Tuesday, April 16, 2024
More
    હોમપેજમંતવ્યઆંદોલનના નામે 15 વર્ષ સુધી ગુજરાતને તરસ્યું રાખનાર મેધા પાટકરને હવે શક્તિસિંહ...

    આંદોલનના નામે 15 વર્ષ સુધી ગુજરાતને તરસ્યું રાખનાર મેધા પાટકરને હવે શક્તિસિંહ ગોહિલે છાવરી: ગુજરાતદ્વેષી અને દેશના ટુકડા કરવાની વાતો કરનારા કોંગ્રેસને આટલા વ્હાલા કેમ?

    ગુજરાતના ભાવનગરમાં એક ચૂંટણી સભા દરમ્યાન વરિષ્ઠ કોંગ્રેસી નેતા શક્તિસિંહ ગોહિલે ગુજરાતને વર્ષો સુધી તરસ્યું રાખનાર મેધા પાટકરને છાવરવાની કોશિશ કરી હતી. કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીને આ મેધા પાટકર શા માટે આટલા બધાં ગમે છે?

    - Advertisement -

    ગુજરાતમાં ચૂંટણીનો માહોલ જામ્યો છે, તમામ પક્ષો ખરાખરીનો ખેલ ખેલવા થનગની રહી છે, તમામ પાર્ટીઓ જોરશોરથી પ્રચાર કરી રહી છે. તેવામાં કોંગ્રેસના વરિષ્ઠ નેતા શક્તિસિંહ ગોહિલ ભાવનગર ખાતે 15 વર્ષ સુધી ગુજરાતને તરસ્યું રાખનાર મેધા પાટકરને છાવરતા જોવા મળ્યા, કારણકે તાજેતરમાં જ પાટકર કોંગ્રેસની ભારત જોડો યાત્રામાં દેખાયા હતા, અને ભાજપે તેને લઈને કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા હતા, અને કદાચ એટલેજ પાર્ટીનો ઝંડો ઉંચો રાખવા માટે થઇ ને 15 વર્ષ સુધી ગુજરાતને તરસ્યું રાખનાર મેધા પાટકરને ગુજરાત કોંગ્રેસનાં આ વરિષ્ઠ નેતા છાવરી રહ્યાં છે.

    પોતાના નિવેદનમાં શક્તિસિંહ ગોહિલે કહ્યું હતું કે મેધા પાટકરે કરેલી વાત માત્ર આદિવાસી સમાજ માટે હતી. અને નર્મદા યોજનાને રાજીવ ગાંધીએ મંજુરી આપી હતી. અને આદિવાસીઓના તમામ મુદ્દાઓ કોંગ્રેસ પાર્ટીએ હલ કર્યા હતા, તેવામાં સવાલ ઉભો તે થાય છે કે, જે નર્મદાના નીર માટે ગુજરાતના કચ્છ જેવા છેવાડાના વિસ્તારનો માનવી 15 વર્ષ સુધી તરસ્યો રહ્યો, અને આંદોલનના નામે ગુજરાતને તરસ્યું રાખનાર મેધા પાટકરને કોંગ્રેસ કેમ છાવરે છે, અને એ પણ પોતાની પાર્ટીના ફાયદા માટે? માત્ર એટલા માટે જ કે મેધા પાટકર રાહુલ ગાંધીની યાત્રામાં જોડાયા?

    અહી વિચાર એ આવે કે આ એજ મેધા પાટકર છે જે આમ આદમી પાર્ટી માંથી ગુજરાતનો સીએમ ફેસ હોવાની વાતો વહેતી થઇ હતી, આ સાથે જ એવા અહેવાલો પણ ફરતા થયા હતા કે આ માટે મેધા પાટકરે પણ તેના માટે તૈયારીઓ શરુ કરી દીધી હતી. આટલેથી ન અટકતા એવી અટકળોએ પણ વેગ પકડ્યો હતું કે પાટકરની એક્ટીવીસ્ટ ગેંગે તો સરદાર સરોવર ડેમ યોજનાને કઈ રીતે બંધ કરવી તેનું પ્લાનિંગ પણ કરી નાખ્યું હતું.

