2020નાં દિલ્હીનાં હિંદુવિરોધી રમખાણો દરમિયાન થયેલી આઈબી ઓફિસર અંકિત શર્માની હત્યા મામલે દિલ્હીની કોર્ટે પૂર્વ AAP કોર્પોરેટર તાહિર હુસૈન સહિતના આરોપીઓ સામે આરોપો ઘડ્યા હતા. કોર્ટે નોંધ્યું કે ટોળાનો આશય હિંદુઓને મહત્તમ નુકસાન પહોંચાડવાનો હતો અને તેઓ હિંદુઓને મારી નાંખવા માંગતા હતા તેમજ અંકિતની હત્યા પણ હિંદુ હોવાના કારણે થઇ હતી. કોર્ટે એ પણ નોંધ્યું કે અંકિત શર્મા માર્યા ગયા ત્યારે તાહિર હુસૈન આ ટોળાની આગેવાની કરી રહ્યો હતો.
કરકરડૂમા કોર્ટમાં ચાલી રહેલા આ કેસમાં કોર્ટે આરોપો ઘડતી વખતે કહ્યું કે, સાક્ષીઓ દ્વારા નોંધાવવામાં આવેલા નિવેદનોથી સ્પષ્ટ છે કે ઘટના સમયે તમામ આરોપીઓ ત્યાં હાજર હતા. તેમજ ટોળાનો આશય હિંદુઓને નુકસાન પહોંચાડવાનો હતો. કોર્ટે એ પણ નોંધ્યું કે હુમલો કરવા પહેલાં તાહિર હુસૈનના ઘરે પેટ્રોલ બૉમ્બ માટેનું સમાન એકઠું કરવામાં આવ્યું હતું અને તેની હાજરીમાં કોલ્ડ્રીંકની બોટલમાં પેટ્રોલ ભરીને લઇ જવામાં આવ્યું હતું. કોર્ટે એમ પણ કહ્યું કે, તાહિર આ ટોળા પર નજર રાખવા અને તેમને ઉશ્કેરવામાં સામેલ હતો. એ પણ અવલોકન કર્યું કે, આ સમગ્ર કાવતરું હિંદુઓને ટાર્ગેટ કરવા માટે રચવામાં આવ્યું હતું.કોર્ટે નોંધ્યું કે, ટોળાના સભ્યોનું આવું વર્તન સૂચવે છે કે તેમનો એકમાત્ર અને સ્પષ્ટ ઉદ્દેશ્ય હિંદુઓને મારવાનો અને તેમને નુકસાન પહોંચાડવાનો હતો.
કોર્ટે કહ્યું કે, તાહિર હુસૈને હિંદુઓને મારી નાંખવા માટે ટોળાને ઉશ્કેરવામાં અગત્યનો ભાગ ભજવ્યો હતો અને જ્યારે અંકિત શર્મા સામે આવ્યા ત્યારે તેણે ટોળાને તેમની વિરુદ્ધ ઉશ્કેર્યું હતું. કોર્ટે અગત્યની ટિપ્પણી કરતાં કહ્યું કે, જ્યારે આરોપીઓ માત્ર હિંદુઓને મારવા માટે જ કામ કરી રહ્યા હોય ત્યારે અંકિતની હત્યા કરવાનો અર્થ પણ એ જ થાય કે તેમને માત્ર હિંદુ હોવાના કારણે મારી નાંખવામાં આવ્યા હતા.
અંકિત શર્મા હત્યા કેસમાં દિલ્હીની કોર્ટે તાહિર હુસૈન સહિત હસીન, નાઝીમ, કાસીમ, સમીર ખાન, અનસ ફિરોઝ, જાવેદ, ગુલફામ, શોએબ, આલમ અને મુંતઝિમ વિરુદ્ધ IPCની કલમ 147, 148, 153 એ, 302, 365, 120બી, 149, 188 અને 153 એ, હેઠળ આરોપો ઘડવામાં આવ્યાં છે. આ સિવાય તાહિર હુસૈન પર IPCની કલમ 505 અને 114 અંતર્ગત પણ કોર્ટે આરોપો ઘડ્યા છે.
JustIn: #DelhiCourt frames #Murder Charges against Former @AamAadmiParty Councilor #TahirHussain & 10 others for killing of an IB Officer namely, Ankit Sharma, in the northeast #DelhiRiots2020. pic.twitter.com/1LSNk0NwVs
— LawBeat (@LawBeatInd) March 23, 2023
નોંધનીય છે કે જે અંકિત શર્માની હત્યા મામલે આરોપીઓ સામે આરોપો નક્કી કરવામાં આવ્યા છે તેમને દિલ્હીના હિંદુવિરોધી રમખાણો વખતે ક્રૂર રીતે મારી નાંખવામાં આવ્યા હતા. અંકિત શર્માના પોસ્ટમોર્ટમમાં સામે આવ્યું હતું કે તેમના શરીર પર કુલ 51 ઘા હતા. આ ચાર્જશીટમાં તાહિર હુસૈનનું નામ પણ હતું. આ ઘટનામાં મૃતક અંકિતના પિતાની ફરિયાદના આધારે દયાલપુર પોલીસ સ્ટેશનમાં FIR નોંધવામાં આવી હતી. દિલ્હીના રમખાણો બાદ અંકિતની લાશ એક નાળામાંથી મળી આવી હતી.