Saturday, November 23, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટ‘કોંગ્રેસે 1 કરોડ માંગ્યા, માંગણી ન પૂરી થઇ તો ટિકિટ વેચી મારી’:...

    ‘કોંગ્રેસે 1 કરોડ માંગ્યા, માંગણી ન પૂરી થઇ તો ટિકિટ વેચી મારી’: દહેગામનાં પૂર્વ MLA કામિની બા રાઠોડનો ગંભીર આરોપ, ઓડિયો ક્લિપ વાયરલ

    મીડિયા અને સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહેલા આ વિડીયોમાં બે શખ્સ અને એક મહિલા વાત કરતાં સંભળાય છે. સમગ્ર વાતચીત દરમિયાન ‘50’ અને ‘70’ની વાતો થતી પણ સાંભળવા મળે છે. 

    - Advertisement -

    સામી વિધાનસભા ચૂંટણીએ કોંગ્રેસમાં અંદરોઅંદર જ ધમાલો ચાલી રહી છે. ટિકિટની નારાજગી, રિસામણાં-મનામણાં વચ્ચે હવે દહેગામ બેઠક પરના પૂર્વ ધારાસભ્ય કામિની બા રાઠોડનો એક ઓડિયો સામે આવ્યો છે, જેમાં તેઓ કોંગ્રેસ પાર્ટી પર ટિકિટ માટે પૈસા માંગવાનો આરોપ લગાવી રહ્યાં છે. 

    મીડિયા અને સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહેલા આ વિડીયોમાં બે શખ્સ અને એક મહિલા વાત કરતાં સંભળાય છે. સમગ્ર વાતચીત દરમિયાન ‘50’ અને ‘70’ની વાતો થતી પણ સાંભળવા મળે છે. 

    આ વિડીયો સાચો હોવાની સ્વયં કામિની બા રાઠોડે પુષ્ટિ કરી છે. મીડિયા સાથે વાત કરતાં તેમણે કહ્યું કે, “પાર્ટીએ મારી પાસે 1 કરોડની માંગણી કરી, પછી 70 લાખ કહ્યા અને છેલ્લે 50 લાખમાં ફાઇનલ કરવા કહ્યું. એમ પણ કહેવામાં આવ્યું કે જ્યાં સુધી હું પૈસા જમા નહીં કરાવું ત્યાં સુધી મારી ટિકિટ ફાઇનલ નહીં થાય. પૈસા આપશો તો જ તમારું નામ અને ટિકિટ ફાઇનલ થશે તેમ જણાવવામાં આવ્યું.”

    - Advertisement -

    કામિની બાએ કોંગ્રેસ પર રોષ ઠાલવતાં કહ્યું કે, “પૈસા આપી શકી ન હોવાના કારણે મને ટિકિટ ન આપવામાં આવી હોય તેમ લાગે છે. હું પક્ષની વફાદાર રહી છું, પરંતુ એ જ પાર્ટીએ આજે ટિકિટ આપવા માટે પૈસાની માંગણી કરી તે જાણીને ખૂબ દુઃખ થાય છે.” તેમણે કોંગ્રેસ પર ટિકિટ વેચવાનો આરોપ લગાવીને કહ્યું કે, મારી પાસે પૈસાની માંગણી ન સંતોષાતા અને બીજી જગ્યાએથી માંગણી પૂરી થતાં આ ટિકિટ પાર્ટીએ વેચી છે.”

    કામિની બા રાઠોડ દહેગામ વિધાનસભા બેઠકનાં પૂર્વ ધારાસભ્ય છે. તેઓ વર્ષ 2012માં અહીંથી જીત્યાં હતાં. જોકે, 2017માં ભાજપના બલરાજસિંહ ચૌહાણ સામે તેમણે હારનો સામનો કરવો પડ્યો હતો. આ વખતે કોંગ્રેસે અહીંથી વખતસિંહ ચૌહાણને ટિકિટ આપી છે. 

    ભારતીય જનતા પાર્ટીએ આ બેઠક પરથી ધારાસભ્ય બલરાજસિંહ ચૌહાણને જ રિપીટ કર્યા છે. જ્યારે આમ આદમી પાર્ટીએ પહેલાં યુવરાજસિંહ જાડેજાના નામની જાહેરાત કરી દીધી હતી, પરંતુ પાર્ટીમાં જ વિરોધ થતાં તેમના સ્થાને સુહાગ પંચાલને ટિકિટ આપવી પડી હતી.

    ગુજરાત વિધાનસભાની ચૂંટણી બે તબક્કામાં તારીખ 1 અને 5 ડિસેમ્બરના રોજ યોજાશે. જેનાં પરિણામો 8 ડિસેમ્બર (ગુરુવાર)ના રોજ જાહેર કરવામાં આવશે. 

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં