ઉત્તર પ્રદેશમાં એક દલિત મહિલાએ મુસ્લિમ પતિ સામે રેપ અને બળજબરીથી ધર્માંતરણ અને મારઝૂડનો આરોપ લગાવ્યો છે. પીડિતાની ફરિયાદના આધારે પોલીસે આરોપી સામે ગુનો દાખલ કરીને તેની ધરપકડ કરી લીધી હતી.
આ મામલો યુપીના બરેલીનો છે. મહિલા 11 વર્ષ પહેલાં સાદિક નામના ઈસમ સાથે પરણી હતી. ત્યારે તે સગીર વયની હતી. મહિલાએ સાદિક સામે લવજેહાદ, રેપ અને બળજબરીથી ધર્માંતરણ કરવા માટે દબાણ કરવાનો આરોપ લગાવ્યો છે. આ સાથે તેણે પતિના પરિવારના અન્ય ચાર સભ્યોને પણ આરોપી બનાવ્યા છે.
એક અન્ય અહેવાલ અનુસાર, મહિલાએ ફરિયાદમાં એવો પણ આરોપ લગાવ્યો છે કે તેની સાથે અનેક લોકોએ રેપ કર્યો હતો. ABP ગંગા સાથે વાતચીત દરમિયાન પીડિતાએ કહ્યું હતું કે, તે ડાન્સર હતી અને આ દરમિયાન સાદિક નામનો વ્યક્તિ ફોસલાવીને તેની સાથે લઇ ગયો હતો અને મારઝૂડ કરીને રેપ કર્યો હતો. ત્યારબાદ તેનું બળજબરીથી ધર્મ પરિવર્તન કરાવવામાં આવ્યું અને નિકાહ કરી દેવામાં આવ્યા.
પીડિતા અનુસાર, આરોપીએ તેને 11 વર્ષ સુધી બંધક બનાવીને રાખી હતી અને આ દરમિયાન તેની સાથે અનેક વખત અત્યાચાર કરવામાં આવ્યા. આરોપી સાદિક અને તેના ભાઈએ પણ રેપ કર્યો હતો. ત્યારબાદ બીજા પણ અનેક લોકોએ તેની સાથે બળજબરીથી સબંધો બાંધ્યા હતા.
પીડિતાએ જણાવ્યું હતું કે, વિરોધ કરવા પર તેની સાથે મારઝૂડ કરવામાં આવતી હતી. 11 વર્ષ સુધી તેના પરિવાર સાથે પણ વાતચીત થઇ ન હતી. અત્યાચારથી ત્રાસીને તે ભાગી છૂટી હતી અને મામા-મામીના ઘરે આવી અને આપવીતી જણાવી હતી. પીડિતાની મામીએ કહ્યું કે સાદિક સતત તેને ટુકડા-ટુકડા કરવાની ધમકી આપી રહ્યો હતો.
મહિલાની ફરિયાદના આધારે બરેલી કેન્ટ પોલીસ મથકમાં આરોપી સામે FIR દાખલ કરવામાં આવી છે. રિપોર્ટ અનુસાર, મહિલાએ આ અગાઉ પણ એક પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી, પરંતુ પોલીસકર્મીઓએ ત્યારે મામલો શાંત પાડી દીધો હતો.
પોલીસ મથકના ઇન્સ્પેક્ટરે મીડિયાને જણાવ્યું હતું કે, મહિલાના પતિ સામે ફરિયાદ દાખલ કર્યા બાદ આઇપીસીની રેપ, ઉત્પીડનની કલમ સાથે ઉત્તર પ્રદેશ ધર્મ પરિવર્તન નિષેધની કલમો હેઠળ ધરપકડ કરી લેવામાં આવી છે. આ સાથે FIRમાં અનુસૂચિત જાતિ વિરુદ્ધ અત્યાચાર અધિનિયમની કલમ પણ સામેલ કરવામાં આવી છે. આ મામલે આગળની તપાસ કરવામાં આવી રહી છે.