ભારતીય ટ્રાઇબલ પાર્ટી (BTP)માં પિતા-પુત્ર છોટુ વસાવા અને મહેશ વસાવા વચ્ચેના વિખવાદે હવે ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું છે. પાર્ટીમાંથી હાકલપટ્ટી બાદ છોટુ વસાવા અને તેમના પુત્રોએ સામસામે ઉમેદવારી નોંધાવતાંની સાથે જ ઝઘડિયા બેઠકનો ઝઘડો હવે સીમાઓ ઓળંગી ચૂક્યો છે. અગામી ચૂંટણીમાં છોટુ વસાવાનો પરિવાર સામસામે ચૂંટણી લડતાં ઝઘડિયા બેઠક પર ત્રિકોણીય જંગ ખેલાશે.
અહેવાલો અનુસાર આગામી ચૂંટણી માટે ઉમેદવારી પત્ર ભરવા માટે 14મી નવેમ્બરે છેલ્લો દિવસ હતો, ત્યારે ઝઘડિયા બેઠક પર છોટુભાઈ વસાવા અને એમના પુત્રોએ સામસામે ઉમેદવારી નોંધાવી છે. છોટુ વસાવાએ અને એમના નાના પુત્ર દિલીપ વસાવાએ અપક્ષ જ્યારે ડેડિયાપાડાના ધારાસભ્ય મહેશ વસાવાએ BTPમાંથી ઉમેદવારી નોંધાવતા છોટુ વસાવાનો પરિવાર સામસામે ચૂંટણીનો જંગ ખેલશે.
ઝઘડિયા બેઠક પર પિતા છોટુ વસાવા અને પુત્ર મહેશ વસાવા વચ્ચે સીધો ચૂંટણી જંગ#Gujarat #GujaratElections2022 #GujaratElections pic.twitter.com/5ydbKgd5bD
— Zee 24 Kalak (@Zee24Kalak) November 14, 2022
આ દરમિયાન વસાવા પરિવાર એવું ચકડોળે ચડ્યું છે કે મહેશ વસાવાએ ઝઘડિયા બેઠક પરથી ઉમેદવારી નોંધાવવાની જાહેરાત કર્યા બાદ છોટુ વસાવાએ એ જ બેઠક પરથી અપક્ષ ચૂંટણી લડવાની જાહેરાત કરી છે. બીજી તરફ, છોટુ વસાવાના બીજા પુત્ર દિલીપ વસાવાએ પણ પાર્ટીમાંથી રાજીનામું આપ્યું છે.
દિલીપ વસાવા છોટુ વસાવાના નાના પુત્ર છે. આમ મહેશ વસાવા, પિતા છોટુ વસાવા અને દિલીપ વસાવા એકબીજા સામે જ મેદાને પડ્યા છે. સીટ મેળવવાની લ્હાયમાં પિતા-પુત્ર અને ભાઈનો સંબંધ હાલ તો સાવ ભુલાઈ ગયેલો જોવા મળી રહ્યો છે.
અપક્ષ ચૂંટણી લડશે છોટુ વસાવા
મળતી માહિતી મુજબ છોટુ વસાવા ઝઘડિયા બેઠક ઉપરથી શક્તિ પ્રદર્શન કરી રેલી સ્વરૂપે પોતાની ઉમેદવારી નોંધાવી હતી. જયારે વસાવાના નાના પુત્ર દિલીપ વસાવાએ જણાવ્યું હતું કે અહીંયા છોટુભાઇ વસાવા સિવાય કોઈ બીજું ચાલશે નહીં, પણ બીજી તરફ તેમણે પણ ઝઘડિયાથી ઉમેદવારી નોંધાવી હતી. જોકે, બની શકે અગામી સમયમાં તેઓ પોતાની ઉમેદવારી પછી ખેંચી લે. તો બીજી તરફ છોટુ વસાવાએ જણાવ્યું હતું કે “મેં કોઈ પેહલી વાર અપક્ષ ફોર્મ ભર્યું નથી, અગાઉ પણ અપક્ષ ફોર્મ ભર્યું હતું અને જીત્યો હતો. આ વખતે પણ હું જ જીતીશ. હું જ્યાં ફોર્મ ભરું ત્યાં પાર્ટી બની જાય છે.”
ઝગડિયા બેઠક પર વસાવા v/s વસાવા
— News18Gujarati (@News18Guj) November 14, 2022
છોટુ વસાવાએ અપક્ષ ઉમેદવારી નોંધાવી
પિતા પુત્ર સામસામે આવતાં પરિવારમાં વિવાદ #Bharuch #Zagadia #ChhotuVasava #GujaratElections2022 #ElectionWithNews18 pic.twitter.com/JgnLONmmMJ
ઉલ્લેખનીય છે કે આ પછી મહેશ વસાવાએ જણાવ્યું હતું કે કોણ અપક્ષમાં ફોર્મ ભરી ગયું એની સાથે મારે કોઈ લેવાદેવા નથી, લોકશાહીમાં બધાને ફોર્મ ભરવાનો અધિકાર છે. મેં જીતવા માટે ફોર્મ ભર્યું છે, અને ચોક્કસ હું જ જીતીશ. હવે જોવાનું એ છે કે એક જ બેઠક પર સામ સામે મોરચા માંડતા વસાવા પરિવારમાંથી ઝઘડાનું મૂળ એવી ઝઘડિયા સીટ પર કોણ બાજી મારી જશે, બાકી વર્તમાન સમયમાં તો તમામ લોકોની નજર આ બેઠક પર ખેલાનાર ત્રિકોણીય જંગ પર રહેશે.