ઝારખંડમાં એક રૂબિકા પહાડન નામની આદિવાસી મહિલાની તેના પતિ દિલદાર અન્સારીએ હત્યા કરી નાંખી હતી. હત્યા કર્યા બાદ તેણે ઇલેક્ટ્રિક કટરથી તેના મૃતદેહના 18 ટુકડા કરીને જુદા-જુદા વિસ્તારોમાં ફેંકી દીધા હતા. જેમ-જેમ આ ઘટનામાં પોલીસની તપાસ ચાલી રહી છે તેમ નવી વિગતો સામે આવી રહી છે.
વિગતો અનુસાર, આરોપી દિલદાર અન્સારીએ પોલીસની પૂછપરછમાં સ્વીકાર્યું છે કે તેણે પારિવારિક ઝઘડામાં પત્નીની હત્યા કરી નાંખી હતી. પોલીસ અનુસાર, દિલદાર અને તેના પરિજનોએ ઘટના અગાઉ રૂબિકા સાથે ઝઘડો કર્યો હતો. ત્યારબાદ તેમણે ષડ્યંત્ર રચીને મહિલાની હત્યા કરી નાંખી હતી.
અહેવાલો જણાવે છે કે આરોપી દિલદારે તેનાં પહેલાં લગ્ન છુપાવીને રૂબિકાને પ્રેમજાળમાં ફસાવી હતી. તે બંને એક મહિનાથી સાથે જ રહેતાં હતાં. જ્યારે થોડા દિવસ બાદ રૂબિકાને ખબર પડી કે દિલદારની પહેલેથી જ એક પત્ની છે તો બંને વચ્ચે કલેશ શરૂ થઇ ગયો હતો. ત્યારબાદ બંને રોજ ઝઘડવા માંડ્યાં હતાં. ત્યારબાદ દિલદારના પરિજનો પણ વિવાદમાં કૂદ્યા હતા.
દિલદારના પરિજનો આ સબંધોથી નારાજ હોવાનું તો પહેલેથી જ સામે આવી ચૂક્યું છે. જેના કારણે તેઓ દિલદારને રૂબિકા વિરુદ્ધ ઉશ્કેરતા હતા. વધતા વિવાદને લઈને દિલદાર પર દબાણ વધવા માંડ્યું હતું અને આખરે તેણે અન્યો સાથે મળીને હત્યાને અંજામ આપ્યો હતો.
અમર ઉજાલાના રિપોર્ટ અનુસાર, દિલદારની માતા મરિયમ ખાતૂને રૂબિકાની હત્યા માટે તેના ભાઈ એટલે કે દિલદારના મામા મોઈનુલ હકને 20 હજાર રૂપિયાની સોપારી આપી હતી. ગત શુક્રવારે જ રૂબિકાને બેલા ટોલા સ્થિત મોઈનુલના ઘરે મોકલાવી હતી, જ્યાં તેની સાથે આ ઘટના બની હોવાની આશંકા છે.
અન્ય એક રિપોર્ટ અનુસાર, દિલદાર અન્સારી રૂબિકાને લઈને તેના મામાના ઘરે આવ્યો હતો, જ્યાં તેની હત્યા કરી નાંખવામાં આવી હોવાની પોલીસને પ્રબળ આશંકા છે. પોલીસને મોઈનુલના ઘરેથી લોહીથી લથબથ કપડાં પણ મળી આવ્યાં છે. હત્યા માટે જે હથિયાર વાપરવામાં આવ્યું તે પણ પોલીસને અહીંથી જ મળ્યું હતું.
હાલ પોલીસે મુખ્ય આરોપી દિલદાર તેમજ તેના પરિજનોની ધરપકડ કરીને વધુ પૂછપરછ અને તપાસ હાથ ધરી છે. જેથી આવનાર સમયમાં વધુ ખુલાસાઓ થવાની આશંકા છે.