Tuesday, November 26, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટઠગ કિરણ પટેલે પ્રિન્ટિંગ પ્રેસના સંચાલકોને પણ ઉઠાં ભણાવ્યાં હતાં, ધમકાવીને છપાવ્યા...

    ઠગ કિરણ પટેલે પ્રિન્ટિંગ પ્રેસના સંચાલકોને પણ ઉઠાં ભણાવ્યાં હતાં, ધમકાવીને છપાવ્યા હતા વિઝિટિંગ કાર્ડ: કાશ્મીર પોલીસે અમદાવાદમાં સર્ચ ઓપરેશન હાથ ધર્યું

    કાર્ડમાં અશોકસ્તંભ જોવાના કારણે દુકાનમાં કામ કરતા વ્યક્તિએ પ્રિન્ટ કાઢી આપવાની ના પાડતાં કિરણ ગુસ્સે થઇ ગયો હતો અને કહ્યું હતું કે તે પીએમઓનો અધિકારી છે અને દિલ્હી રહે છે અને અમદાવાદમાં મિટિંગ હોવાના કારણે આવ્યો છે.

    - Advertisement -

    જમ્મુ-કાશ્મીર જઈને પોતે વડાપ્રધાન કાર્યાલયનો અધિકારી હોવાનું કહીને સુરક્ષા અને ફાઈવ સ્ટાર સુવિધાઓ મેળવનાર ઠગ કિરણ પટેલનો ભાંડો ફૂટ્યા બાદ એક પછી એક કાંડ બહાર આવી રહ્યાં છે. હવે તેણે PMO અધિકારી તરીકેના વિઝિટિંગ કાર્ડ ક્યાંથી છપાવ્યા હતા તે પણ બહાર આવ્યું છે. જાણવા મળ્યા અનુસાર, કિરણ પટેલે અમદાવાદની એક પ્રેસના સંચાલકોને ધમકાવીને PMOના કાર્ડ છપાવી લીધા હતા. 

    કિરણ પટેલ પકડાયા બાદ મામલાની વધુ તપાસ માટે જમ્મુ-કાશ્મીર પોલીસની એક ટીમ અમદાવાદ પણ પહોંચી હતી અને તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન તેઓ મણિનગર સ્થિત આકાંક્ષા પ્રિન્ટિંગ પ્રેસ પહોંચ્યા હતા જ્યાં કિરણ પટેલે કાર્ડ છપાવ્યા હતા. પોલીસે આ પ્રેસના સંચાલકનું નિવેદન નોંધ્યું હતું. 

    નિવેદનમાં મહિલા સંચાલકે જણાવ્યું હતું કે, ફેબ્રુઆરીની શરૂઆતમાં કિરણ પટેલ તેમને ત્યાં વડાપ્રધાન કાર્યાલયના નામે વિઝિટિંગ કાર્ડ છપાવવા માટે આવ્યો હતો પરંતુ તેમણે સત્તાવાર લેટરપેડ વગર કાર્ડ છાપવાની ના પાડી દેતાં ઠગે ધમકાવીને કાર્ડ છપાવી લીધા હતા. પોલીસે નિવેદનો લેવા ઉપરાંત પ્રેસમાંથી હાર્ડડિસ્ક અને અન્ય દસ્તાવેજો કબ્જે કર્યા હતા. 

    - Advertisement -

    અન્ય એક રિપોર્ટ અનુસાર, કાર્ડમાં અશોકસ્તંભ જોવાના કારણે દુકાનમાં કામ કરતા વ્યક્તિએ પ્રિન્ટ કાઢી આપવાની ના પાડતાં કિરણ ગુસ્સે થઇ ગયો હતો અને કહ્યું હતું કે તે પીએમઓનો અધિકારી છે અને દિલ્હી રહે છે અને અમદાવાદમાં મિટિંગ હોવાના કારણે આવ્યો છે. તેમજ દિલ્હીથી કાર્ડ મંગાવવામાં સમય લાગે તેમ હોઈ અહીં વિઝિટિંગ કાર્ડ છપાવવા માટે આવ્યો હોવાનું જુઠ્ઠાણું ચલાવ્યું હતું. સંચાલકે લેટર માંગતાં કિરણ પટેલે કહ્યું હતું કે તે લેટર પછીથી આપી જશે. પોલીસે તેની પાસેથી આવા 10 કાર્ડ જપ્ત કર્યા હોવાનું જાણવા મળ્યું છે. 

    મૂળ અમદાવાદના કોનમેન કિરણ પટેલે આ કાર્ડના આધારે કાશ્મીર જઈને પોતાની ઓળખ વડાપ્રધાન કાર્યાલયના એડિશનલ સેક્રેટરી તરીકે આપી હતી અને ફાઈવ સ્ટાર હોટેલથી માંડીને SUV કાર સુધીની સુવિધાઓ મેળવી હતી, ઉપરાંત તેને Z સુરક્ષા પણ પૂરી પાડવામાં આવી હતી. 

    સુરક્ષા એજન્સીઓએ વાસ્તવિકતા ધ્યાને આવ્યા બાદ પોલીસને જાણ કરતાં કિરણ પટેલની અટકાયત કરી લેવામાં આવી હતી અને કોર્ટ સમક્ષ રજૂ પણ કરવામાં આવ્યો હતો. કોર્ટે તેને 15 દિવસ માટે કસ્ટડીમાં મોકલી આપ્યો છે. બીજી તરફ, ગુજરાતથી લઈને કાશ્મીર સુધી તેની તપાસ ચાલી રહી છે. 

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં