Sunday, November 10, 2024
More
    હોમપેજમંતવ્યમા નર્મદાના નીર 734 કિમી દૂર કચ્છના છેવાડાના ગામ સુધી પહોંચ્યાં, ત્યારે...

    મા નર્મદાના નીર 734 કિમી દૂર કચ્છના છેવાડાના ગામ સુધી પહોંચ્યાં, ત્યારે જાણો કઈ રીતે આંદોલનજીવીઓએ ગુજરાતને દાયકાઓ સુધી તરસ્યું રાખ્યું હતું

    વર્ષો સુધી કેન્દ્રમાં રહેલી સરકારોએ રાજકીય લાભો મેળવવા માટે દાખવેલા પક્ષપાતી વલણ અને આંદોલનજીવીઓએ લાભ ખાટવા માટે કરેલા આંદોલનોના કારણે ગુજરાતના લોકોએ પાણી માટે રાહ જોવી પડી હતી. જોકે, આ આંદોલનો આખરે કંઈ કામ ન આવ્યાં અને આજે કચ્છ, સૌરાષ્ટ્રના છેવાડાના

    - Advertisement -

    ગઈકાલે (6 જુલાઈ 2022) નર્મદા કેનાલની કચ્છ બ્રાન્ચના છેવાડાના ગામ મોડકુબા સુધી મા નર્મદાના નીર પહોંચ્યાં હતાં. મા નર્મદાના પાણી જે-જે વિસ્તારમાંથી પસાર થયા ત્યાં મોટી સંખ્યામાં લોકોએ ઉપસ્થિત રહીને ઉજવણી કરી હતી અને ઉમળકા સાથે મા નર્મદાને વધાવ્યાં હતાં. આ દરમિયાનના વિડીયો પણ સોશિયલ મીડિયા પર જોવા મળી રહ્યા છે. 

    વિડીયોમાં કેનાલની બંને તરફ મોટી સંખ્યામાં લોકો ઉભેલા જોવા મળે છે અને કેટલાક કેનાલની અંદર ઉભા રહી નવા નીરના વધામણાં કરતા જોવા મળે છે. અન્ય એક વિડીયોમાં દેખાય છે કે એક ખેડૂત પાણી આવતા આનંદ વ્યક્ત કરી રહ્યા છે અને તેઓ કહે છે કે, (વડાપ્રધાન) મોદીના કારણે આ બધું શક્ય બન્યું છે.  

    મા નર્મદાના નીર કેવડિયા સરદાર સરોવરથી કુલ કુલ 743 કિલોમીટર અંતર કાપી મોડકુબા પહોંચ્યા  હતા. સરદાર સરોવર નર્મદા નિગમ લિમિટેડના ચેરમેન જેપી ગુપ્તાએ ઇન્ડિયન એક્સપ્રેસને જણાવ્યું કે, “350 કિલોમીટરની કચ્છ બ્રાન્ચ કેનાલમાં તમામ પ્રકારનું બાંધકામ અને ઇજનેરી કામ પૂર્ણ થઇ ગયું છે અને છેલ્લા એક અઠવાડિયાથી કેનાલમાં પાણી છોડીને ટેસ્ટિંગનું કામ ચાલી રહ્યું છે. પાણી ગુરુવારે સવાર સુધીમાં કચ્છ બ્રાન્ચ કેનાલના છેવાડાના મોડકૂબા સુધી પહોંચી જશે તેવું અનુમાન છે.”

    - Advertisement -

    નર્મદા નદીનું પાણી કચ્છ સુધી પહોંચાડવાનું સપનું નરેન્દ્ર મોદીનું હતું. જોકે, મેધા પાટકર જેવા આંદોલનજીવીઓ અને તત્કાલીન યુપીએ સરકારનો પૂરતો સહયોગ ન મળવાના કારણે પ્રોજેક્ટમાં દાયકાઓ સુધી વિલંબ થતો રહ્યો અને ગુજરાતીઓ અને ખાસ કરીને કચ્છ-સૌરાષ્ટ્રના છેવાડાના લોકોએ પાણી માટે આટલી રાહ જોવી પડી. 

