કોંગ્રેસ નેતાઓને સમન્સ ફટકારતી વખતે દિલ્હી હાઈકોર્ટ દ્વારા મહત્વની ટીપ્પણી કરવામાં આવી હતી. આ કેસની સુનાવણી દરમિયાન દિલ્હી હાઈકોર્ટે કહ્યું હતું કે કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાની અને તેમની પુત્રી ‘સિલી સોલ્સ કેફે એન્ડ બાર’ના માલિક નથી. તેમજ તેણે ક્યારેય તે રેસ્ટોરન્ટના સંબંધમાં કોઈ લાયસન્સ માટે અરજી નથી કરી. આ કેસની સુનાવણી શુક્રવારે (29 જુલાઈ) દિલ્હી હાઈકોર્ટમાં થઈ હતી, જેનો વિગતવાર આદેશ હવે સામે આવ્યો છે.
મળતા અહેવાલો મુજબ જસ્ટિસ મિની પુષ્કર્ણાએ દિલ્હી હાઈકોર્ટમાં આ ટિપ્પણી કરી હતી. તેમણે કોંગ્રેસના નેતાઓ જયરામ રમેશ, પવન ખેરા અને નેટ્ટા ડિસોઝાને સમન ફટકાર્યા છે. આ સમન સ્મૃતિ ઈરાની દ્વારા દાખલ કરવામાં આવેલા માનહાનિના દાવા પર મોકલવામાં આવ્યા છે. ઈરાનીએ આ નેતાઓને 2 કરોડ રૂપિયાની માનહાનિની નોટિસ મોકલી છે. શુક્રવારે સુનાવણી દરમિયાન, કોર્ટે આદેશ આપ્યો હતો કે કોંગ્રેસ નેતા પવન ખેરાએ સ્મૃતિ ઈરાનીની પુત્રી સાથે સંબંધિત ટ્વિટ તાત્કાલિક ડિલીટ કરી દેવી જોઈએ.
એક મીડિયા રીપોર્ટ અનુસાર હાઈકોર્ટે આ મામલામાં પોતાનો ચુકાદો આપતાં કહ્યું કે ન તો ગોવાની તે રેસ્ટોરન્ટ કે તેની જમીન સ્મૃતિ ઈરાની અને તેમની પુત્રીની નથી. કોર્ટે વધુમાં કહ્યું કે ત્રણેય કોંગ્રેસી નેતાઓ અને કેટલાક અન્ય લોકોએ ખોટી વાતો કહી હતી. આ સાથે તેમણે સ્મૃતિ ઈરાની અને તેની પુત્રી પર અંગત પ્રહારો પણ કર્યા હતા. દિલ્હી હાઈકોર્ટે સ્વીકાર્યું કે આવું કરીને સ્મૃતિ ઈરાનીની છબી ખરાબ કરવાનું કામ કરવામાં આવ્યું છે. દિલ્હી હાઈકોર્ટના જણાવ્યા અનુસાર, વાસ્તવિક તથ્યો જાણ્યા વિના મોટા આરોપો લગાવવામાં આવ્યા હતા, જેના કારણે સ્મૃતિ ઈરાની અને તેમના પરિવારની છબીને નુકસાન થયું હતું.
સ્મૃતિ ઈરાની દ્વારા દાખલ કરવામાં આવેલા સિવિલ માનહાનિ કેસમાં દિલ્હી હાઈકોર્ટે કોંગ્રેસના નેતાઓ જયરામ નરેશ, પવન ખેરા અને નેટ્ટા ડિસોઝાને સમન્સ જારી કર્યા છે અને તેમને જવાબ સાથે આગામી સુનાવણીમાં હાજર થવા જણાવ્યું છે. સિવિલ સુટ હોવાથી બદનક્ષી બદલ સમન્સ પણ પાઠવવામાં આવ્યા છે. હવે આગામી સુનાવણી 18 ઓગસ્ટના રોજ કરવામાં આવશે.
ઉલ્લેખનીય છે કે કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીની પુત્રી ઝોઈશ ઈરાનીને લઈને કોંગ્રેસ પાર્ટીએ કરેલા દાવાને લઈને સ્મૃતિ ઈરાનીએ કોંગ્રેસ નેતાઓને નોટીસ પાઠવી હતી અને દિલ્હી હાઇકોર્ટના દરવાજા ખખડાવ્યા હતા. હવે આ મામલે દિલ્હી હાઇકોર્ટે કોંગ્રેસના પવન ખેડા, જયરામ રમેશ અને નેતા ડિસૂઝાને સમન્સ પાઠવ્યાં છે. આ ઉપરાંત, કોર્ટે આ નેતાઓને આગામી 24 કલાકની અંદર સ્મૃતિ ઈરાની વિરુદ્ધની તમામ અપમાનજનક સામગ્રી હટાવી લેવા માટેનો આદેશ આપ્યો છે.