છત્તીસગઢમાં એક કોંગ્રેસ નેતા સહિત છ લોકો પર સગીર બાળકી સાથે બળાત્કારનો આરોપ લાગ્યો છે. તેની ઓળખ શાહનવાઝ તરીકે થઇ છે. પીડિતાએ ફરિયાદ નોંધાવ્યા બાદ સ્થાનિક પોલીસે કાર્યવાહી કરી શાહનવાઝ અને અન્ય બે આરોપીઓની ધરપકડ કરી લીધી હતી.
આ ઘટના છત્તીસગઢના મનેન્દ્રગઢના ચિરમીરી કસ્બાની હોવાનું અહેવાલોમાં જણાવાયું છે. પીડિતાનો આરોપ છે કે યુથ કોંગ્રેસના જિલ્લા અધ્યક્ષ શાહનવાઝ સહિત ત્રણ લોકોએ તેને એક હોટેલમાં લઇ જઈને સામૂહિક દુષ્કર્મ આચર્યું હતું.
રિપોર્ટ અનુસાર, પીડિતાની ઉંમર 16 વર્ષની છે. ચાર મહિના પહેલાં શાહનવાઝ અને અન્ય આરોપીઓ તેને એક હોટેલમાં લઇ ગયા હતા અને જ્યાં તમામે તેની સાથે દુષ્કર્મ આચર્યું હતું. જોકે, ત્યારે ડરના કારણે સગીર પીડિતાને પોલીસમાં ફરિયાદ નોંધાવી ન હતી.
ત્યારબાદ તાજેતરમાં જ પીડિતા તેની માતા સાથે ચિરમીરી પોલીસ મથકે ગઈ હતી અને કોંગ્રેસ નેતા સહિતના આરોપીઓ સામે ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદમાં તેણે છત્તીસગઢના બિલાસપુરની એક હોટેલમાં તેની સાથે આ ઘટના બની હોવાનું જણાવ્યું હતું.
છમાંથી 4 આરોપીઓ પકડાયા, 2 હજુ પણ ફરાર
પીડિતાની ફરિયાદના આધારે પોલીસે આરોપીઓ સામે ભારતીય દંડ સંહિતાની કલમ 363 (અપહરણ), 366A (સગીર બાળકી સાથે દુર્વ્યવહાર) 376D (ગેંગરેપ) અને પોક્સો એક્ટની કલમો હેઠળ કેસ દાખલ કર્યો હતો.
કેસ દાખલ કર્યા બાદ કાર્યવાહી કરીને પોલીસે કુલ 6 પૈકીના ચાર આરોપીઓની ધરપકડ કરી લીધી હતી. જેમાં કોંગ્રેસ નેતા શાહનવાઝનો પણ સમાવેશ થાય છે. જ્યારે હજુ પણ બે આરોપીઓ ફરાર હોવાનું કહેવાય છે, જેમની શોધખોળ હાલ ચાલી રહી છે.
અગાઉ રાજ્યના અન્ય એક કોંગ્રેસ નેતા પર પણ લાગ્યો હતો બળાત્કારનો આરોપ, થઇ હતી ધરપકડ
ઉલ્લેખનીય છે કે આ પહેલાં છત્તીસગઢના રાજનંદગાંવ જિલ્લાના ચીખલીમાં ગત 25 માર્ચના રોજ શહેર કોંગ્રેસ સમિતિ સચિવ વિકાસ ગજભિયે સામે પાડોશમાં રહેતી એક પરણિત મહિલાએ બળાત્કારનો આરોપ લગાવ્યો હતો. ફરિયાદમાં મહિલાએ કોંગ્રેસ નેતા પર આરોપ લગાવતાં કહ્યું હતું કે, તેણે તેના પતિને જાનથી મારી નાંખવાની ધમકી પણ આપી હતી. પીડીતાએ ફરિયાદ નોંધાવ્યા બાદ સ્થાનિક પોલીસે કાર્યવાહી કરી રેપ કેસના આરોપી કોંગ્રેસ નેતાની ધરપકડ કરી લીધી હતી.