Wednesday, November 27, 2024
More
    હોમપેજદેશખ્રિસ્તી મહિલાની અનામત માટે હિંદુ હોવાનો દાવો કરતી અરજી સુપ્રીમ કોર્ટે ફગાવી:...

    ખ્રિસ્તી મહિલાની અનામત માટે હિંદુ હોવાનો દાવો કરતી અરજી સુપ્રીમ કોર્ટે ફગાવી: કહ્યું- ‘વાસ્તવિક વિશ્વાસ વિના માત્ર અનામત માટે થયેલ ધર્માંતરણ બંધારણ સાથે છેતરપીંડી’

    એવા ઘણા મામલા સામે આવતા હોય છે જેમાં માત્ર અનામતનો લાભ મેળવવા માટે કોઈ વ્યક્તિ હિંદુ ધર્મમાં ધર્મ પરિવર્તન કરી લેતો હોય અથવા અન્ય ધર્મમાં પરિવર્તિત થયા બાદ પણ દસ્તાવેજોમાં હિંદુ તરીકેની જ ઓળખ આપતો હોય. જેના પરિણામે વાસ્તવિકતામાં જે લોકોને અનામતની આવશ્યકતા છે તે આ લાભથી વંચિત રહી જતા હોય છે.

    - Advertisement -

    સુપ્રીમ કોર્ટે (Supreme Court) અનામત (Reservation) મામલે મહત્વપૂર્ણ ટિપ્પણી કરતા એક ખ્રિસ્તી મહિલાની (Christian Woman) અરજી ફગાવી દીધી હતી. મહિલાએ અનામતનો લાભ લેવા માટે પોતે હિંદુ ધર્મમાં માને છે એવો દાવો કરીને અનુસુચિત જાતિના જાતિ પ્રમાણપત્ર (Schedule Caste Certificate) મેળવવા અરજી કરી હતી. આ મામલે મદ્રાસ હાઇકોર્ટે પણ મહિલાને SC પ્રમાણપત્ર આપવાની અરજી ફગાવી દીધી હતી, ત્યારે સુપ્રીમ કોર્ટે પણ મદ્રાસ હાઇકોર્ટના નિર્ણયને માન્ય રાખીને ઈસાઈ મહિલાની અરજી ફગાવી દીધી હતી. સુપ્રીમ કોર્ટે ટિપ્પણી કરી હતી કે માત્ર અનામત મેળવવા માટે કરવામાં આવેલું ધર્માંતરણ અનામત (Conversion For Reservation) નીતિના મૂળભૂત સામાજિક ઉદ્દેશ્યોને નબળા પાડે છે.

    ઉલ્લેખનીય છે કે ખ્રિસ્તી ધર્મ પાળતા પરિવારમાં જન્મેલી મહિલાએ પોતે હિંદુ ધર્મ પાળે છે એવા દાવા કરીને મદ્રાસ હાઇકોર્ટમાં અનુસુચિત જાતિના પ્રમાણપત્ર માટે અરજી કરી હતી. તેણે પુડુચેરીમાં અપર ડિવિઝન ક્લાર્કની નોકરી માટે અનામતનો લાભ લેવા આ અરજી કરી હતી. જોકે કોર્ટે અરજી ફગાવ્યા બાદ મહિલાએ મદ્રાસ હાઇકોર્ટનો નિર્ણય પડકારતી અરજી સુપ્રીમ કોર્ટમાં કરી હતી.

    આ કેસમાં જસ્ટિસ પંકજ મિથલ અને જસ્ટિસ આર. મહાદેવનની બનેલી ખંડપીઠે સુનાવણી કરી હતી. દરમિયાન કોર્ટે કહ્યું હતું કે, “આ મામલે રજૂ કરાયેલા પુરાવા સ્પષ્ટપણે દર્શાવે છે કે અપીલકર્તા ખ્રિસ્તી ધર્મમાં માને છે અને નિયમિતપણે ચર્ચમાં જઈને આ ધર્મનું સક્રિયપણે પાલન કરે છે. તેમ છતાં, તે હિંદુ હોવાનો દાવો કરીને રોજગારના હેતુ માટે અનુસૂચિત જાતિ સમુદાયનું પ્રમાણપત્ર માંગે છે.”

    - Advertisement -

    બાપ્તિસ્મા પછી હિંદુ તરીકે ઓળખ ન આપી શકાય

    કોર્ટે આગળ કહ્યું કે “તેના દ્વારા કરવામાં આવેલા આવા બેવડા દાવા અસ્વીકાર્ય છે અને તેણે બાપ્તિસ્મા (Baptism) લીધા પછી પણ પોતાની ઓળખ હિંદુ તરીકે ન આપવી જોઈએ.” નોંધનીય છે કે અપીલકર્તાએ દાવો કર્યો હતો કે તેના પિતા હિંદુ અને માતા ખ્રિસ્તી ધર્મના હતા જે બંનેએ પાછળથી હિંદુ ધર્મ અપનાવ્યો હતો. બાપ્તિસ્મા એટલે પાણીમાં ડૂબકી મારવી સામાન્ય ભાષામાં ખ્રિસ્તી ધર્મ અપનાવતા પહેલા કરવામાં આવતી પ્રક્રિયા.

