બિહારની રાજધાની પટનામાં પોલીસ અને પાસી સમુદાયના પ્રદર્શનકારીઓ વચ્ચે ઘર્ષણ થયું હતું. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, પાસી સમુદાયના લોકો તેમની માંગણીઓને લઈને સરઘસ કાઢી રહ્યા હતા. સમાજના લોકો વિધાનસભાનો ઘેરાવ કરવા આગળ વધી રહ્યા હતા. પોલીસે વિરોધ કરી રહેલા લોકોને પટનાના જેપી ગોલામ્બર પાસે આગળ વધતા અટકાવ્યા હતા. વિરોધીઓએ બેરિકેડિંગ તોડીને આગળ વધવાનો પ્રયાસ શરૂ કર્યો હતો. આ પછી પોલીસે લાઠીચાર્જ શરૂ કર્યો હતો.
अपनी मांगों को लेकर पटना में पासी सामाज के लोगों का प्रदर्शन, पुलिस ने किया लाठीचार्ज pic.twitter.com/sxYZvmWvth
— Zee Bihar Jharkhand (@ZeeBiharNews) November 29, 2022
પટનામાં પાસી સમાજની રેલી
જો અહેવાલોનું માનીએ તો પટનામાં પોલીસ અને પાસી સમુદાયના પ્રદર્શનકારીઓ વચ્ચે ઘર્ષણ ત્યારે થયું, જયારે પાસી સમુદાયના લોકો તેમની માંગણીઓ સાથે રાજભવન તરફ કૂચ કરી રહ્યા હતા. પ્રદર્શનકારીઓ ડાક બંગલા તરફ આગળ વધવા લાગ્યા તો પોલીસે તેમને રોકવાનો પ્રયાસ કર્યો. પોલીસનો આરોપ છે કે જ્યારે તેમને રોકવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો હતો ત્યારે કેટલાક બદમાશોએ પથ્થરમારો શરૂ કર્યો હતો. જેના કારણે પોલીસે લાઠીચાર્જ કરવો પડ્યો હતો.
પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા અનુસાર, પોલીસે દેખાવકારોનો પીછો કર્યો અને માર માર્યો હતો. લાઠીચાર્જ બાદ નાસભાગ મચી ગઈ હતી. ભીડને દૂર કરવા વોટર કેનન પણ બોલાવવામાં આવી હતી. પોલીસનો દાવો છે કે 67 પોલીસ કર્મચારીઓ ઘાયલ થયા છે. કેટલાક પત્રકારોને પણ ઈજાઓ પહોંચી હોવાના અહેવાલ છે. બીજી તરફ પાસી સમાજના લોકોનો આક્ષેપ છે કે રાજ્ય સરકારની સૂચનાથી પોલીસ પાસી સમાજના લોકોને ખોટા કેસમાં ફસાવીને જેલમાં મોકલી રહી છે.
પ્રદર્શન કેમ થઈ રહ્યું છે?
અહેવાલો અનુસાર, પાસી સમુદાયના લોકો તાડી પર પ્રતિબંધનો વિરોધ કરી રહ્યા છે. આ સંદર્ભે આજે સમાજના લોકો વિધાનસભાનો ઘેરાવ કરવા નીકળ્યા હતા. પાસી સમુદાયના લોકોનું કહેવું છે કે, પાસી સમુદાય માટે રોજગારીનો મુખ્ય સ્ત્રોત તાડીનો ધંધો છે, જેના પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. જેના કારણે આ ફિરકાના લોકો બેરોજગાર બન્યા છે. બિહાર સરકાર પાસી સમાજના લોકોને લાત મારી રહી છે. પાસી સમુદાયના વિરોધ કરી રહેલા સભ્યોએ તાડી પરનો પ્રતિબંધ હટાવવાની માંગ કરી છે.