    વર્ષ 1961 માં તત્કાલીન વડાપ્રધાન જવાહરલાલ નહેરુએ નર્મદા નદી પર એક નાના ડેમનું ઉદ્ઘાટન કર્યું હતું. જે બાદ ગુજરાતે વધુ પાણીના સંગ્રહ માટે ડેમની ઊંચાઈ વધારવા માટે નિર્ણય કર્યો હતો. પરંતુ વિસ્થાપન અને અન્ય મામલે વિવાદ ચાલુ રહેતા અને વાટાઘાટોનું કોઈ પરિણામ ન આવતા 1969 માં નર્મદા જળવિવાદ ટ્રીબ્યુનલની રચના કરવામાં આવી હતી. 

    10 વર્ષના વિચાર-વિમર્શ બાદ NWDT દ્વારા ડેમના પાણી અને જળવિદ્યુત ગુજરાત, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર અને રાજસ્થાન એમ ચાર રાજ્યોમાં ફાળવવા માટેનો પ્રસ્તાવ મૂક્યો, જે અનુસાર 35 બિલિયન ક્યુબિક પાણીમાંથી મધ્યપ્રદેશને 65 ટકા, ગુજરાતને 32 ટકા અને બાકીના 3 ટકા મહારાષ્ટ્ર અને રાજસ્થાનને ફાળવવા માટે નિર્ણય કરવામાં આવ્યો. આ ઉપરાંત, સરદાર સરોવર પ્રોજેક્ટ સહિત નર્મદા નદી પર 30 મોટા, 35 મધ્યમ અને 3000 નાના બંધ બનાવવા માટે પણ પ્રસ્તાવ મૂકવામાં આવ્યો હતો. 

    પ્રોજેક્ટ પર કામ શરૂ થયું તેની સાથે જ મેધા પાટકર જેવા તથાકથિત સામાજિક કાર્યકરો અને પર્યાવરણવાદીઓ સક્રિય થઇ ગયા અને વર્ષ 1985 માં મેધા પાટકરે પ્રોજેક્ટ સાઈટની મુલાકાત લઇ આરોપ લગાવ્યો કે ડેમ પર્યાવરણ અને વન મંત્રાલય દ્વારા નિર્ધારિત જરૂરી સામાજિક અને પર્યાવરણીય માપદંડોને પૂરાં કરવામાં નિષ્ફ્ળ થયો છે. તેમણે એ પણ આરોપ લગાવ્યો હતો કે જે લોકો પ્રભાવિત થવાના હતા તેમને જાણ કરવામાં ન આવી કે તેમની સાથે ચર્ચા કરવામાં આવી ન હતી. 

    જે બાદ મેધા પાટકરે પીએચડીનો અભ્યાસ છોડીને આંદોલનનો જ રસ્તો પકડી લીધો હતો અને મધ્યપ્રદેશથી સરદાર સરોવર ડેમ સાઈટ સુધી 36 દિવસીય યાત્રાનું આયોજન કર્યું હતું. ‘નર્મદા બચાવો આંદોલન’ના નામે મેધા પાટકરે હજારો ‘કાર્યકરો’ પર્યાવરણ કાર્યકરો અને વિદ્યાર્થીઓને ભેગા કરીને આંદોલનો કર્યાં હતાં અને પ્રોજેક્ટમાં વિલંબ કરવામાં અગત્યની ભૂમિકા ભજવી હતી.

    સરદાર સરોવર ડેમ માટે વર્લ્ડ બેંકે ફંડિંગ આપવા માટે સહમતી દર્શાવી હોવાનું જાણવા મળતા મેધા પાટકરે નર્મદા બચાવો આંદોલનને વધુ વેગ આપ્યો હતો અને આંતરરાષ્ટ્રીય સ્તરે ઓળખ મેળવવા પ્રયત્નો કર્યા હતા. તેમનો મુખ્ય હેતુ એ હતો કે સરદાર સરોવરને વિશ્વ બેન્ક તરફથી મળતી સહાય રોકવામાં આવે. મેધા પાટકરના આ આંદોલનને બાબા આમ્ટે, અરુધંતિ રૉય અને આમિર ખાન વગેરેએ પણ ટેકો આપ્યો હતો.

