારા અધિકારીઓના ડિસેબિલિટી સર્ટિફિકેટ ચકસવાની કામગીરી શરૂ કરવામાં આવી છે.

    - Advertisement -

    મહારાષ્ટ્ર કેડરનાં ટ્રેની IAS પૂજા ખેડકરનો કેસ ચર્ચામાં છે ત્યારે ગુજરાતના પણ ચારેક IAS અધિકારીઓનાં દિવ્યાંગતા પ્રમાણપત્રો શંકાના દાયરામાં હોવાનું અહેવાલો જણાવી રહ્યા છે. જે અનુસાર, રાજ્ય સરકાર હાલ ગુજરાત કેડરના ચાર અધિકારીઓનાં દસ્તાવેજોની ખરાઈ કરી રહી છે. જોકે, સત્તાવાર જાણકારી હજુ સુધી આપવામાં આવી નથી. 

    ટાઈમ્સ ઑફ ઇન્ડિયાના રિપોર્ટ અનુસાર, આ ચાર અધિકારીઓમાંથી 1 વરિષ્ઠ અધિકારી છે અને બાકીના ત્રણ જુનિયર રેન્ક્ડ ઑફિસર છે. અહેવાલમાં જણાવ્યા અનુસાર, ગુજરાત સરકારના સામાન્ય વહીવટી વિભાગ (GAD) દ્વારા અધિકારીઓના ડિસેબિલિટી સર્ટિફિકેટ ચકસવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. મુખ્યમંત્રી કાર્યાલય (CMO) દ્વારા પણ અધિકારીઓના દસ્તાવેજોની સંપૂર્ણ તપાસ કરવાના આદેશ આપવામાં આવ્યા હોવાનું જણાવવામાં આવ્યું છે. 

    રિપોર્ટમાં સૂત્રને ટાંકીને જણાવવામાં આવ્યું કે, પ્રાથમિક તપાસ બાદ ચાર IAS અધિકારીઓનાં નામ તારવવામાં આવ્યાં છે, જેમના દસ્તાવેજોની વિગતવાર અને તલસ્પર્શી તપાસ જરૂરી છે. એવું પણ જણાવવામાં આવ્યું છે કે, એક વરિષ્ઠ અધિકારીએ ડિસેબિલીટી સર્ટિફિકેટ રજૂ કર્યું હતું પરંતુ તપાસમાં સામે આવ્યું કે હાલ તેમને કોઇ પણ પ્રકારની શારીરિક ખામી હોવાનું ધ્યાનમાં આવ્યું નથી. જોકે, શક્યતા છે કે જે-તે સમયે તેમને ખામી હોય અને વર્ષો જતાં તેનું નિદાન કરી દેવામાં આવ્યું હોય. 

    - Advertisement -

    અન્ય ત્રણ જુનિયર અધિકારીઓએ પણ દિવ્યાંગતા પ્રમાણપત્રોમાં ‘લોકોમોટિવ ડિસેબિલિટી’નાં કારણો દર્શાવ્યા છે, પરંતુ તેમને પણ કોઇ સમસ્યા હોવાનું ધ્યાને આવ્યું નથી. TOIનો રિપોર્ટ સૂત્રોને ટાંકીને એમ પણ જણાવે છે કે ત્રણમાંથી એક જુનિયર અધિકારી સોશિયલ મીડિયા પર ખાસ્સા સક્રિય છે. 

    જાણવા મળ્યા અનુસાર, જો અધિકારીઓનાં પ્રમાણપત્રોમાં કોઇ ગડબડ ધ્યાને આવે તો ગુજરાત સરકાર આ બાબતની જાણ UPSCને કરી શકે છે, જેઓ ત્યારબાદ આગળની કાર્યવાહી હાથ ધરશે. 

    પૂજા ખેડકર સામે પ્રમાણપત્ર ખોટી રીતે બનાવવા સહિતના અનેક આરોપ

    અહીં નોંધનીય છે કે તાજેતરમાં તાલીમાર્થી IAS પૂજા ખેડકરનો કેસ ચર્ચામાં છે. પૂજા મહારાષ્ટ્ર કેડરમાં ભરતી થયાં હતાં, જેમણે 2022માં UPSC પાસ કરી હતી. પરંતુ પુણેમાં તેમના પોસ્ટિંગ પહેલાં જ પોતાને મળતી સત્તાવાર સુવિધાઓ કરતાં વધુ સુવિધાઓ માંગવાની શરૂ કરી દીધી હતી. જે મામલે પછીથી પુણેના અધિકારીએ ફરિયાદ કરતાં મામલો ધ્યાને આવ્યો હતો. 

    ત્યારબાદ પૂજાના ડિસેબિલિટી સર્ટિફિકેટ પર પણ પ્રશ્ન ઉઠ્યા અને તેમણે ખોટા સરનામા પર ખોટો રેશન કાર્ડ બનાવીને પ્રમાણપત્ર બનાવ્યું હોવાનું પણ ધ્યાને આવ્યું હતું. આ મામલે ખાતાકીય તપાસ પણ શરૂ થઈ ચૂકી છે તો બીજી તરફ UPSCએ FIR પણ દાખલ કરાવી છે અને પૂજાને શો કૉઝ નોટિસ પણ પાઠવી છે. જેથી તેમની નોકરી પણ જઈ શકે છે. 

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં