પાકિસ્તાનમાં એક ચીની નાગરિકને ઈશ નિંદાના આરોપ હેઠળ પકડી લેવામાં આવ્યો છે. પાકિસ્તાનનો ઈશ નિંદા કાયદો અત્યંત કડક છે અને તેની ટીકા યુનાઇટેડ નેશન્સ પણ કરી ચુક્યું છે. આરોપી ચીની નાગરિક પાકિસ્તાનના ખૈબર પખ્તુન્ખવા રાજ્યના કોહીસ્તાન જીલ્લામાં ચાલી રહેલા દાસુ હાયડ્રોપાવર પ્રોજેક્ટમાં એન્જીનીયર તરીકે કાર્યરત છે.
આ અનામી ચીની નાગરિક પર આરોપ છે કે રવિવારે જ્યારે સ્થાનિક મજૂરો પ્રોજેક્ટમાં કામ કરી રહ્યા હતાં ત્યારે તેણે અલ્લાહનું અપમાન કર્યું હતું. ઘટના એવી છે કે મજૂરો રમઝાન મહિનો ચાલતો હોવાને લીધે ધીરે ધીરે પોતાનું કાર્ય કરી રહ્યા હતાં. ત્યારે આ ચીની એન્જીનીયરે તેમને ટોક્યા અને વઢ્યા હતાં. પરંતુ બાદમાં વાતનું વતેસર થઇ ગયું હતું અને આ એન્જીનીયરે અલ્લાહનું અપમાન કર્યું હોવાનો આરોપ પેલા મજૂરોએ લગાવી દીધો હતો.
પ્રોજેક્ટ વિસ્તારમાં જ્યારે આ ઘટના વિષે ધીમેધીમે વાત ફેલાઈ ત્યારે અહીં કાર્યરત કર્મચારીઓ અને મજૂરોએ પેલા ચીની નાગરિકની ઓફીસની બહાર દેખાવો કરવા શરુ કરી દીધા હતાં. પરંતુ ત્યારબાદ પોલીસને જાણ થતાં તે અહીં આવી પહોંચી હતી અને તેણે પેલા ચીની એન્જીનીયરનો જીવ બચાવી લીધો હતો.
પોલીસે હાલમાં આ એન્જીનીયરને ઈશ નિંદાના આરોપ હેઠળ કસ્ટડીમાં લઇ લીધો છે અને દાસુ હાઈડ્રોપાવર પ્રોજેક્ટ સાઈટથી તેને લઇ જવામાં આવ્યો છે. પોલીસે કબુલ કર્યું છે કે અત્યંત ગંભીર પરિસ્થિતિ ઉભી થાય એ અગાઉ જ રૂરલ કોહીસ્તાન પોલીસ સ્ટેશને આ ચીની નાગરિકને લઇ જવામાં આવ્યો હતો.
જો કે બાદમાં આ ઘટનાની જાણ સ્થાનિક લોકોને પણ થઇ હતી અને તેમણે ચીન વિરુદ્ધ દેખાવો શરુ કરી દેતાં કારાકોરમ હાઈવેને બ્લોક કરી દીધો હતો. આ હાઈવે ચીન અને પાકિસ્તાનની સરહદ પર બનેલો છે. બાદમાં આ દેખાવકારોને વિખેરવા માટે પોલીસે હવામાં કેટલાક રાઉન્ડ ફાયરીંગ પણ કર્યું હતું. પાકિસ્તાનમાં એક ચીની નાગરિકને તકલીફ પડી હોય એવી આ પ્રથમ ઘટના નથી. અગાઉ ચીની નાગરિકો જે પ્રોજેક્ટ પર કાર્યરત હતાં તેમને લઇ જતી એક બસને પણ પાકિસ્તાનના કરાચીમાં એક મહિલા દ્વારા ઉડાવી દેવામાં આવી હતી.
આ ઉપરાંત આ જ મહિનાની શરૂઆતમાં આ જ દાસુ હાઈડ્રોપાવર પ્રોજેક્ટની સાઈટ પર શોર્ટ સર્કિટને લીધે ભયંકર આગ ફાટી નીકળી હતી. આ આગ એટલી તો ભયંકર હતી કે તેણે અહીં રહેતાં ચીની કર્મચારીઓના નિવાસસ્થાનોને પણ પોતાની લપેટમાં લઇ લીધાં હતાં.