    આ આંદોલનના કારણે જ વર્ષ 1991 માં વર્લ્ડ બેંકે એક કમિશનની રચના કરી હતી અને આ આરોપો અંગે તપાસ કરવા માટે સૂચના આપી હતી. જે બાદ વર્ષ 1993 માં વર્લ્ડ બેન્ક તરફથી મળનાર 450 બિલિયન ડોલરની લૉન પણ રદ કરી દેવામાં આવી હતી. આ બાબતનો ઉલ્લેખ પીએમ મોદીએ પણ કર્યો હતો. નર્મદા ડેમના લોકાર્પણ દરમિયાન પીએમ મોદીએ કહ્યું હતું કે, જ્યારે વર્લ્ડ બેંકે લૉન આપવાનો ઇનકાર કર્યો ત્યારે ગુજરાતના મંદિરોએ ડેમ માટે ફંડની વ્યવસ્થા કરી આપી હતી. 

    જોકે, આ આંદોલનો કામ આવ્યાં નહીં અને વર્ષ 2000 માં સુપ્રીમ કોર્ટે નર્મદા બચાવો આંદોલન તરફથી દાખલ કરવામાં આવેલ અરજી ફગાવી દઈને સરદાર સરોવર પ્રોજેક્ટને લીલી ઝંડી આપી હતી. કોર્ટે નોંધ્યું હતું કે, ડેમ બની ગયા પછી મળનાર લાભ પર્યાવરણ અને વિસ્થાપિત લોકો માટે થનાર ખર્ચ કરતા અનેકગણા વધુ  હશે.

    જોકે, નરેન્દ્ર મોદી મુખ્યમંત્રી હતા ત્યારે કેન્દ્રની યુપીએ સરકારે ગુજરાત પ્રત્યે પક્ષપાતી અને અન્યાયી વલણ અપનાવ્યું હતું અને વર્ષો સુધી સરદાર સરોવર બંધની ઊંચાઈ વધારવા માટે મંજૂરી આપવામાં આવી ન હતી. જેના કારણે વર્ષો સુધી ગુજરાતના અનેક વિસ્તારોએ પાણી માટે સંઘર્ષ કરવો પડ્યો હતો.

    આખરે મે 2014 માં વડાપ્રધાન બન્યા બાદ જૂન મહિનામાં પીએમ મોદીએ ડેમની ઉંચાઈ વધારવા માટે મંજૂરી આપી હતી અને મે 2017 માં મા નર્મદાના નીર પહેલીવાર કચ્છ પહોંચ્યા હતા. જે બાદ સપ્ટેમ્બર 2017 માં પીએમ મોદીએ સરદાર સરોવર ડેમ દેશને લોકાર્પિત કર્યો હતો. 2017 માં વડાપ્રધાને કચ્છ બ્રાન્ચ કેનાલના 214 કિમી વિભાગનું લોકાર્પણ કર્યું હતું અને અંજાર નજીકના એક ડેમમાં પાણી છોડવામાં આવ્યું હતું. પ્રોજેક્ટના 24 કિમીનું કામ જમીન સંપાદનના કારણે બાકી હતું, જે પણ 2021 માં પૂર્ણ કરી દેવામાં આવ્યું હતું. હવે, મા નર્મદાના નીર કચ્છના છેવાડાના ગામ સુધી પહોંચ્યા છે. 

    આટલાં વર્ષો સુધી કેન્દ્રમાં રહેલી સરકારોએ રાજકીય લાભો મેળવવા માટે દાખવેલા પક્ષપાતી વલણ અને આંદોલનજીવીઓએ લાભ ખાટવા માટે કરેલા આંદોલનોના કારણે ગુજરાતના લોકોએ પાણી માટે રાહ જોવી પડી હતી. જોકે, આ આંદોલનો આખરે કંઈ કામ ન આવ્યાં અને આજે કચ્છ, સૌરાષ્ટ્રના છેવાડાના વિસ્તારોમાં પણ મા નર્મદાના નીર પહોંચી શક્યાં છે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં