દિલ્હી હાઈકોર્ટે બુધવારે (3 જાન્યુઆરી, 2024) વૈજ્ઞાનિક અને લેખક આનંદ રંગનાથન સામે ચાલતી અદાલતની અવમાનનાની કાર્યવાહી બંધ કરવાનો આદેશ આપ્યો હતો.
We won! I refused to apologise for standing up for free speech.
— Anand Ranganathan (@ARanganathan72) January 3, 2024
Grateful to everyone who stood by me but above all to @jsaideepak. Oh, the way you fought – words fail me, Sai. The feeling overwhelmingly is of pride; pride in the realisation that with you Bharat is in safe hands. pic.twitter.com/2QOXaS27Km
રંગનાથને X પર એક પોસ્ટ કરીને લખ્યું કે, “અમે જીતી ગયા. મેં અભિવ્યક્તિની સ્વતંત્રતાના સમર્થન માટે માફી માંગવાની ના પાડી હતી.” આગળ તેમણે લખ્યું, “મારા સમર્થનમાં આવનાર તમામ વ્યક્તિઓનો આભારી છું, પરંતુ સૌથી વધારે આભાર જે સાંઈ દીપકનો. જે રીતે તેઓ (કેસ) લડ્યા, મારી પાસે શબ્દો નથી. મને ગર્વની અનુભૂતિ થઈ રહી છે અને લાગી રહ્યું છે કે ભારત સુરક્ષિત હાથોમાં છે.” ઉલ્લેખનીય છે કે એડવોકેટ જે સાંઈ દિપક જાણીતા લેખક પણ છે. તેઓ આનંદ રંગનાથન તરફથી કેસ લડ્યા હતા.
સુનાવણી દરમિયાન કોર્ટે ટિપ્પણી કરતાં કહ્યું કે, આ કાર્યવાહી બીજું કશું જ નહીં પણ કોર્ટના સમયનો ચોખ્ખો બગાડ છે. કોર્ટે એ પણ નોંધ્યું કે રંગનાથને જજ મુરલીધર પર કોઇ ટિપ્પણી કરી ન હતી પરંતુ ગુરુમૂર્તિ અને અન્યોની અભિવ્યક્તિની સ્વતંત્રતાનું સમર્થન કર્યું હતું. કોર્ટે કહ્યું, “આ કેસના અન્ય વ્યક્તિઓ, જેમની ઉપર આરોપ લાગ્યો હતો, તેમને ડિસ્ચાર્જ કરવામાં આવી ચૂક્યા છે તો પછી બાકીના લોકો સામે કોઇ પણ કાર્યવાહી કરવી એ સમયનો બગાડ જ છે. અમે આ કાર્યવાહી બંધ કરી રહ્યા છીએ.”
આનંદ રંગનાથન તરફથી જે સાંઈ દીપકે દિલ્હી હાઈકોર્ટ સમક્ષ દલીલો કરી હતી. તેમણે કહ્યું કે, “તેમણે (આનંદ) પક્ષ લીધો હતો કે ગુરુમૂર્તિ સાચા કે ખોટા હોય શકે પરંતુ તેમને પણ પક્ષ લેવાનો તેટલો જ અધિકાર છે. રંગનાથને ક્યારેય ન્યાયાધીશની કાર્યપ્રણાલી પર ટિપ્પણી નથી કરી. તેમણે એવું કશું જ કહ્યું કે કર્યું નથી જેનાથી ન્યાયતંત્રની કામગીરીમાં હસ્તક્ષેપ થયો હોય. તેમણે માત્ર અન્ય વ્યક્તિના અવાજ ઉઠાવવાના અધિકારનું સમર્થન કર્યું હતું.” ત્યારબાદ હાઈકોર્ટે આ દલીલોને ધ્યાનમાં લઈને આદેશ આપ્યો હતો.
શું છે કેસ?
