કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીની પુત્રી ઝોઈશ ઈરાનીને લઈને કોંગ્રેસ પાર્ટીએ કરેલા દાવાને લઈને સ્મૃતિ ઈરાનીએ કોંગ્રેસ નેતાઓને નોટીસ પાઠવી હતી અને દિલ્હી હાઇકોર્ટના દરવાજા ખખડાવ્યા હતા. હવે આ મામલે દિલ્હી હાઇકોર્ટે કોંગ્રેસના પવન ખેડા, જયરામ રમેશ અને નેતા ડિસૂઝાને સમન્સ પાઠવ્યાં છે. આ ઉપરાંત, કોર્ટે આ નેતાઓને આગામી 24 કલાકની અંદર સ્મૃતિ ઈરાની વિરુદ્ધની તમામ અપમાનજનક સામગ્રી હટાવી લેવા માટેનો આદેશ આપ્યો છે.
Justice Mini Pushkarna has further directed the congress leaders to remove all allegedly defamatory materials from social media platforms within 24 hours. If they fail, the social media companies will do it.#DelhiHighCourt @smritiirani@Pawankhera @Jairam_Ramesh
— Bar & Bench (@barandbench) July 29, 2022
કેસની સુનાવણી કરતા જસ્ટિસ મીની પુષ્કર્ણાએ કોંગ્રેસ નેતાઓને નિર્દેશ કરતાં સોશિયલ મીડિયા પરથી સ્મૃતિ ઈરાની અને તેમના પરિવાર વિશે પોસ્ટ કરવામાં આવેલ તમામ અપમાનજનક સામગ્રી આગામી 24 કલાકમાં હટાવી દેવા માટે જણાવ્યું છે. તેમજ જો તેમ કરવામાં નહીં આવે તો જે-તે સોશિયલ મીડિયા કંપની કાર્યવાહી કરશે તેમ જણાવવામાં આવ્યું છે.
ઉલ્લેખનીય છે કે કોંગ્રેસ નેતાઓએ કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીની 18 વર્ષીય પુત્રી ઝોઈશ ઈરાની પર આક્ષેપો કરતાં દાવો કર્યો હતો કે ઝોઈશ ગોવામાં ગેરકાયદેસર બાર ચલાવે છે. કોંગ્રેસ નેતાઓ પવન ખેડા અને જયરામ રમેશે એક પ્રેસ કોન્ફરન્સ કરીને આ આરોપો લગાવ્યા હતા. તેમણે એક RTIના જવાબનો આધાર બનાવીને આ પ્રેસ કોન્ફરન્સ કરી હતી.
કોંગ્રેસ નેતાઓના આક્ષેપો બાદ કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીએ પણ પ્રેસ કોન્ફરન્સ કરીને આ મામલે સાચી હકીકત જણાવી હતી. તેમજ કોંગ્રેસને કોર્ટ સુધી ખેંચી લઇ જવાની ચીમકી ઉચ્ચારી હતી. જે બાદ સ્મૃતિ ઈરાનીએ કોંગ્રેસ નેતાઓને લીગલ નોટીસ પણ પાઠવી હતી.
મીડિયા સાથે વાતચીત કરતાં સ્મૃતિ ઈરાનીએ કહ્યું હતું કે, કોંગ્રેસે તેમને અને તેમની પુત્રીને બદનામ કરવા માટે આમ કર્યું છે અને તેની પાછળનું કારણ એ છે કે તેઓ ગાંધી પરિવાર અને સોનિયા ગાંધી-રાહુલ ગાંધી વિરુદ્ધ પ્રેસ કોન્ફરન્સ કરે છે. તેમણે કહ્યું હતું કે, હું સોનિયા ગાંધી અને રાહુલ ગાંધી વિરુદ્ધ પ્રેસ કોન્ફરન્સ કરું છું અને કરતી રહીશ. અને હવે આ મામલે પણ કોંગ્રેસ નેતાઓ પાસે કોર્ટમાં જવાબ માંગીશ.
તેમણે કોંગ્રેસ નેતાઓની પ્રેસ કોન્ફરન્સ પર સવાલ કર્યા હતા અને કહ્યું હતું કે, તેઓ જે કાગળને લઈને દાવા કરી રહ્યા છે તેમાં શું લખ્યું છે તે પણ જણાવવું જોઈએ. તેમણે પ્રશ્ન કર્યો હતો કે શું કોંગ્રેસ નેતાઓ એ જણાવી શકે કે RTIમાં તેમની પુત્રીનું નામ લખ્યું છે કે કેમ?
ઉલ્લેખનીય છે કે કોંગ્રેસ નેતાઓએ ‘ધ વાયર’ના એક રિપોર્ટ અને ગોવામાં એક ‘એક્ટિવિસ્ટ’ની આરટીઆઈનો આધાર લઈને સ્મૃતિ ઈરાનીની પુત્રી વિરુદ્ધ ગેરકાયદેસર બાર ચલાવવાના આક્ષેપો કર્યા હતા. તેમજ જે આરટીઆઈને ટાંકીને કોંગ્રેસ નેતાઓએ આરોપ લગાવ્યા, તેમાં ઈરાની પરિવાર કે ઝોઈશ ઈરાનીનું નામ પણ લખવામાં આવ્યું ન હતું. જોકે, બાદમાં સ્મૃતિ ઈરાનીએ સ્પષ્ટતા કરીને કહ્યું હતું કે તેમની પુત્રી માત્ર રેસ્ટોરન્ટમાં ઇન્ટર્નશિપ કરતી હતી અને ખોટી રીતે તેનું નામ સંડોવવામાં આવ્યું હતું.