રાજધાની દિલ્હીમાં (Delhi) સતત વધી રહેલા વાયુ પ્રદૂષણને (Air Pollution) લઈને હવે સુપ્રીમ કોર્ટ (Supreme Court) સખત આદેશ આપી રહી છે. સોમવારે (18 નવેમ્બર) સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે દિલ્હી અને NCRની તમામ સ્કૂલોને (Schools) બંધ રાખવા માટેનો આદેશ (Order) આપ્યો છે. કોર્ટે કહ્યું છે કે, દિલ્હી-NCRમાં 12 ધોરણ સુધીના તમામ ફિઝિકલ ક્લાસ બંધ કરવામાં આવશે. જોકે, આદેશ પહેલાં પણ દિલ્હીની શાળાઓના તમામ વર્ગો ઓનલાઈન માધ્યમથી સંચાલિત હતા, પરંતુ 10મા અને 12મા ધોરણને શાળાએ જઈને અભ્યાસ કરવો પડતો હતો. જ્યારે હવે સુપ્રીમ કોર્ટે તેમના ક્લાસ પણ ઓનલાઈન કરવા માટેના નિર્દેશો આપ્યા છે.
સુપ્રીમ કોર્ટના જજ અભય એસ ઓકા અને જસ્ટિસ ઓગસ્ટિન જોર્જ મસીહની બેન્ચે વરિષ્ઠ વકીલ ગોપાલ શંકરનારાયણના આગ્રહ પર આ આદેશ જારી કર્યો હતો. વકીલે કોર્ટને જણાવ્યું હતું કે, ધોરણ 10 અને 12ના વિધાર્થીઓને વર્ગમાં ફિઝિકલી હાજર રહેવા માટેનું દબાણ કરવામાં આવી રહ્યું છે. ત્યારબાદ સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે, “તમામ રાજ્યો (દિલ્હી-NCR)ને 12મા ધોરણ સુધીના તમામ ફિઝિકલ ક્લાસ બંધ કરવા પર તાત્કાલિક નિર્ણય લેવો જોઈએ.”
GRAP-4ને કડકાઈથી લાગુ કરો- સુપ્રીમ કોર્ટ
સુપ્રીમ કોર્ટે ‘કમિશન ઑફ એર ક્વાલિટી મેનેજમેન્ટ’ (CAQM)ની પણ ટીકા કરી હતી. સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે, GRAP-3 અને 4ને લાગુ કરવાને લઈને ખૂબ રાહ જોવામાં આવી રહી હતી. આ સાથે જ સુપ્રીમ કોર્ટે નેશનલ કેપિટલ રિઝન (NCR)ની તમામ સરકારોને GRAPના ચોથા સ્ટેજને કડકાઈથી લાગુ કરવા માટેના નિર્દેશો પણ આપ્યા છે. આ ઉપરાંત સ્ટેજ-4 હેઠળ કરવામાં આવતા જરૂરી કાર્યોના નિરીક્ષણ માટે એક સમૂહ બનાવવાનો પણ આદેશ આપ્યો છે.
સુપ્રીમ કોર્ટે કહ્યું કે, “NCR અને દિલ્હીમાં મંજૂરી વિના કોઈપણ પ્રતિબંધ હટી શકશે નહીં. હવે પછીના આદેશ સુધી GRAP-4 લાગુ રાખવામાં આવશે. AQI 450થી નીચે પણ જતો રહે તોપણ GRAP-4 લાગુ રાખવામાં આવશે.” આ સાથે જ કોર્ટે ગુરુવાર (21 નવેમ્બર) સુધીમાં કેન્દ્ર અને રાજ્યોને અનુપાલન એફિડેવિટ ફાઇલ કરવાનો નિર્દેશ પણ આપ્યો છે.” ઉપરાંત કોર્ટે આ મામલે 22 નવેમ્બરના રોજ વધુ સુનાવણી માટે કહ્યું છે. સુનાવણીની સાથે જ કોર્ટના આદેશના અનુપાલનની પણ તપાસ કરવામાં આવશે.
સુપ્રીમ કોર્ટે કહ્યું કે, “બાદમાં અમે પોતાના આદેશના અનુપાલનની તપાસ કરીશું. રાજ્યો અને કેન્દ્રની બંધારણીય જવાબદારી છે કે, નાગરિકો પ્રદૂષણ મુક્ત વાતાવરણમાં રહે. તેથી GRAP-3 અને 4 સિવાયના તમામ જરૂરી પગલાં લેવામાં આવે, જેના કારણે સ્થિતિ પણ સામાન્ય થઈ શકે.” આ સાથે જ કોર્ટે તેવું પણ કહ્યું છે કે, અદાલત એક આદેશ જારી કરવાનો વિચાર કરી રહી છે કે, AQIમાં સુધાર થવા અને 300થી નીચે જવા પર પણ ગ્રેડેડ રિસ્પોન્સ એક્શન પ્લાનનો ચોથો સ્ટેજ (GRAP-4) લાગુ જ રહેશે.
નોંધવા જેવું છે કે, દિલ્હીમાં વાયુ પ્રદૂષણ ભયાનક સ્તરે પહોંચી ગયું છે. સોમવારે (18 નવેમ્બર) AQI 481 નોંધાયો હતો. તેને ધ્યાનમાં રાખીને રાષ્ટ્રીય રાજધાનીમાં સોમવારથી GRAP-4 લાગુ કરવામાં આવ્યો છે. રવિવારે AQI 450 પર પહોંચ્યા પછી GRAP-4 લાગુ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો, પરંતુ સોમવારે સવારે પરિસ્થિતિ વધુ વણસી ગઈ હતી અને દ્વારકા તથા નજફગઢ સહિત ઘણા સ્થળોએ AQI 500 નોંધાયો હતો.