    - Advertisement -

    આ આંદોલનજીવીને ગુજરાતની મુખ્યમંત્રીની ખુરશી પર બેસાડવાની તૈયારી આંદોલનમાંથી જ જન્મેલી આમ આદમી પાર્ટીએ કરી જ દીધી હતી, પરંતુ સોશિયલ મીડિયા પર ગુજરાતની જનતામાં ભભૂકેલા આક્રોશના તણખલા અંગારા બને અને વિકરાળ આગનું સ્વરૂપ લઈને ગુજરાત સર કરવા નીકળેલી AAPને ભસ્મ કરી દે તે પહેલાજ પાર્ટીએ વિચાર પડતો મુક્યો હોય તેવા અણસાર આવ્યાં હતા.

    ત્યારે હવે શક્તિસિંહ ગોહિલે કોંગ્રેસ પાર્ટી વતી મેધા પાટકરને છાવરતું નિવેદન આપીને કદાચ ફરી એક વાર તે તણખલાને હવા આપવાનું કામ કર્યું છે. ત્યારે આંદોલનની આગ ઉપર પોતાનો રોટલો શેકવામાં માહેર મેધા પાટકરને ગુજરાતની જનતા શામાટે લાલ આંખે જોવે છે તે જાણવા તેમના કાળા ઈતિહાસ પર એક ડોકિયું કરીએ.

    આંદોલનના નામે ગુજરાતને 15 વર્ષ સુધી નર્મદાના નીરથી અળગું રાખ્યું

    ગુજરાતની જનતા જાણે છે કે કેવી રીતે મેધા પાટકરે ગુજરાતમાં સરદાર સરોવર બંધ અને કેનાલ પ્રોજેક્ટ વિરુદ્ધ શરૂ કરેલા તથાકથિત ‘નર્મદા બચાવો આંદોલન’થી તે સમયની ગુજરાત વિરોધી સરકારો સામે ખોબલે ખોબલે પ્રસિદ્ધિ મેળવી હતી. તે સમયે કેન્દ્રની યુપીએ સરકારે જાણી જોઇને મેધા પાટકર જેવા એક્ટિવિસ્ટ દ્વારા નાના-નાના મુદ્દાઓને લઈને ઘણા લાંબા સમય સુધી સરદાર સરોવર પ્રોજેક્ટમાં વિલંબ કર્યો. આ બંધની પહેલી શિલા તો પ્રથમ વડાપ્રધાન જવાહરલાલ નહેરુ દ્વારા રાખવામાં આવી હતી પરંતુ વિરોધ, કેસ અને સરકાર દ્વારા જાણીજોઈને કરવામાં આવેલા વિલંબના કારણે પ્રોજેક્ટ લંબાતો ગયો હતો.

    પાટકરના કારણે વર્લ્ડ બેન્કે 450 બિલિયન ડોલરની લૉન રદ કરી

    તે સમયે સરદાર સરોવર ડેમ માટે વર્લ્ડ બેંકે ફંડિંગ આપવા માટે સહમતી દર્શાવી હતી, જેની જાણ મેધા પાટકરને થતા જ તેમના મનમાં વિશ્વ સ્તરે પ્રસિદ્ધિ મેળવવાનો કીડો સળવળ્યો હતો. અને અને આંતરરાષ્ટ્રીય સ્તરે ઓળખ મેળવવાની લહાયમાં વિશ્વ બેન્ક તરફથી મળતી સહાય રોકવાના કીમિયા શરુ કર્યા અને તથાકથિત નર્મદા બચાવો આંદોલનને વધુ વેગ આપ્યો, અને તેમના આ કુકર્મમાં બાબા આમ્ટે, અરુધંતિ રૉય અને આમિર ખાન જેવા લોકો સહભાગી થયા.

    અને પાટકર પોતાની મનષામાં સફળ પણ થયા, અને તેના કારણે વર્ષ 1991 માં વર્લ્ડ બેંકે એક કમિશનની રચના કરી, મેધા પાટકરે લગાવેલા આરોપોની સમીક્ષા માટે સુચના આપી. અને અંતે વર્ષ વર્ષ 1993 માં વર્લ્ડ બેન્ક તરફથી મળનાર 450 બિલિયન ડોલરની લૉન પણ રદ કરી દેવામાં આવી.

