કોંગ્રેસની ‘ભારત જોડો યાત્રા’ મુદ્દે આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ સામસામે આવી ગયા છે. થયું એવું કે ભારત જોડો યાત્રામાં પોસ્ટરોમાં પંજાબના મુખ્યમંત્રી ભગવંત માનની તસ્વીર જોવા મળી હતી. જેને લઈને આમ આદમી પાર્ટીએ કોંગ્રેસ પર કટાક્ષ કર્યો છે.
વાસ્તવમાં, ‘ભારત જોડો યાત્રા’ તેલંગાણામાંથી પસાર થતી વખતે ઠેરઠેર પોસ્ટરો લગાવવામાં આવ્યાં હતાં. જેમાં રાહુલ ગાંધી તેમજ સ્થાનિક કોંગ્રેસ નેતાઓની તસ્વીરો છાપવામાં આવી હતી. જે પોસ્ટરોની તસ્વીરો લઈને કોંગ્રેસે પોતાના અધિકારીક ટ્વિટર હેન્ડલ પરથી પોસ્ટ કરી હતી. જેમાં રાહુલ ગાંધી યાત્રા દરમિયાન વિવિધ લોકોને મળતા જોવા મળે છે.
કોંગ્રેસે ચાર તસ્વીરો પોસ્ટ કરી હતી. જેમાં પહેલીમાં રાહુલ ગાંધી હળ લઈને ચાલતા જોવા મળે છે, તેમની સાથે એક વ્યક્તિ પણ ચાલતો દેખાય છે. બીજી તસ્વીરમાં તેઓ પદયાત્રા કરી રહ્યા છે. ત્રીજીમાં એક કાર્યકર્તા હોર્ડિંગ લઈને ઉભેલો જોવા મળે છે. અને ચોથી તસ્વીરમાં યાત્રાના રુટ પર કેટલાક લોકો ઉભેલા જોવા મળે છે. આ કાર્યકર્તાઓની પાછળ લાગેલા પોસ્ટરોમાં પંજાબ સીએમ ભગવંત માનની તસ્વીર દેખાઈ ગઈ હતી.
ભગવંત માનની તસ્વીર ભારત જોડો યાત્રામાં જોઈને આમ આદમી પાર્ટીને કોંગ્રેસને ચીડવવાનો મોકો મળી ગયો હતો. પંજાબ ‘આપ’ના ટ્વિટર અકાઉન્ટ પરથી કોંગ્રેસ પર કટાક્ષ કરવામાં આવ્યો હતો.
Even Congress knows
— AAP Punjab (@AAPPunjab) October 30, 2022
Only AAP can bring ‘BADLAV’ 🤩@BhagwantMann Zindabad
(Reference: Zoom shot of the 4th picture 😁) https://t.co/wSS4HGRV3R pic.twitter.com/DIdhv19CAe
કોંગ્રેસની ‘ભારત જોડો યાત્રા’ તમિલનાડુ અને કર્ણાટકમાંથી પસાર થઇ હવે તેલંગાણા પહોંચી છે. જ્યાં 19 વિધાનસભા ક્ષેત્રોમાંથી પસાર થઈને કુલ 375 કિલોમીટર અંતર કાપશે. ત્યારબાદ 7 નવેમ્બરના રોજ યાત્રા મહારાષ્ટ્રમાં પ્રવેશ કરશે. ચાર નવેમ્બરના રોજ એક દિવસનો વિરામ લેશે. કોંગ્રેસે કહ્યું છે કે, આ યાત્રા દરમિયાન રાહુલ ગાંધી અનેક લોકોને મળશે.
કોંગ્રેસની ‘ભારત જોડો યાત્રા’ 7 સપ્ટેમ્બરના રોજ તમિલનાડુના કન્યાકુમારીથી નીકળી હતી. જેને કાશ્મીર સુધી લઇ જવાનું પાર્ટીનું આયોજન છે. જોકે, રસપ્રદ વાત એ છે કે એક મહિનામાં ગુજરાતમાં ચૂંટણી હોવા છતાં પાર્ટીની આ યાત્રાના રુટમાં ગુજરાત આવતું નથી!
અહીં એ પણ નોંધનીય છે કે આ પહેલીવાર નથી જ્યારે ‘આપ’ અને કોંગ્રેસ સોશિયલ મીડિયા પર બાખડ્યા હોય. આ પહેલાં પણ કોંગ્રેસે ગત 23 ઓગસ્ટના રોજ એક ટ્વિટ કર્યું હતું, તેમાં જે તસ્વીર વાપરવામાં આવી હતી તેને લઈને આમ આદમી પાર્ટીએ દાવો કર્યો હતો તેમાં દેખાતા લોકો તેમના કાર્યકરો હતા, જેનો ઉપયોગ કોંગ્રેસે પોતાના માણસો ગણાવવા માટે કર્યો હતો.