Friday, October 18, 2024
More
    હોમપેજદેશ‘‘સંવિધાન હત્યા દિવસ'નું એલાન બંધારણનું અપમાન કે ઉલ્લંઘન નહીં’: દિલ્હી હાઈકોર્ટે ફગાવી...

    ‘‘સંવિધાન હત્યા દિવસ’નું એલાન બંધારણનું અપમાન કે ઉલ્લંઘન નહીં’: દિલ્હી હાઈકોર્ટે ફગાવી PIL, મોદી સરકારના નિર્ણય પર મહોર

    કોર્ટે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે, ન તો કેન્દ્ર સરકારનું નોટિફિકેશન બંધારણનું ઉલ્લંઘન કરે છે કે ન તેનું અપમાન થઈ રહ્યું છે. 'હત્યા' શબ્દનો ઉપયોગ એક સંદર્ભ સાથે કરવામાં આવ્યો છે, જેનાથી બંધારણની અવમાનના થતી નથી.

    - Advertisement -

    25 જૂનને ‘સંવિધાન હત્યા દિવસ’ (Samvidhan Hatya Diwas) તરીકે ઘોષિત કરવાના કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકારના નિર્ણય વિરૂદ્ધ કરવામાં આવેલી એક જાહેરહિતની અરજી દિલ્હી હાઈકોર્ટે ફગાવી દીધી છે. કોર્ટે કહ્યું કે, કેન્દ્ર સરકારનું નોટિફિકેશન કોઇ પણ રીતે બંધારણનું ઉલ્લંઘન કરતું નથી કે ન તેનું અપમાન છે. નોંધનીય છે કે 25 જૂન, 1975ના રોજ જ ઈન્દિરા ગાંધીએ દેશભરમાં કટોકટી લાગુ કરી હતી, જે માર્ચ, 1977 સુધી લાગુ રહી હતી અને આ દરમિયાન ખુલ્લેઆમ મૂળભૂત અધિકારોનું હનન કરવામાં આવ્યું હતું.

    દિલ્હી હાઈકોર્ટના કાર્યવાહક ચીફ જસ્ટિસ મનમોહન અને જસ્ટિસ તુષાર રાવ ગેડેલાની બેન્ચે અરજી ફગાવતાં કહ્યું કે, કેન્દ્ર સરકાર દ્વારા 13 જુલાઈએ બહાર પાડવામાં આવેલ ‘સંવિધાન હત્યા દિવસ’ અંગેની અધિસૂચના બંધારણની કલમ 352 હેઠળ કરવામાં આવેલી ઈમરજન્સીની ઘોષણા વિરુદ્ધ નથી, પરંતુ માત્ર સત્તાના દુરુપયોગ અને બંધારણીય જોગવાઈઓના દુરુપયોગ વિરુદ્ધ હતી.

    વાસ્તવમાં આ PIL સમીર મલિક નામના એક વ્યક્તિ દ્વારા દાખલ કરવામાં આવી હતી. જેમાં જણાવવામાં આવ્યું હતું કે, કટોકટી બંધારણની જોગવાઇ હેઠળ જ લાદવામાં આવી હતી, જેથી તેની જાહેરાત દ્વારા બંધારણની હત્યા કરવામાં આવી તેમ કહેવું એ ખોટું છે. તેમના પક્ષે વકીલે કોર્ટમાં દલીલ કરી હતી કે ભારતના બંધારણનો અનુચ્છેદ 352 રાષ્ટ્રપતિને કટોકટી લાગુ કરવા માટે સત્તા આપે છે, જેથી ઈમરજન્સીની ઘોષણાના દિવસને ‘સંવિધાન હત્યા દિવસ’ તરીકે જાહેર કરવાનો નિર્ણય બંધારણીય જોગવાઈઓથી વિરુદ્ધ હતો.

    - Advertisement -

    અરજદારે પોતાની અરજીમાં એમ કહ્યું હતું કે, પ્રિવેન્શન ઓફ ઇન્સલ્ટ ટુ નેશનલ ઓનર એક્ટ હેઠળ બંધારણનો અનાદર કરવો એ ગુનો છે અને સરકારને પણ તેના અંગત અને રાજકીય હેતુ માટે બંધારણ માટે અપમાનજનક ભાષાનો ઉપયોગ કરવાની મંજૂરી મળી જતી નથી. પરંતુ દિલ્લી હાઈકોર્ટે અરજદારની બધી દલીલો સાથે અરજીને પણ ફગાવી દીધી છે.

    કોર્ટે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે, ન તો કેન્દ્ર સરકારનું નોટિફિકેશન બંધારણનું ઉલ્લંઘન કરે છે કે ન તેનું અપમાન થઈ રહ્યું છે. ‘હત્યા’ શબ્દનો ઉપયોગ એક સંદર્ભ સાથે કરવામાં આવ્યો છે, જેનાથી બંધારણની અવમાનના થતી નથી. સાથે એમ પણ કહ્યું કે, નેતાઓ ‘લોકતંત્રની હત્યા’ જેવા શબ્દોનો ઉપયોગ છાશવારે કરતા રહે છે. અમે આ અરજી સ્વીકારી રહ્યા નથી. નોંધવું જોઈએ કે આવી જ એક અરજી અલાહાબાદ હાઈકોર્ટમાં પણ પેન્ડિંગ છે.

    ઇમરજન્સી વિશે વાત કરવામાં આવે તો, 25 જૂન, 1975ના રોજ તત્કાલીન વડાંપ્રધાન ઇન્દિરા ગાંધીની સલાહથી રાષ્ટ્રપતિએ સમગ્ર દેશમાં આપતકાળ લાગુ કરી દીધો હતો. સત્તા બચાવવા માટેના ઈન્દિરાના આ નિર્ણયના કારણે દેશ અને દેશના લોકોએ ખૂબ ભોગવવું પડ્યું. આ કપરા કાળની સ્મૃતિ માટે વર્તમાન કેન્દ્ર સરકાર દ્વારા 13 જુલાઈના રોજ નોટિફિકેશન બહાર પાડીને 25 જૂનને ‘સંવિધાન હત્યા દિવસ’ તરીકે મનાવવાની ઘોષણા કરવામાં આવી. જોકે, કોંગ્રેસને તે પસંદ આવ્યું ન હતું અને દર વખતની જેમ આ નિર્ણયનો પણ વિરોધ કરવાનો શરૂ કરી દીધો હતો.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં