ગુરૂવારે (8 જૂન, 2023) ફ્રાન્સના એનેસી શહેરમાં નાનાં બાળકો પર ચાકુ વડે હુમલો કરવામાં આવ્યો હતો. આ હુમલામાં 4 બાળકોને ઇજા પહોંચી છે અને બેની હાલત ગંભીર છે. આ તમામ 3-4 વર્ષની ઉંમરનાં છે અને તેઓ પાર્કમાં રમતાં હતાં ત્યારે અચાનક હુમલો કરી દેવાયો હતો. હુમલાખોર સીરિયન શરણાર્થી હોવાનું જાણવા મળ્યું છે.
ગુરૂવારે સવારે બાળકો પાર્કમાં રમી રહ્યાં હતાં ત્યારે અચાનક તેમની ઉપર હુમલો કરી દેવામાં આવ્યો હતો. નજરે જોનારાઓએ મીડિયાને જણાવ્યું હતું કે, હુમલાખોર અચાનક કૂદી આવ્યો હતો પછી તેણે બૂમો પાડવાનું શરૂ કર્યું અને ત્યારબાદ નાના બાળકો તરફ જઈને એક પછી એક ચાકુ મારવાનું શરૂ કરી દીધું હતું. ત્યાંથી ભાગે તે પહેલાં તેણે એક વૃદ્ધ વ્યક્તિ પર પણ ચાકુથી હુમલો કરી દીધો હતો.
આ હુમલામાં કુલ 6 વ્યક્તિઓને ઇજા પહોંચી હતી, જેમાંથી 4 બાળકો છે. તેમાંથી 2 ની સ્થિતિ હાલ ગંભીર છે તો વયસ્ક વ્યક્તિને પણ ગંભીર ઇજા પહોંચી છે. તમામ હાલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. રિપોર્ટ્સ અનુસાર, એક બાળક તો પુશચેરમાં જ હતું અને તેની ઉપર પણ હુમલો કરવામાં આવ્યો હતો.
#Breaking: Update – Video footage reportedly taken minutes after the terror stabbing attack in #Annecy, #France, showing you the Syrian suspect running away after being chased by locals, while people scream for help in the background for the children that had been stabbed. pic.twitter.com/WufuLkgMkf
— Sotiri Dimpinoudis (@sotiridi) June 8, 2023
હુમલા બાદ હુમલાખોર ઈસમ ભાગી છૂટ્યો હતો, ત્યારબાદ પોલીસે પગમાં ગોળી મારીને તેને પકડી લીધો હતો. તેની ધરપકડ કરી લેવામાં આવી હતી અને હાલ તે પોલીસ કસ્ટડીમાં છે. રિપોર્ટ્સ અનુસાર, હુમલાખોરે પોલીસને જણાવ્યું હતું કે તે સીરિયન શરણાર્થી છે. જોકે આ લખાય રહ્યું છે ત્યાં સુધીમાં તેની ઓળખ બહાર આવી શકી નથી તો એ પણ સામે નથી આવ્યું કે તેણે આ હુમલાને અંજામ શા માટે આપ્યો હતો.
ફ્રાન્સમાં બાળકો પર હુમલો થવાની આ ઘટનાને લઈને ત્યાંના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોંએ ટ્વિટ કર્યું હતું અને તેને કાયરતાપૂર્ણ ગણાવ્યો હતો. તેમણે લખ્યું કે, ‘હુમલામાં ઘાયલ થયેલાં બાળકો અને વયસ્કો જીવન-મરણ વચ્ચે સંઘર્ષ કરી રહ્યાં છે. અમારી સંવેદનાઓ તેમની સાથે છે. દેશ આઘાતમાં છે.’
Attaque d’une lâcheté absolue ce matin dans un parc à Annecy. Des enfants et un adulte sont entre la vie et la mort. La Nation est sous le choc. Nos pensées les accompagnent ainsi que leurs familles et les secours mobilisés.
— Emmanuel Macron (@EmmanuelMacron) June 8, 2023
ઘટના બાદ ફ્રાન્સની સંસદમાં એક મિનિટનું મૌન પાળવામાં આવ્યું હતું. બીજી તરફ, સંસદના સ્પીકરે ટ્વિટ કરીને આ ઘટનાને વખોડી છે અને કહ્યું છે કે બાળકો પર હુમલાથી ઘૃણાસ્પદ કંઈ ન હોય શકે.