સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે મંગળવારે (17 મે 2022) મુંબઈના મઝગાંવ ડૉકયાર્ડ ખાતેથી ભારતીય નૌકાદળના બે યુદ્ધજહાજ INS સુરત અને INS ઉદયગિરી લૉન્ચ કર્યા હતા. આઈએનએસ સુરત P15B શ્રેણીનું ગાઇડેડ મિસાઈલ ડેસ્ટ્રોયર છે, જ્યારે આઈએનએસ ઉદયગિરિ P17A કલાસનું સ્ટીલ્થ ફ્રિગેટ છે. આ બંને યુદ્ધ જહાજોની ડિઝાઇન નૌકાદળના DND દ્વારા તૈયાર કરવામાં આવી હતી, જ્યારે તેમનું બાંધકામ MDL, મુંબઈ ખાતે થયું છે.
INS સુરત અને INS ઉદયગિરિ લૉન્ચ કર્યા બાદ સંબોધન કરતા રક્ષામંત્રી રાજનાથ સિંહે કહ્યું કે, “આ બંને યુદ્ધજહાજો ભારતીય નૌકાદળના શસ્ત્રભંડારની શક્તિઓ વધારશે અને દુનિયાને ભારતની રણનીતિક શક્તિઓ સાથે આત્મનિર્ભરતાની શક્તિઓનો પણ પરિચય કરાવશે.” તેમણે કહ્યું કે INS સુરત અને INS ઉદયગિરિ ભારતની વધતી સ્વદેશી ક્ષમતાના ચમકતા ઉદાહરણો છે. આગામી સમયમાં આપણે ન માત્ર આપણી જરૂરિયાતોને પૂર્ણ કરીશું પરંતુ દુનિયાની જહાજ નિર્માણની જરૂરિયાતોને પણ પૂર્ણ કરીશું તેમ તેમણે ઉમેર્યું હતું. રક્ષામંત્રીએ કહ્યું કે, ભારત જલ્દીથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ‘મેક ઈન ઇન્ડિયા, મેક ફોર ધ વર્લ્ડ’ની પરિકલ્પનાને સાકાર કરશે.
Attended the launch ceremony of two indigenous frontline warships – Surat (Guided Missile Destroyer) & Udaygiri (Stealth Frigate) – in Mumbai today.⁰
— Rajnath Singh (@rajnathsingh) May 17, 2022
These warships project India’s strategic strength and self-reliance prowess to the world. Read on..https://t.co/N5oWACTTzW pic.twitter.com/UscvCajqF4
રક્ષામંત્રી રાજનાથ સિંહે કહ્યું કે, “જો કોઈ દેશ પોતના રાષ્ટ્રીય હિતોની રક્ષા કરવા માંગે તો તેણે પોતાના સૈન્ય કૌશલ્યને મુખ્ય ભૂમિથી દૂરના ક્ષેત્રોમાં પ્રદર્શિત કરવા જોઈએ. જો કોઈ દેશ ક્ષેત્રીય કે વેશ્વિક શક્તિ બનવાની આકાંક્ષા રાખતો હોય તો તેણે એક મજબૂત નૌસૈનિક બળ વિકસિત કરવું જોઈએ. સરકાર આ દિશામાં તમામ સંભવ પ્રયાસો કરી રહી છે. અમે એક મજબૂત, સુરક્ષિત અને સમૃદ્ધ ભારત બનાવવા માંગીએ છીએ, જેને એક વૈશ્વિક શક્તિના રૂપમાં માન્યતા પ્રાપ્ત થઇ હોય.
INS સુરત
આઈએનએસ સુરત એક ગાઇડેડ મિસાઈલ ડેસ્ટ્રોયર યુદ્ધજહાજ છે અને જેને બ્લૉક નિર્માણ પદ્ધતિનો ઉપયોગ કરીને બનાવવામાં આવ્યું છે, જેમાં બે અલગ-અલગ ક્ષેત્રોમાં નિર્માણ કરીને મુંબઈમાં તૈયાર કરવામાં આવ્યું હતું. ‘સુરત’ પ્રોજેક્ટ 15B વિધ્વસંક સિરીઝનું ચોથું જહાજ છે. આ સિરીઝનું પહેલું જહાજ 2021 માં કમિશન કરવામાં આવ્યું હતું. બીજાં બે જહાજો પણ લૉન્ચ થઇ ચૂક્યા છે અને હાલ પરીક્ષણના તબક્કામાં છે.
આઈએનએસ સુરતનું નામ ગુજરાતના મુખ્ય શહેરોમાંના એક અને ગુજરાતની આર્થિક રાજધાની ગણાતા સુરત પરથી પાડવામાં આવ્યું છે. જ્યારે INS ઉદયગિરિનું નામ આંધ્રપ્રદેશની એક ગિરિમાળાના નામ પરથી પડ્યું છે.
INS ઉદયગિરિ
INS ઉદયગિરિ P17 Frigates ક્લાસનું યુદ્ધજહાજ છે. જેમાં અત્યાધુનિક હથિયારો અને પ્લેટફોર્મ મેનેજમેન્ટ સિસ્ટમ ઉમેરવામાં આવ્યા છે. આ 17A Frigates સિરીઝનું ત્રીજું જહાજ છે.
INS ઉદયગિરિ અગાઉ સેવા આપી ચૂકેલા ‘ઉદયગિરી’ જહાજનું એડવાન્સ્ડ વર્ઝન છે. લિએન્ડર ક્લાસ ASW Frigate યુદ્ધ જહાજ ‘ઉદયગિરિ’એ ફેબ્રુઆરી 1976 થી ઓગસ્ટ 2004 સુધી સેવા આપી હતી અને આ દરમિયાન અનેક મોટાં ઑપરેશનોમાં ભાગ લીધો હતો.
P17A પ્રોગ્રામ હેઠળ કુલ સાત જહાજ નિર્માણાધિન છે. જેમાં ચાર MDL ખાતે અને બાકીના 3 GRSE ખાતે બની રહ્યા છે. આ પ્રોજેક્ટમાં અનેક અત્યાધુનિક ટેક્નોલોજી અને કોન્સ્પેટનો ઉપયોગ કરવામાં આવી રહ્યો હોવાનું જાણવા મળ્યું છે.