છત્તીસગઢમાં એક સરકારી અધિકારી રજાઓ માણવા ગયા હતા. ત્યાં એક ડેમ પાસે સેલ્ફી લેતી વખતે મોંઘો સ્માર્ટફોન પાણીમાં પડી ગયો. લાખો લિટર પાણી ભરેલા જળાશયમાં ફોન શોધવો મુશ્કેલ હતો. તો અધિકારીએ ડેમનું 21 લાખ લિટર પાણી ખેંચી કઢાવ્યું! આખરે તેમનો ફોન તો મળી આવ્યો, પણ પાણીમાં રહેવાના કારણે ચાલી રહ્યો નથી. બીજી તરફ, ડેમમાં પડેલો મોબાઈલ શોધવા અધિકારીએ કરેલું આ કારનામું સામે આવતાં તેમને ફરજ પરથી બરતરફ કરવામાં આવ્યા છે.
હકીકતે છત્તીસગઠના કાંકેર જિલ્લાના કોઈલીબેડા બ્લોકમાં ફૂડ ઇન્સ્પેક્ટર તરીકે ફરજ બજાવતા રાજેશ વિશ્વાસ ખેરકટ્ટા ડેમ પર રજાઓ માણવા ગયા હતા, જ્યાં તેમનો રૂ. 1 લાખની કિંમતનો સ્માર્ટફોન પડી ગયો હતો. 15 ફૂટ ઊંડા પાણીમાં ગરકાવ થયેલા ફોનને સ્થાનિકોએ પણ શોધવાનો પ્રયાસ કર્યો, પરંતુ તેમને સફળતા ન મળી. એ પછી અધિકારીએ ડેમમાં પડેલો મોબાઈલ શોધવા પંપ સર્વિસની મદદથી બે 30 એચપીના ડિઝલ પંપ સતત ત્રણ દિવસ સુધી ચલાવ્યા અને 21 લાખ લિટર પાણી ખાલી કરી દેવડાવ્યું. મોંઘો મોબાઈલ કોઇપણ કિંમતે શોધવા માટે તલપાપડ બનેલા અધિકારીએ દોઢ હજાર એકરમાં સિંચાઇ થઈ શકે એટલું પાણી વેડફી નાખ્યું હતું.
Watch | A food inspector posted in #Chhattisgarh Kanker district was suspended after he drained out around 21 lakh litres of water from a reservoir next to a dam to fish out his recently-bought Samsung phone. pic.twitter.com/jXWzwfGSI3
— The Indian Express (@IndianExpress) May 26, 2023
અહેવાલ અનુસાર, સોમવારે સાંજે પંપ દ્વારા પાણી કાઢવાનું કામ શરૂ થયું હતું અને તે છેક ગુરુવાર સુધી ચાલ્યું. આ અંગેની ફરિયાદ મળતાં સિંચાઈ અને જળ સંસાધન વિભાગના એક અધિકારી ઘટનાસ્થળે પહોંચ્યા હતા અને કામગીરી બંધ કરાવી હતી. જોકે, ત્યાં સુધીમાં તો પાણીનું સ્તર છ ફૂટ નીચે આવી ગયું હતું અને અંદાજે 21 લાખ લિટર પાણી બહાર નીકળી ગયું હતું. ઉનાળા દરમિયાન પણ આ વિસ્તારમાં 10 ફૂટ જેટલું પાણી હોય છે અને પ્રાણીઓ તેમાંથી પાણી પીવે છે.
ચાર દિવસની માથાકૂટ અને લાખો લિટરના પાણીનો વેડફાટ કર્યા બાદ આખરે અધિકારીને તેમનો ફોન તો મળી ગયો પરંતુ આટલા દિવસ પાણીમાં ડૂબેલો રહેવાના કારણે હવે ચાલી રહ્યો નથી. ઉપરથી તેમણે સસ્પેન્ડ થવાનો વખત આવ્યો છે.
મેં અધિકારીને પૂછીને કામ કર્યું હતું: સસ્પેન્ડેડ અધિકારી
અધિકારી રાજેશ વિશ્વાસે આ બનાવને લઈને કહ્યું કે, “હું રવિવારે મિત્રો સાથે ડેમ પર ગયો હતો. અહીં મારો ફોન ઓવરફ્લો ટેન્કરમાં પડી ગયો, જેનું પાણી ઉપયોગમાં લેવાતું નથી. જે 10 ફૂટ ઊંડું હતું. સ્થાનિકોએ ફોન શોધવાના પ્રયાસ કર્યા પણ સફળતા ન મળી. તેમણે મને કહ્યું કે, જો પાણી 2-3 ફિટ જેટલું જ ઊંડું હોત તો તેમણે ફોન શોધી કાઢ્યો હતો. ત્યારબાદ મેં SDOને ફોન કર્યો અને જો કોઈ વાંધો ન હોય તો થોડું પાણી ખાલી કરવાની પરવાનગી માંગી હતી. તેમણે કહ્યું કે, 3-4 ફિટ પાણી ખેંચી કઢાય તો કોઈ વાંધો નથી. ત્યારબાદ મેં સ્થાનિકોની મદદથી 3 ફિટ જેટલું પાણી કાઢ્યું અને ફોન શોધી કાઢ્યો હતો.”
બીજી તરફ, વોટર રિસોર્સ ડિપાર્ટમેન્ટના અધિકારીનું કહેવું છે કે તેમણે પાંચ ફિટ સુધી પાણી કાઢવા માટે પરવાનગી આપી હતી પરંતુ તેનાથી પણ વધુ પાણી કાઢી લેવામાં આવ્યું.
કલેક્ટરે ફૂડ ઇન્સ્પેક્ટરને કર્યા સસ્પેન્ડ, SDOને નોટિસ
ફૂડ ઇન્સ્પેક્ટરની બાબુશાહી સામે આવ્યા બાદ કાંકેરના કલેક્ટર ડૉ. પ્રિયંકા શુક્લાએ પરાલકોટ જળાશયના વેસ્ટ વેઅરમાંથી 41104 ઘન મીટર પાણીનો બગાડ કરવા બદલ ફૂડ ઇન્સ્પેક્ટરને સસ્પેન્ડ કરી દીધા છે. આ સાથે જ ફૂડ ઈન્સ્પેક્ટરને મૌખિક પરવાનગી આપવા માટે જળ સંસાધન વિભાગના SDOને શો કૉઝ નોટિસ પણ આપવામાં આવી છે. SDO પાસેથી 24 કલાકમાં જવાબ માગવામાં આવ્યો છે.
આ ઘટનાને લઈને ભાજપના નેતાઓએ છત્તીસગઢના મુખ્યમંત્રી ભૂપેશ બઘેલ પર પણ નિશાન સાધ્યું છે. છત્તીસગઢના પૂર્વ મુખ્યમંત્રી અને ભાજપના નેતા રમણ સિંહે ભૂપેશ બઘેલની આગેવાની હેઠળની કોંગ્રેસ સરકારની ટીકા કરતાં કહ્યું કે અધિકારીઓ ‘સરમુખત્યારશાહી’વાળી રાજ્ય સરકાર હેઠળ પ્રદેશને તેમની પૂર્વજોની મિલકત ગણે છે.