દિલ્હી વિધાનસભાની ચૂંટણી (Delhi Assembly Elections 2025) પહેલાં AAPના નેતા તથા CM આતિશી માર્લેના (Atishi Marlena) પર માનહાનિનો દાવો કરવામાં આવ્યો છે. કોંગ્રેસના (Congress) વરિષ્ઠ નેતા સંદીપ દીક્ષિત (Sandeep Dikshit), જે નવી દિલ્હી મતવિસ્તારથી પાર્ટીના ઉમેદવાર પણ છે, તેમણે આમ આદમી પાર્ટીના (AAP) મુખ્યમંત્રી આતિશી અને સાંસદ સંજય સિંઘ (Sanjay Singh) સહિત અન્ય લોકો સામે નાગરિક અને ફોજદારી માનહાનિના કેસ દાખલ કર્યો છે.
આ મામલો 26 ડિસેમ્બર, 2024ના રોજ નવી દિલ્હીમાં એક પ્રેસ કૉન્ફરન્સ દરમિયાન બે AAP નેતાઓએ લગાવેલ આરોપોમાંથી ઉદ્ભવ્યો છે. જેમાં આતિશીએ સંદીપ દીક્ષિત પર એવો આરોપ લગાવ્યો હતો કે, તેમણે ભાજપ પાસેથી ‘કરોડો રૂપિયા’ લઈને આગામી ચૂંટણીઓમાં AAP ને નબળી પાડીને નુકસાન પહોંચાડવા માટે પક્ષ સાથે મળીને કાવતરું ઘડ્યું છે.
દીક્ષિતે ₹10 કરોડનો કર્યો માનહાનિનો દાવો
ત્યારે સંદીપ દીક્ષિતે આ દાવાઓને પાયાવિહોણા અને બદનક્ષીભર્યા ગણાવીને સખત શબ્દોમાં નકારી કાઢ્યા હતા. તથા તે પોતાની પ્રતિષ્ઠાને થયેલા નુકસાન માટે ₹10 કરોડનું વળતર માંગી રહ્યા છે. તેમના વકીલ સરીમ જાવેદે આ મામલે દિલ્હી હાઇકોર્ટમાં સિવિલ માનહાનિનો કેસ દાખલ કર્યો હતો અને તેના પર 20 જાન્યુઆરીએ ન્યાયાધીશ પુરુષેન્દ્ર કુમાર કૌરવની બેન્ચ સમક્ષ સુનાવણી થવાની હતી, પરંતુ આ મામલો ફેબ્રુઆરી સુધી મુલતવી રાખવામાં આવ્યો છે.
રાઉઝ એવન્યુ કોર્ટમાં AAP નેતાઓ સામે ફોજદારી માનહાનિનો કેસ પણ ચાલી રહ્યો છે. કોર્ટે આતિશી અને સંજય સિંઘને 27 જાન્યુઆરી 2025ના રોજ હાજર થવાનો આદેશ આપ્યો છે. ફરિયાદમાં કહેવામાં આવ્યું છે કે, પ્રેસ કોન્ફરન્સ આતિશી દ્વારા તેના X (અગાઉના ટ્વિટર) એકાઉન્ટ પર લાઇવ સ્ટ્રીમ કરવામાં આવી હતી, જેમાં તેણે દાવો કર્યો હતો કે, “ભાજપ દિલ્હી ચૂંટણીમાં કોંગ્રેસને મદદ કરી રહી છે.”
#Feb8WithTimesNow | #DelhiPolls
— TIMES NOW (@TimesNow) January 9, 2025
Congress leader Sandeep Dikshit to file defamation cases against Delhi CM Atishi and AAP MP Sanjay Singh.
This decision follows allegations made by Atishi, accusing Dikshit of receiving money from the BJP. @esha__mishra joins @Anchoramitaw… pic.twitter.com/J6u5XZVt14
પોસ્ટથી કોંગ્રેસની ‘પ્રતિષ્ઠા’ને નુકસાન
આ ફરિયાદ સંદીપ દીક્ષિતે તેમના વકીલ સરિમ જાવેદના માધ્યમથી નોંધાવી હતી. જેમાં ફરિયાદમાં ઉલ્લેખ છે કે, આતિશીએ તેમના X એકાઉન્ટ પર પ્રેસ કૉન્ફરન્સનું લાઇવ સ્ટ્રીમ શેર કર્યું હતું, જેમાં કેપ્શન હતું: “ભાજપ દિલ્હી ચૂંટણીમાં કોંગ્રેસને મદદ કરી રહી છે.” સંદીપ દીક્ષિતે ફરિયાદમાં દાવો કર્યો છે કે, આ પોસ્ટ 30,000થી વધુ વખત જોવામાં આવી છે અને અપમાનજનક નિવેદનોના વ્યાપક મીડિયા કવરેજથી કોંગ્રેસ નેતાની પ્રતિષ્ઠાને વધુ નુકસાન થયું છે.
દીક્ષિતે ફરિયાદમાં કહ્યું છે કે, આ કૃત્યો સ્પષ્ટપણે બદનક્ષી સમાન છે, કારણ કે તે તેમની પ્રતિષ્ઠાને નુકસાન પહોંચાડવાના ઇરાદાથી કરવામાં આવ્યા હતા. અપમાનજનક નિવેદનો અંગે કાનૂની નોટિસ 2 જાન્યુઆરી, 2025ના રોજ મોકલવામાં આવી હતી, પરંતુ અપમાનજનક પોસ્ટ હજુ પણ ઓનલાઈન ઉપલબ્ધ છે, જેના કારણે દીક્ષિતની છબી ખરડાઈ રહી છે. ત્યારે હવે આતિશી અને સંજય સિંઘ વિરુદ્ધ માનહાનિનો દાવો કર્યો છે.