આ કેસ વર્ષ 2019નો છે. ઓક્ટોબર, 2019માં દિલ્હી હાઈકોર્ટના પૂર્વ જજ અને ઓડિશા હાઈકોર્ટના પૂર્વ ચીફ જસ્ટિસ એસ મુરલીધરે UAPA આરોપી ગૌતમ નવલખાને જામીન આપ્યા હતા. પછીથી જજ વિરુદ્ધ કથિત ટિપ્પણી મામલે અમુક ટ્વિટર યુઝર અને ઓનલાઈન પોર્ટલ અને મેગેઝીન સ્વરાજ્ય વિરુદ્ધ કોર્ટની અવમાનનાનો કેસ દાખલ કરવામાં આવ્યો હતો. જેમાંથી એક આનંદ રંગનાથન પણ હતા.
વાસ્તવમાં, નવલખાને જામીન આપવામાં આવ્યા બાદ અર્થશાસ્ત્રી એસ ગુરુમૂર્તિએ એક લેખ લખ્યો હતો, જે. ‘દ્રષ્ટિકોણ’ નામની વેબસાઈટ પર પ્રકાશિત થયો હતો. તેનું શીર્ષક હતું- ‘દિલ્હી હાઈકોર્ટના જજ મુરલીધર અને ગૌતમ નવલખા વચ્ચેના સંબંધો કેમ સાર્વજનિક નથી થયા?’ આ લેખ પછીથી ફિલ્મ નિર્માતા વિવેક અગ્નિહોત્રીએ ટ્વિટ કર્યો હતો. જેથી તેમને પણ કોર્ટની અવમાનનાના કેસમાં નોટિસ મોકલવામાં આવી હતી.
આ નોટિસને લઈને આનંદ રંગનાથને પોતાના ટ્વિટર અકાઉન્ટ પરથી અમુક ટ્વિટ કર્યાં હતાં અને ગુરૂમૂર્તિ અને વિવેક અગ્નિહોત્રીને મોકલાયેલી નોટિસની ટીકા કરી હતી. ત્યારબાદ તેમનું નામ પણ આ કેસમાં સામેલ કરવામાં આવ્યું હતું.
કાર્યવાહી દરમિયાન એસ ગુરુમૂર્તિએ જો બ્લોગ હોસ્ટ બિનશરતી માફી માંગે તો તેને રી-ટ્વિટ કરવાની તૈયારી દર્શાવ્યા બાદ તેમને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા હતા. ગત ડિસેમ્બરમાં વિવેક અગ્નિહોત્રીએ પણ બિનશરતી માફી માંગી લીધી હતી અને આ જ રીતે સ્વરાજ્યએ પણ માફી માંગતાં મેગેઝીનને પણ ડિસ્ચાર્જ કરવામાં આવ્યું હતું.
જોકે, આ મામલે આનંદ રંગનાથને માફી માંગવાનો સ્પષ્ટ ઇનકાર કરી દીધો હતો અને કેસ લડવાની તૈયારી દર્શાવી હતી. વિવેક અગ્નિહોત્રીએ માફી માગ્યા બાદ તેમણે એક નિવેદન જાહેર કરીને કહ્યું હતું કે તેઓ માફી માગશે નહીં અને પોતે કશું જ ખોટું કર્યું નથી. તેમણે કહ્યું હતું કે તેઓ કોઈ પણ અદાલતની કાર્યવાહીનો સામનો કરવા માટે તૈયાર છે. આખરે કોર્ટે તેમને ડિસ્ચાર્જ કર્યા છે.
આનંદ રંગનાથન વ્યવસાયે વૈજ્ઞાનિક છે. તેઓ લેખક પણ છે તો રાજકીય વિશ્લેષક તરીકે ઘણી ટીવી ચેનલોની ડિબેટમાં પણ જોવા મળે છે. X પર પણ તેઓ ખાસ્સા સક્રિય રહે છે, જ્યાં તેમના 10 લાખ ફોલોઅર્સ છે.