    તેણે જણાવ્યું હતું કે તેનો પરિવાર વલ્લુવન જાતિનો છે, અને તેના સમગ્ર શિક્ષણ દરમિયાન તેને SC સમુદાયની ગણવામાં આવતી હતી. તેના પિતા અને ભાઈ પાસે SC પ્રમાણપત્રો હતા. જોકે કોર્ટમાં રજૂ કરાયેલ દસ્તાવેજોમાં ગ્રામીણ વહીવટી અધિકારીનો અહેવાલ, દસ્તાવેજી પુરાવા દ્વારા સમર્થન આપે છે કે તેના પિતા અનુસૂચિત જાતિના હતા પરંતુ તેમણે ખ્રિસ્તી ધર્મ અપનાવ્યો હતો. અપીલકર્તાનો જન્મ 1990માં થયો હતો અને 1989માં તેના ભાઈના બાપ્તિસ્મા પછી તરત જ જાન્યુઆરી 1991માં અપીલકર્તાએ પણ બાપ્તિસ્મા લીધું હતું.

    માત્ર અનામત માટે ધર્માંતરણ બંધારણ સાથે છેતરપિંડી

    ત્યારે આ મામલે સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે, “તેથી, અપીલકર્તા જે ખ્રિસ્તી ધર્મનું પાલન કરે છે તેમ છતાં નોકરીમાં અનામતનો લાભ મેળવવા માટે હિંદુ ધર્મ અપનાવવાનો દાવો કરે છે, તેને અનુસૂચિત જાતિનો સાંપ્રદાયિક દરજ્જો આપવો તે અનામતના મૂળભૂત હેતુઓની વિરુદ્ધ અને બંધારણ સાથે છેતરપિંડી જેવું થશે.”

    ઉપરાંત કોર્ટે કહ્યું કે, “ખ્રિસ્તી ધર્મમાં ધર્માંતરણ કરનાર વ્યક્તિ તેની જાતિની ઓળખ ગુમાવે છે તેથી તે જાતિ દ્વારા તેની ઓળખ કરી શકાય નહીં. કારણ કે પુન:ધર્માંતરણના તથ્ય પર પણ ઘણા વિવાદો છે તેથી માત્ર દાવા કરતા વધારે પણ કોઈ પુરાવો હોવો જોઈએ. અરજીકર્તાનું ધર્માંતરણ કોઈ સમારોહ દ્વારા કે આર્ય સમાજ દ્વારા થયું નથી. કોઈ જાહેર જાહેરાત કરવામાં આવી નથી. તેણે અથવા તેના પરિવારે હિંદુ ધર્મમાં પુન:ધર્માંતરણ કર્યું એવો કોઈ પુરાવો રેકોર્ડ પર નથી.”

    માત્ર દાવા આધારિત કેસ ટકી શકે નહીં

    આગળ કોર્ટે કહ્યું કે, “અને તેનાથી વિપરીત, તથ્યાત્મક નિષ્કર્ષ છે કે અપીલકર્તા હજી પણ ખ્રિસ્તી ધર્મમાં જ માને છે. ઉપલબ્ધ પુરાવા પણ અપીલકર્તા વિરુદ્ધ છે”. કોર્ટે કહ્યું, “તેથી, અપીલકર્તા દ્વારા કરવામાં આવેલી દલીલ કે ધર્મ પરિવર્તન પછી જાતિગત બાબત નહીં લાગુ પડે અને પુન:ધર્માંતરણ પછી જાતિગત બાબતો ફરીથી લાગુ પડવા લાગશે, આવા તથ્યોના આધાર પર કેસ ટકી શકે એમ નથી.”

    કોર્ટે કહ્યું હતું કે, “વ્યક્તિ બીજા ધર્મમાં ત્યારે જ ધર્માંતરણ કરે છે જ્યારે તે તેના સિદ્ધાંતો, અને આધ્યાત્મિક વિચારોથી ખરેખર પ્રેરિત હોય. જો ધર્મ પરિવર્તનનો હેતુ માત્ર આરક્ષણનો લાભ મેળવવાનો હોય અને અન્ય ધર્મમાં કોઈ સાચી માન્યતા ન હોય, તો તેને મંજૂરી આપી શકાય નહીં, કારણ કે આવા ઉદ્દેશ્યવાળા લોકોને અનામતનો લાભ આપવાથી અનામતનાની નીતિના સામાજિક સિદ્ધાંતોને નુકસાન થશે.”

    ધર્માંતરિતને અનામતનો લાભ ન આપવા ઉઠી ચુકી છે માંગ

    નોંધનીય છે કે એવા ઘણા મામલા સામે આવતા હોય છે જેમાં માત્ર અનામતનો લાભ મેળવવા માટે કોઈ વ્યક્તિ હિંદુ ધર્મમાં ધર્મ પરિવર્તન કરી લેતો હોય અથવા અન્ય ધર્મમાં પરિવર્તિત થયા બાદ પણ દસ્તાવેજોમાં હિંદુ તરીકેની જ ઓળખ આપતો હોય. જેના પરિણામે વાસ્તવિકતામાં જે લોકોને અનામતની આવશ્યકતા છે તે આ લાભથી વંચિત રહી જતા હોય છે. જનજાતિ સમુદાય સહિત ઘણા સંગઠનોના લોકો ઘણા સમયથી આ અંગે માંગ કરી રહ્યા છે હિંદુ ધર્મમાંથી અન્ય ધર્મમાં ધર્મ પરિવર્તન કર્યા બાદ જે-તે વ્યક્તિને અનુસુચિત જાતિ-કે જનજાતિ તરીકે અનામતના લાભ મળવા જોઈએ નહીં.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં