સોશિયલ મીડિયા ઉપર ચીનના કેટલાક વિડીયો ઝડપથી વાયરલ થઇ રહ્યા છે. જેમાં દેખાય છે કે શહેરના રસ્તા પર મોટી સંખ્યામાં ટેન્ક ઉતારવામાં આવી છે. વિડીયો-તસ્વીરોમાં મોટી સંખ્યામાં કતારબંધ ઉભેલી ટેન્ક નજરે પડે છે. આ વિડીયો ચીનમાં સ્થિત શેડોન્ગ પ્રાંતનો હોવાનું કહેવાય છે.
આ ટેન્ક એક બેન્કની સ્થાનિક શાખાને બચાવવા માટે તહેનાત કરવામાં આવી છે. બેંકે લોકોને ખાતામાંથી પૈસા ઉપાડવા ઉપર રોક લગાવી દીધી છે અને એટલા માટે લોકોને બેન્કમાં ઘૂસતા રોકવા માટે આ ટેન્ક મૂકી દેવામાં આવી છે. લોકો પોતાની બચત ઉપાડવાની માંગ સાથે પ્રદર્શન કરી રહ્યા છે, જ્યારે બીજી તરફ ચીન સરકારે આ ટેન્કનો કાફલો ખડકી દીધો છે, જેથી લોકો બેન્કમાં પ્રવેશી ન શકે.
🚨🚨🚨🚨Breaking news🚨🚨🚨🚨
— Wall Street Silver (@WallStreetSilv) July 20, 2022
Tanks are being put on the streets in China to protect the banks.
This is because the Henan branch of the Bank of China declaring that people’s savings in their branch are now ‘investment products’ and can’t be withdrawn.
🔊sound pic.twitter.com/cwTPjGz84K
એક રિપોર્ટ અનુસાર, ચીનમાં લગભગ 4 લાખ ગ્રાહકોના પૈસા ફસાયેલા છે. જેના કારણે લોકો ઉગ્ર પ્રદર્શન પણ કરી રહ્યા છે. સંકટમાં ફસાયેલી મોટાભાગની બેન્ક ગ્રામ્ય વિસ્તારોની હોવાનું જાણવા મળ્યું છે. હેનાન પ્રાંતની ચાર બેંકોએ કેશ ઉપાડવા પર પ્રતિબંધ મૂકી દીધો છે. એટલું જ નહીં, પરંતુ બેન્કની વેબસાઈટ પણ કામ કરી રહી નથી અને લોકો ઓનલાઇન બેન્કિંગની સુવિધાઓનો ઉપયોગ પણ કરી શકવા સક્ષમ નથી.
ગત 10 જુલાઈના રોજ હેનાન પ્રાંતમાં ઝેન્ગઝૉ શહેરની પિપલ્સ બેન્ક ઑફ ચાઈનાની બહાર હજારો લોકોએ એકઠા થઈને પ્રદર્શન કર્યું હતું અને પોતાના પૈસા પરત આપવાની માંગ કરી હતી. એક વિડીયો પણ વાયરલ થયો હતો, જેમાં કેટલાક લોકો પ્રદર્શનકારીઓને માર મારતા અને ઘસડીને લઇ જતા જોવા મળ્યા હતા. જે બાદ હવે લોકો બેકાબૂ થવાના ડરે ચીનમાં રસ્તા પર ટેન્ક ઉતારી દેવામાં આવી છે.
એક રિપોર્ટ અનુસાર, ચીનના ગ્રામ્ય વિસ્તારોની કેટલીક બેન્કે પોતાના ગ્રાહકોને ઊંચા દરના વ્યાજનો વાયદો આપ્યો હતો, જેના કારણે લોકોએ મોટી સંખ્યામાં પોતાની બચત રોકી દીધી હતી. બીજી તરફ, ચીનમાં રિયલ એસ્ટેટ સંકટના કારણે પરિસ્થિતિ બગડી અને બેન્ક દ્વારા આપવામાં આવેલ લૉનની રકમ પણ ફસાઈ ગઈ. જેના કારણે બેન્કો પાસે રોકડની અછત છે.
જોકે, લોકોના વિરોધ પ્રદર્શન બાદ રાષ્ટ્રીય બેન્કિંગ નિયામકે જણાવ્યું હતું કે હેનાન અને અન્ય પ્રાંતોની પાંચ ગ્રામ્ય બેન્કના ગ્રાહકોની રકમ એપ્રિલથી જમા કરવામાં આવી હતી તેમને પરત આપવામાં આવશે. જે હેઠળ 50 હજાર યુઆન સુધીની જમા રકમવાળા ગ્રાહકોને 15 જુલાઈથી પૈસા પરત ચૂકવવામાં આવશે. જ્યારે અન્ય ગ્રાહકોને પૈસા ચૂકવવાની વ્યવસ્થા ત્યારબાદ કરવામાં આવશે. પરંતુ 15 જુલાઈ પછી પણ બહુ ઓછા લોકોને પૈસા મળ્યા છે.
આ કૌભાંડનો પર્દાફાશ ગત એપ્રિલમાં થયો હતો. જ્યારે ચીનની ચાર ગ્રામીણ બેન્કોના ગ્રાહકોને રોકડ ઉપાડવા પર રોક લાગી ગઈ હતી. તેમને બેંકની સિસ્ટમમાં ખામી હોવાનું કહેવામાં આવ્યું હતું. જે બાદ અન્ય કેટલીક બેન્કમાં પણ આવી જ સમસ્યાઓ આવી હતી. જોકે, ચીનના અધિકારીઓએ આ મામલે તપાસનો આદેશ આપ્યા બાદ ચાર મહિને પણ સમસ્યાનું સમાધાન થઇ શક્યું નથી.
તપાસમાં સામે આવ્યું હતું કે, બેન્કોએ લોકો પાસેથી પૈસા લઈને ઓનલાઇન પ્લેટફોર્મ દ્વારા પૈસાનું રોકાણ કર્યું હતું અને આ કૌભાંડ 2011 થી ચાલતું હતું. તેમજ વધુ ગ્રાહકો આકર્ષવા માટે બેન્ક સામાન્ય કરતાં વધુ વ્યાજ આપવાનું વચન આપતી હતી. આ બાબતો સામે આવ્યા બાદ વિરોધ પ્રદર્શન પણ થયાં હતાં.