    સુપ્રીમ કોર્ટે નર્મદા બચાવો આંદોલનને ઉંધે કાંધ નાખ્યું

    આ દરમિયાન વર્ષ 2000 માં સુપ્રીમ કોર્ટે નર્મદા બચાવો આંદોલન તરફથી દાખલ કરવામાં આવેલ અરજી ફગાવી દઈને સરદાર સરોવર પ્રોજેક્ટને લીલી ઝંડી આપી હતી. કોર્ટે નોંધ્યું હતું કે, ડેમ બની ગયા પછી મળનાર લાભ પર્યાવરણ અને વિસ્થાપિત લોકો માટે થનાર ખર્ચ કરતા અનેકગણા વધુ હશે. પણ તે સમયે ગુજરાતમાં ભાજપની સરકાર હતી અને કેન્દ્રમાં યુપીએ, એટલે તે સમયની કેન્દ્ર સરકારે ગુજરાત પ્રત્યે પક્ષપાતી અને અન્યાયી વલણ અપનાવ્યું અને વર્ષો સુધી સરદાર સરોવર બંધની ઊંચાઈ વધારવા માટે મંજૂરી ન આપી, જેના કારણે વર્ષો સુધી ગુજરાતના અનેક વિસ્તારોએ પાણી માટે સંઘર્ષ કરવો પડ્યો હતો. પણ આખરે મે 2014 માં વડાપ્રધાન બન્યા બાદ જૂન મહિનામાં પીએમ મોદીએ ડેમની ઉંચાઈ વધારવા માટે મંજૂરી આપી હતી.

    સ્વઘોષિત એક્ટિવિસ્ટ મેધા પાટકરે નર્મદા બચાવો આંદોલનના નામે વર્ષો સુધી સરદાર પ્રોજેક્ટને વિલંબિત રાખવામાં અગત્યની ભૂમિકા ભજવી હતી. તેમણે દાવો કર્યો હતો કે આ પ્રોજેક્ટથી લગભગ 40 હજાર પરિવારો વિસ્થાપિત થઇ શકે છે. તેમણે એવો પણ દાવો કર્યો હતો કે આ પરિવારોના પુનર્વસનની પ્રક્રિયા પૂર્ણ થઇ નથી અને જ્યાં સુધી એ પૂર્ણ ન થાય ત્યાં સુધી બંધમાં પાણીનો સપ્લાય રોકી દેવાની પણ માંગ કરી હતી. જો કે છેવટે પાટકરના આ દાવા પોકળ સાબિત થયા અને નર્મદા યોજનાને લીધે વિસ્થાપિત લોકોના પુનર્વસન માટેનું શ્રેષ્ઠ કાર્ય ગુજરાતે કર્યું હોવાનું પણ સાબિત થયું.

    હવે સ્વભાવિક છે કે ગુજરાતની જનતા પોતાને 15 વર્ષ સુધી પાણી માટે વલખાં મારવા મજબુર કરનાર મેધા પાટકર જેવા લોકોને ન ભૂલે, અને તેમના કરેલા કૃત્યો બદલ માફ પણ ન કરી શકે, પણ કોંગ્રેસ હોય કે આમ આદમી પાર્ટી આ તમામને ગુજરાત અને ભારત પ્રત્યે દ્વેષ રાખનાર લોકો તેમને વ્હાલા લગતા આવ્યાં છે. અને તે સમયાંતરે સાબિત થતું જ આવ્યું છે, તે ભારત જોડો યાત્રા હોય, કે ગુજરાતના મુખ્યમંત્રી બનાવવાની વાતો હોય કે પછી ભાવનગરમાં યોજાયેલી સભા હોય. આ રાજકીય પાર્ટીઓ તેમને છાવરતી આવી છે, તે ગુજરાતની જનતાને તરસી રાખનાર મેધા પાટકર હોય કે “ભારત તેરે ટુકડે હોંગે” વાળા કન્હૈયા કુમાર, અંતે બંને જઈને ભળ્યા તો ભારત જોડો યાત્રામાં જ ને? અને ગુજરાતની જનતા અગામી ચૂંટણીમાં અનો હિસાબ માંગે તો નવાઈ નહી.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં