Saturday, November 23, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટદિલ્હીની અરવિંદ કેજરીવાલની આમ આદમી સરકારના સ્વાસ્થ્ય મોડલનો ફરી ફૂટ્યો પરપોટો: દિલ્હીની...

    દિલ્હીની અરવિંદ કેજરીવાલની આમ આદમી સરકારના સ્વાસ્થ્ય મોડલનો ફરી ફૂટ્યો પરપોટો: દિલ્હીની સરકારી હોસ્પીટલમાં 2015 બાદ વધ્યા મૃત્યુના આંકડા, RTI દ્વારા ખુલાસો

    જે દિલ્હી સ્વાસ્થ્ય મોડલના આપ નેતાઓ અને સમર્થકો દેશભરમાં બણગાં ફૂંકતા થાકતા નથી એ જ છે અંદરથી બિમાર. સુજીત હિંદુસ્તાનીની આરટીઆઇથી થયા અનેક ખુલાસાઓ.

    - Advertisement -

    ફરી એકવાર ગુજરાતનાં જાગૃત નાગરિક સુજીત પટેલ (સુજીત હિંદુસ્તાની)ની એક આરટીઆઇએ દિલ્હીની આપ સરકારના દાવાઓની પોલ ખોલી દીધી છે. આ વખતે તેમના નિશાના પર છે અરવિંદ કેજરીવાલની દિલ્હી સરકારનું સ્વાસ્થ્ય મોડેલ.

    દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને દેશભરના આમ આદમી પાર્ટીના નેતા અને કાર્યકર્તાઓ સૌને દિલ્હી સરકારનું સ્વાસ્થ્ય મોડેલ સૌથી શ્રેષ્ઠ છે એ કહેતા થાકતા નથી હોતા. તેમના કહેવા પ્રમાણે દિલ્હીમાં આમ આદમી પાર્ટીની સરકાર આવ્યા બાદ દિલ્હીના સરકારી દવાખાનાઓ અને સ્વાસ્થ્ય વ્યવસ્થાઓમાં ખૂબ મોટો ફરક આવ્યો છે અને કેજરીવાલ પહેલા દિલ્હીની સ્વાસ્થ્ય વ્યવસ્થા ખૂબ ખરાબ સ્તરની હતી.

    દિલ્હીની ચાચા નહેરુ ચિલ્ડ્રન હોસ્પીટલનો વાર્ષિક મૃત્યુઆંક કેજરીવાલ સરકાર દરમિયાન વધ્યો

    આરટીઆઇ એક્ટિવિસ્ટ સુજીત હિંદુસ્તાનીની ઑપઇન્ડિયા સાથેની ખાસ વાતચીતમાં જાણવા મળ્યું કે તેમણે દિલ્હીના જુદા જુદા સરકારી દવાખાનાઓના મૃત્યુઆંકમાં 2015માં આમ આદમી પાર્ટીની સરકાર બન્યા બાદ શું ફરક આવ્યો છે એ જાણવા અમુક આરટીઆઇ કરી હતી. જેમાંથી કેટલાકના જવાબ પણ આવી ગયા હતા. પટેલના કહેવા પ્રમાણે આરટીઆઇના જે જવાબ આવ્યા એ ખૂબ અચરજ પમાડનારા હતા.

    - Advertisement -

    સુજીત પટેલે પોતાની એક આરટીઆઇમાં પૂછ્યું હતું કે 2012 થી 2021 સુધી દિલ્હીની ચાચા નહેરુ ચિલ્ડ્રન હોસ્પીટલનો વાર્ષિક મૃત્યુઆંક કેટલો રહ્યો હતો. તેના જવાબમાં દિલ્હી માહિતી ખાતાએ દરેક વર્ષના થયેલ દર્દીઓના મૃત્યુના આંકડા આપ્યા હતા.

    માહિતી ખાતાએ આપેલ જવાબ મુજબ વર્ષ 2012-2013, 2013-2014 અને 2014-2015 માટે દિલ્હીની ચાચા નહેરુ ચિલ્ડ્રન હોસ્પીટલનો વાર્ષિક મૃત્યુઆંક અનુક્રમે 811, 784 અને 849 રહ્યો હતો એટ્લે કે તે સરેરાશ 815 રહ્યો હતો.

