ICICI બેન્કના પૂર્વ મેનેજિંગ ડાયરેક્ટર અને CEO ચંદા કોચર અને તેમના પતિ દિપક કોચરને બૉમ્બે હાઇકોર્ટે જામીન આપ્યા છે. હાઇકોર્ટે નોંધ્યું કે બંનેની ધરપકડ કાયદાનુસાર થઇ ન હતી અને તેમને મુક્ત કરવામાં આવે.
ICICI bank-Videocon loan fraud case | Bombay High Court allows release of former ICICI CEO Chanda Kochhar and Deepak Kochhar from judicial custody after CBI arrest.
— ANI (@ANI) January 9, 2023
“Arrest not in accordance with the law,” the Court observes. pic.twitter.com/t7luYN5Fsr
ચંદા કોચર અને દિપક કોચરની ગત 23 ડિસેમ્બરના રોજ CBIએ ધરપકડ કરી લીધી હતી. ત્યારબાદ વીડિયોકોન ગ્રુપના સંસ્થાપક વેણુગોપાલ ધૂતને પણ 26 ડિસેમ્બરના રોજ પકડવામાં આવ્યા હતા. ત્રણેયને કોર્ટમાં રજૂ કરવામાં આવતાં 14 દિવસ માટે જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી આપવામાં આવ્યાં હતાં.
ધરપકડ બાદ ચંદા કોચર અને તેમના પતિએ તેને ગેરકાયદેસર ગણાવીને બૉમ્બે હાઇકોર્ટનો દરવાજો ખખડાવ્યો હતો. હાઇકોર્ટે આ મામલે આજે સુનાવણી હાથ ધરી હતી. કોર્ટે કહ્યું કે, તથ્યોને જોતાં લાગે છે કે અરજદારો (કોચર દંપતી)ની ધરપકડ કાયદાની જોગવાઈઓ અનુસાર થઇ ન હતી અને કલમ 41(A)નું પાલન કરવામાં આવ્યું ન હતું. જેથી કોર્ટ તેમની મુક્તિનો આદેશ આપે છે. બે જજની બેન્ચે આ સુનાવણી હાથ ધરી હતી.
કોચર દંપતીની ધરપકડ વિડિયોકોન જૂથને કંપનીઓને બેન્ક દ્વારા આપવામાં આવેલ લૉનમાં કથિત છેતરપિંડી અને અનિયમિતતાઓ મામલે કરવામાં આવી હતી.
ચંદા કોચર અને તેમના પતિ ઉપર આરોપ છે કે જ્યારે ચંદા ICICI બેન્કની કમાન સંભાળી રહ્યાં હતાં ત્યારે તેમણે વિડીયોકોન ગ્રુપને લૉન આપી હતી. બદલામાં ચંદાના પતિ દિપક કોચરની કંપની ન્યૂ રિન્યુએબલને વિડીયોકોન પાસેથી રોકાણ મળ્યું હતું. 2012માં ICICI બેંકે વિડીયોકોન ગ્રુપને 3,250 કરોડની લોન આપી હતી અને છ મહિના બાદ વેણુગોપાલ ધૂતની માલિકીની મેસર્સ સુપ્રીમ એનર્જીએ મેસર્સ ન્યૂ પાવર રિન્યુએબ્લ્સને 64 કરોડ રૂપિયાની લૉન આપી હતી, જેમાં દિપક કોચરની ભાગીદારી 50 ટકા જેટલી છે.
CBIને ટાંકીને મીડિયા અહેવાલોમાં જણાવવામાં આવ્યું છે કે 2012માં આપવામાં આવેલ 3,250 કરોડની લોનમાંથી 2,810 કરોડ રૂપિયા (એટલે કે લગભગ 86 ટકા) પરત ચૂકવવામાં આવ્યા ન હતા. ત્યારબાદ વર્ષ 2017માં વિડિયોકોન અને જૂથની અન્ય કંપનીઓનાં અકાઉન્ટ્સને NPA જાહેર કરવામાં આવ્યાં હતાં. જેના કારણે બેન્કને નુકસાન ગયું હતું.
આ મામલાની તપાસ 2016માં શરૂ થઇ હતી જ્યારે વિડિયોકોન અને ICICI બેન્કના એક રોકાણકાર અરવિંદ ગુપ્તાએ લોન અનિયમિતતાઓ વિશે ફરિયાદ કરી હતી. જોકે, ત્યારે તેમની ફરિયાદ ઉપર કોઈ ધ્યાન ન અપાયું અને 2018માં અન્ય એક ફરિયાદ પહોંચી હતી. ત્યારબાદ એજન્સીઓનું ધ્યાન ગયું અને જાન્યુઆરી 2019માં CBIએ FIR દાખલ કરીને તપાસ શરૂ કરી હતી.