ઉત્તર પ્રદેશના CM યોગી આદિત્યનાથે હિંદુ રાષ્ટ્ર પર મોટું નિવેદન આપ્યું છે, તેમણે કહ્યું છે કે ભારત હિંદુ રાષ્ટ્ર હતું, છે અને રહેશે, તેમણે પાકિસ્તાનનો ઉલ્લેખ કરતા તેમ પણ કહ્યું કે તેનો ભારતમાં વિલય થશે અને ફરી એક વાર અખંડ ભારત બનશે.
APB ન્યુઝના એક કાર્યક્રમમાં CM યોગી આદિત્યનાથે હિંદુ રાષ્ટ્ર પર નિવેદન આપ્યું હતું, તેમણે પોતાના ટ્વીટર હેન્ડલ પર પણ આ કાર્યક્રમના કેટલાક અંશ પોસ્ટ કર્યા હતા. યોગી આદિત્યનાથે ભારપૂર્વક જણાવ્યું હતું કે પાકિસ્તાન જેટલું જલદી ભારતમાં ભળી જશે, તેટલું ત્યાંના લોકો માટે સારું રહેશે. આ પહેલા રાજસ્થાનમાં પણ મુખ્યમંત્રી યોગીએ સનાતન ધર્મને રાષ્ટ્રીય ધર્મ ગણાવ્યો હતો.
પત્રકાર રૂબિકા લિયાકતના સવાલનો જવાબ આપતા યોગી આદિત્યનાથે કહ્યું કે ભારત એક હિન્દુ રાષ્ટ્ર છે, કારણ કે ભારતનો દરેક નાગરિક હિન્દુ છે. હિન્દુ શબ્દનો અર્થ સમજાવતાં તેમણે કહ્યું હતું કે તેને કોઈ પણ મત, ધર્મ કે સંપ્રદાય સાથે કોઈ લેવાદેવા નથી. આ એક સાંસ્કૃતિક શબ્દ છે, જે ભારતના દરેક નાગરિકને બંધબેસે છે.
भारत हिंदू राष्ट्र है, क्योंकि भारत का हर नागरिक हिंदू है।
— Yogi Adityanath (@myogiadityanath) February 15, 2023
भारत हिंदू राष्ट्र था, है और आगे भी रहेगा… pic.twitter.com/e8k6ieW7YJ
હજનું ઉદાહરણ આપતા યોગી આદિત્યનાથે કહ્યું કે, હજ માટે જતા ભારતીય મુસ્લિમોને સાઉદી અરબમાં હિન્દુ નામથી સંબોધવામાં આવે છે. એ સંદર્ભમાં ભારત એક હિન્દુ રાષ્ટ્ર છે, કારણ કે ભારતનો દરેક નાગરિક હિન્દુ છે. તેમણે કહ્યું કે હિમાલયથી લઈને સમુદ્ર સુધી જમીન પર જન્મેલા લોકો હિન્દુ હોય છે. હિન્દુને પંથ, ધર્મ અને સંપ્રદાય સાથે જોડવું એ હિન્દુને સમજવામાં ભૂલ છે.
યુપીના મુખ્યમંત્રીએ ટ્વિટમાં લખ્યું હતું કે, અખંડ ભારતનું નિર્માણ કરવું પડશે. એ જ સત્ય છે. વાસ્તવમાં આ કાર્યક્રમ દરમિયાન તેમને પાકિસ્તાનના ભારત સાથેના જોડાણ અંગે એક સવાલ પૂછવામાં આવ્યો હતો. આના જવાબમાં યોગી આદિત્યનાથે મહર્ષિ અરવિંદનો ઉલ્લેખ કર્યો હતો.
તેમણે કહ્યું કે શ્રી અરવિંદે પાકિસ્તાન વિશે સ્પષ્ટપણે કહ્યું હતું કે પાકિસ્તાન આધ્યાત્મિક વિશ્વમાં વાસ્તવિકતા નથી. જો તે આટલો લાંબો સમય ટકી પણ જાય તો તે તેના નસીબ કહેવાય. તેમણે કહ્યું કે જ્યાં સુધી પાકિસ્તાન રહેશે ત્યાં સુધી ધરતી પર બોજ રહેશે. તે ભારતમાં પોતાની જાતને જેટલી જલદી ભેળવી દેશે, તેટલું તેમના હિતમાં હશે.
‘अखण्ड भारत’ बनना ही बनना है…
— Yogi Adityanath (@myogiadityanath) February 15, 2023
यही सच्चाई है। pic.twitter.com/w4RO1PQAsJ
યોગી આદિત્યનાથે જમિયત-ઉલેમા-એ-હિંદના અધિવેશન દરમિયાન મહમુદ મદની અને મૌલાના અસદ મદનીના વિવાદાસ્પદ નિવેદનોને લઈને કહ્યું કે તેમના નિવેદનો ગંભીરતાથી લેવા યોગ્ય છે જ નહી, યોગીએ તેમ પણ કહ્યું કે મદની વડીલ ઉમરના છે એટલે તેઓ તેમનું સન્માન કરે છે, તે જે ભણ્યા છે તેઓ તે જ બોલશે ને.
આ દરમિયાન યોગી આદિત્યનાથે કૂવાના દેડકાની વાત પણ સંભળાવી હતી. તેમણે કહ્યું હતું કે, જેમનો ઇતિહાસ આંગળીના વેઢા પર ગણી શકાય, તેઓ પ્રાચીનકાળ અને પૌરાણિક કથાઓ વિશે જણાવે તો તે સૂર્યને દીવો બતાવવા જેવું હશે. આ પછી યોગીએ કહ્યું કે મદનીના નિવેદનને ગંભીરતાથી ન લેવું જોઈએ.
આ પહેલા મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે 27 જાન્યુઆરી 2023ના રોજ રાજસ્થાનના ભીણમલમાં ઐતિહાસિક નીલકંઠ મહાદેવ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં ભાગ લીધો હતો. આ પ્રસંગે ઉપસ્થિત જનમેદનીને સંબોધતા તેમણે કહ્યું હતું કે, સનાતન ધર્મ એ ભારતનો રાષ્ટ્રીય ધર્મ છે.