ચાર દિવસ પહેલાં દિલ્હી પોલીસના એક સહાયક સબ ઇન્સ્પેક્ટર (ASI) ઉપર એક ચોરીના આરોપીએ હુમલો કરી દીધો હતો. અધિકારીની ઓળખ શંભુ દયાળ તરીકે જ્યારે આરોપીની ઓળખ અનીશ તરીકે થઇ છે. હુમલા બાદ પોલીસ અધિકારીને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, જ્યાં સારવાર દરમિયાન તેમણે દમ તોડી દીધો છે.
દિલ્હી પોલીસે તેમના નિધનની જાણકારી આપી છે. હુમલા બાદ તેમને પેટ, છાતી અને ગરદનના ભાગે ઇજા થઇ હતી. ત્યારબાદ તેમની સારવાર ચાલી રહી હતી, પરંતુ બચી શક્યા ન હતા.
#UPDATE | ASI Shambhu Dayal who was undergoing treatment at a hospital after being stabbed with a knife by accused Anish in Delhi’s Mayapuri area, succumbed to his injuries: Delhi Police https://t.co/QjnohetR1d
— ANI (@ANI) January 8, 2023
આ ઘટના દિલ્હીના માયાપુરી વિસ્તારમાં ગત 4 જાન્યુઆરીના રોજ બની હતી. દિલ્હી પોલીસના ASI શંભુ દયાળ એક ચોરીના કેસમાં અનીશને પકડીને માયાપુરી પોલીસ મથકે લાવી રહ્યા હતા. આ દરમિયાન આરોપીએ તેમની ઉપર ચાકુ વડે હુમલો કરી દીધો હતો અને ગંભીર રીતે ઘાયલ કરી દીધા હતા.
અનીશને લઈને અધિકારી આવી રહ્યા હતા તે દરમિયાન રસ્તામાં અનીશે શર્ટની નીચેથી ચાકુ કાઢીને અચાનક ASI ઉપર હુમલો કરી દીધો હતો. જેના કારણે તેમને ગરદન, છાતી, પીઠ અને પેટ સહિતના ભાગો ઉપર ઇજા થઇ હતી.
ઘટનાની જાણ થતાં જ માયાપુરી પોલીસ મથકના અન્ય અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચ્યા હતા અને અનીશને ઝડપી લીધો હતો. તેની પાસેથી ચાકુ પણ મળી આવ્યું હતું. ત્યારબાદ તેની સામે આઇપીસીની વિવિધ કલમ હેઠળ કેસ દાખલ કરવામાં આવ્યો હતો. બીજી તરફ, ઈજાગ્રસ્ત પોલીસ અધિકારીને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.
4 જાન્યુઆરીની સાંજે લગભગ 4 વાગ્યે દિલ્હીના માયાપુરી પોલીસ મથકે એક મહિલાએ ફરિયાદ નોંધાવી હતી અને જણાવ્યું હતું કે એક ઈસમે તેના પતિનો મોબાઈલ આંચકી લીધો હતો અને ધમકીઓ આપી હતી. આ કેસની તપાસ ASI શંભુ દયાળને સોંપવામાં આવી હતી.
અધિકારીએ ફરિયાદી મહિલાને સાથે રાખીને દિલ્હી રેવાડી રેલવે લાઈન તરફ ગયા હતા. અહીં ઝુંપડપટ્ટીઓમાં મહિલાએ આરોપીને ઓળખી લીધો હતો. ત્યારબાદ શંભુ દયાળ તેની પાસે ગયા અને પ્રાથમિક પૂછપરછ બાદ તેને પકડી લીધો હતો. જ્યાંથી તેઓ તેને આગળની કાર્યવાહી માટે પોલીસ મથકે લાવી રહ્યા હતા ત્યારે તેમની ઉપર હુમલો થયો હતો.
હુમલા બાદ ASI શંભુ દયાળની સારવાર ચાલી રહી હતી અને તેઓ સુરક્ષિત હોવાના પણ અહેવાલો મળ્યા હતા. પરંતુ આજે સવારે તેમની તબિયત વધુ લથડી હતી અને હોસ્પિટલમાં જ અંતિમ શ્વાસ લીધા હતા. તેઓ 57 વર્ષના હતા અને મૂળ રાજસ્થાનના વતની હતા.