    2015માં અરવિંદ કેજરીવાલ દિલ્હીના મુખ્યમંત્રી બન્યા હતા. તો માહિતી ખાતાના જવાબ મુજબ 2015થી લઈ 2021 સુંધીના 6 વર્ષ દરમિયાન આ જ હોસ્પિટલનો સરેરાશ વાર્ષિક મૃત્યુઆંક 1008 રહ્યો હતો. એટ્લે કે સરકારી આંકડાઓમાં જ દિલ્હીમાં કેજરીવાલ સરકાર બન્યા બાદ આ હોસ્પીટલમાં વાર્ષિક મૃત્યુઆંક વધેલો જોવા મળ્યો હતો.

    દિલ્હીની શ્રી દાદા દેવ ચિલ્ડ્રન હોસ્પીટલમાં પણ આ જ પરિસ્થિતી

    આ પરિસ્થિતી માત્ર દિલ્હીની ચાચા નહેરુ ચિલ્ડ્રન હોસ્પીટલમાં જ નથી. એ સિવાય પણ દિલ્હીની ઘણી સરકારી હોસ્પિટલોમાં દર્દીઓના મૃત્યુઆંકમાં વધારો જોવા મળ્યો હતો.

    સુજીત પટેલે બીજી આવી એક આરટીઆઇ દિલ્હીની શ્રી દાદા દેવ ચિલ્ડ્રન હોસ્પીટલના વાર્ષિક મૃત્યુઆંક જાણવા માટે કરી હતી. દિલ્હી માહિતી ખાતા દ્વારા મળેલ આ આરટીઆઇનો જવાબ પણ જોવા જેવો છે.

    માહિતી ખાતા અનુસાર 2011-2012થી લઈને 2014-2015 સુધીના 4 વર્ષોનો સરેરાશ વાર્ષિક મૃત્યુઆંક 26 રહ્યો હતો. પરંતુ 2015માં દિલ્હીમાં આપની સરકાર બન્યા બાદ 2015-2016થી લઈને 2021-2022 ના 7 વર્ષ દરમિયાન સરેરાશ વાર્ષિક મૃત્યુઆંક 47 રહ્યો હતો.

    એટ્લે કે દિલ્હીની ચાચા નહેરુ ચિલ્ડ્રન હોસ્પીટલની જેમ જ શ્રી દાદા દેવ ચિલ્ડ્રન હોસ્પીટલમાં પણ દિલ્હીમાં આપ સરકાર બન્યા બાદ વાર્ષિક મૃત્યુઆંક પહેલા કરતાં વધેલો જોવા મળ્યો હતો.

    દિલ્હી સરકારનું સ્વાસ્થ્ય મોડેલ ચીંથરેહાલ

    અન્ય એક આરટીઆઇમાં જાણવા મળ્યું હતું કે 2014થી હમણાં સુધી દિલ્હી સરકારના સ્વાસ્થ્ય વિભાગ દ્વારા એમ્બ્યુલન્સની સંખ્યા વધી તો નથી જ પરંતુ તેમાં મોટો ઘટાડો થયો છે. એપ્રિલ 2022 સુધી દિલ્હીમાં પેસન્ટ ટ્રાન્સપોર્ટ એંબ્યુલન્સમાં 9 નો ઘટાડો થયો છે અને એડ્વાન્સ લાઈફ સપોર્ટ એંબ્યુલન્સમાં 20નો ઘટાડો થયો. 29 એમ્બ્યુલન્સના ઘટાડા સામે દિલ્હી સરકારે આ સમયગાળામાં માત્ર 10 નવી એમ્બ્યુલન્સ વસાવી છે.

    આમ આદમી પાર્ટીએ પોતાના 2015 ચૂંટણી ઢંઢેરામાં વાયદો કર્યો હતો કે તેઓ સત્તામાં આવશે તો 4000 ડોક્ટર અને 15,000 નર્સ અને પેરમેડિકલ સ્ટાફને કાયમી કરશે. પરંતુ એક આરટીઆઇના જવાબમાં માહિતી મળી હતી કે 2015ની ચૂંટણી જીત્યા બાદ પણ 2020 સુધી દિલ્હી સરકારે એમથી એકને પણ કાયમી કર્યા નહોતા.

    આવી અનેક આરટીઆઇ દ્વારા મળી રહેલ સરકારી જાણકારીઓ સાબિત કરે છે કે અરવિંદ કેજરીવાલની દિલ્હી સરકારનું સ્વાસ્થ્ય મોડેલ બસ એક હવા ભરેલો પરપોટો છે અને હકીકતમાં ત્યની સ્વાસ્થ્ય વ્યવસ્થાઓ નિમ્ન કક્ષાની થતી જઈ રહી છે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં