ગઈકાલે મોડી રાત્રે દિલ્હીમાં એક ભીષણ માર્ગ અકસ્માતમાં ત્રણ લોકોનાં મોત થઇ ગયાં હતાં. દિલ્હીના લક્ષ્મીનગર વિસ્તાર પાસે એક બાઈકસવાર અને કાર વચ્ચે રાત્રે આ અકસ્માત સર્જાયો હતો.
પ્રાપ્ત વિગતો અનુસાર, કારમાં સવાર પરિવાર એક કાર્યક્રમ પતાવીને પીરાગઢીથી કડકડનૂમા આવવા માટે પરત ફરી રહ્યો હતો, તે દરમિયાન દિલ્હીમાં લ્ક્ષ્મીનગર વિસ્તારમાં આ ભીષણ અકસ્માત સર્જાયો હતો. લક્ષ્મીનગર પાસે તેમની કાર આગળ અચાનક એક બાઈક સવાર ડિલીવરી બોય આવી ગયો હતો અને બંને વાહનો વચ્ચે જોરદાર ટક્કર થઇ હતી અને કાર ત્રણ-ચાર પલટી મારીને બાજુ પર પડી હતી.
અકસ્માત થયો ત્યારે કારમાં કુલ 7 લોકો જઈ રહ્યા હતા. જેમાંથી આગળ બેઠેલા લોકો સુરક્ષિત બચી ગયા હતા પરંતુ કારમાં સવાર બે યુવતીઓનાં સ્થળ પર જ મોત નીપજ્યાં હતાં. જેમના નામ જ્યોતિ અને ભારતી હોવાનું જણાવવામાં આવ્યું છે. આ ઉપરાંત બાઈકસવાર ડિલીવરી બોયને પણ ગંભીર ઈજાઓ પહોંચી હતી. અકસ્માત થયો ત્યારે કારની ઝડપ 80-90 કિમી/કલાક જેટલી હોવાનું કહેવાય છે. તેમજ રિપોર્ટ અનુસાર, અકસ્માત બાદ કાર અને બાઈક બંને વાહનોનો કચ્ચરઘાણ વળી ગયો હતો.
હાલ પોલીસ આ મામલે વધુ તપાસ કરી રહી છે. પૂર્વ દિલ્હીના ડીસીપીએ જણાવ્યું કે, કારમાં એક પરિવારના સાત લોકો હતા. તેઓ બહાર નીકળી શકતા ન હતા. સ્થાનિક પોલીસકર્મીઓએ તેમને તાત્કાલિક બચાવી લીધા હતા, જેમાંથી ચાર લોકોને ઈજા પહોંચી હતી. તેમને તાત્કાલિક હેડગેવાર હોસ્પિટલ લઇ જવામાં આવ્યા હતા, જ્યાં બે યુવતીઓ મૃત ઘોષિત કરવામાં આવી હતી.
ગંભીર રીતે ઘાયલ થયેલા ડિલીવરી બોયને સ્થાનિકો હોસ્પીટલમાં લઇ ગયા હતા. પરંતુ દિલ્હીની મેક્સ હોસ્પિટલે બેડ ન હોવાનું કારણ ધરીને સારવાર કરવાનો ઇનકાર કરી દીધો હતો. જે બાદ સારવાર વગર જ તેનું મોત નીપજ્યું હતું. ડિલીવરી બોય વિશે વધુ જાણકારી મળી શકી નથી.
દિલ્હીમાં સર્જાયેલા આ અકસ્માતમાં યુવકનું મૃત્યુ થયા બાદ દિલ્હી સરકારના સ્વાસ્થ્ય વ્યવસ્થાઓ વિશેના દાવાઓ સામે પણ સવાલો ઉઠી રહ્યા છે. કારણ કે કોઈ પણ ઈજાગ્રસ્ત શખ્સને હોસ્પિટલ લઇ જવા પર મફત સારવાર કરવાનો નિયમ હોવાનો દાવો દિલ્હીની કેજરીવાલ સરકાર કરતી રહી છે.
વર્ષ 2019માં દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે જાહેરાત કરતા કહ્યું હતું કે, દિલ્હીની સરહદમાં કોઈ પણ વ્યક્તિનો અકસ્માત થાય, કોઈ એસિડ અટેકનો ભોગ બને કે કોઈને દાઝી જવાથી ઈજા થાય તો દિલ્હી સરકાર કોઈ પણ હોસ્પિટલમાં તેમને મફત સારવાર આપશે. મેં ખાનગી હોસ્પિટલો સાથે મુલાકાત કરી છે અને તેમણે પણ આ માટે સહમતિ દર્શાવી છે. આ માટેનો ખર્ચ સરકાર ચૂકવશે.”
જોકે, કેજરીવાલના આ દાવાથી વિપરીત ગઈકાલે દિલ્હીમાં સર્જાયેલા અકસ્માતમાં યુવકને હોસ્પિટલે સારવાર ન આપતાં તેનું મૃત્યુ નીપજ્યું હતું. જેના કારણે સવાલો ઉઠી રહ્યા છે.