કૉનમેન સુકેશ ચંદ્રશેખર 200 કરોડના મની લોન્ડરિંગ કેસને લઈને જેલમાં બંધ છે. જેલમાં બેઠા-બેઠા તે એક પછી એક ધડાકા કરતો રહે છે. તે અવારનવાર પત્રો લખીને દિલ્હી સીએમ કેજરીવાલ અને જેલમાં બંધ તેમના સાથી મંત્રીઓને નિશાન બનાવતો રહે છે. તાજેતરમાં જ તેણે ફરી એક પત્ર લખીને કેજરીવાલ પર આરોપો લગાવ્યા હતા. એક સમયે તેના પ્રેમમાં પાગલ એવી બૉલીવુડ અભિનેત્રી જેકલીન ફર્નાન્ડીઝને પણ તે જેલમાંથી યાદ કરતો રહે છે. હવે સુકેશે જેકલીનને ઇસ્ટર પર એક ‘પ્રેમભર્યો’ સંદેશ મોકલાવ્યો છે.
Alleged conman #SukeshChandrashekhar wrote a letter / press note from jail to actress @Asli_Jacqueline pic.twitter.com/TcODqrFmiE
— ??????? ??????? (@Mahatma_Kodiyar) April 9, 2023
તિહાડ જેલમાં બંધ સુકેશે જેકલીનને ઇસ્ટર પર સ્પેશ્યલ મેસેજ મોકલ્યો હતો. તેણે લખ્યું છે કે, “મારી બેબી, મારી બોમ્મા, જેકલીન બેબી, ઇસ્ટરની અઢળક શુભેચ્છાઓ. આ તારા સૌથી પ્રિય તહેવારોમાંથી એક છે અને તને ઇસ્ટરના એગ્સ બહુ પસંદ છે.” સુકેશે જેકલીનને એવું પણ કહ્યું કે, જ્યારે મેં ‘તુમ મિલે, દિલ ખિલે ઔર જીને કો ક્યા ચાહિએ’ ગીતનું નવું વર્ઝન સાંભળ્યું ત્યારે તને બહુ યાદ કરતો હતો.
‘આ સમય જલ્દી પસાર થઈ જશે’
સુકેશે લવ લેટરમાં જેકલીનને ઉદ્દેશીને લખ્યું હતું કે, “શું તને ખબર છે તું કેટલી સુંદર છો….મારી બેબી. આ દુનિયામાં તારાથી સુંદર કોઈ નથી…. મારી બની રેબિટ, આઈ લવ યુ માય બેબી…. જે પણ થાય, આપણે બંને હંમેશા સાથે રહીશું. તું સદાય માટે મારી છે.” સુકેશે એવું પણ લખ્યું હતું કે, આ સમય જલ્દી પસાર થઈ જશે.
સુકેશ ચંદ્રશેખરે લેટરમાં જેકલીનની લક્સ કોઝી બ્રાન્ડ માટેની એડનો ઉલ્લેખ કર્યો અને કહ્યું કે, “ગઈકાલે મેં લક્સ કોઝી એડ જોઈ અને બેબી, તું એમાં બહુ સુંદર લાગતી હતી. એ એડ મને આપણી રિલેશનશિપ યાદ અપાવી ગઈ. તું મારા દિલની ધડકન છો. મને પ્રેમ કરવા માટે આભાર. મોમ, ડેડ અને પરિવારને હેપી ઇસ્ટર. હું તને પ્રેમ કરું છું.”
સુકેશે હોળી ઉપર પણ મોકલ્યો હતો મેસેજ
સુકેશ ચંદ્રશેખરે આ પહેલા હોળીના તહેવાર નિમિત્તે જેકલીનને પ્રેમભર્યો મેસેજ મોકલ્યો હતો. તેણે જેકલીનને સંબોધીને લખ્યું હતું કે, “હું ઉમદા વ્યક્તિ, શાનદાર અને મારી સદાબહાર જેકલીનને હોળીની ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું. હું તને વચન આપું છું કે ઉડી ગયેલા રંગોને 100 ગણા કરી પાછા લાવીશ.”
મની લોન્ડરિંગ કેસમાં જેકલીનનું નામ પણ ઉછળ્યું
200 કરોડના મની લોન્ડરિંગ કેસમાં સુકેશ ચંદ્રશેખરની ધરપકડ થયા બાદ અભિનેત્રી જેકલીનની મુશ્કેલીઓ વધી ગઈ હતી. ઇડીએ ગયા વર્ષે તેની પૂછપરછ કરતા તેણે સુકેશ પાસેથી ગિફ્ટ અને લોન લીધી હોવાનું કબૂલ્યું હતું. જેકલીનના જણાવ્યા મુજબ, સુકેશે તેને ગુચી અને શનેલની ત્રણ ડિઝાઈનર બેગ, ગુચીના બે જિમ આઉટફિટ, લૂઈ વિટનના શૂઝ, ડાયમંડ કોઈલની બે જોડી, બ્રેસલેટ વગેરે ગિફ્ટ આપી છે. સુકેશે જેલમાં ગયા બાદ જેકલીનનું પણ નામ લીધું હતું એટલે તેને પણ કોર્ટના પગથિયાં ચડવા પડ્યાં હતાં. જેકલીને કોર્ટમાં જણાવ્યું હતું કે સુકેશે તેને છેતરી છે.


