સોમવારે (6 માર્ચ, 2023) સવારે CBIની એક ટીમ બિહારનાં પૂર્વ મુખ્યમંત્રી અને આરજેડી સુપ્રીમો લાલુ યાદવનાં પત્ની રાબડી દેવીના નિવાસસ્થાને પહોંચી હતી. આ કાર્યવાહી જમીન બદલે નોકરીના કૌભાંડ મામલે કરવામાં આવી રહી છે.
સવારે લગભગ 9:30 વાગ્યે CBIની ટીમ રાબડી દેવીના પટના સ્થિત નિવાસસ્થાને પહોંચી હતી અને લગભગ પાંચ કલાક સુધી તપાસ અને પૂછપરછ કરી હતી. જોકે, એજન્સીનું કહેવું છે કે આ કાર્યવાહી રાબડી દેવીની અનુમતિ બાદ જ હાથ ધરવામાં આવી છે.
મીડિયા રિપોર્ટમાં એજન્સીના સૂત્રોને ટાંકીને જણાવવામાં આવ્યું કે થોડા દિવસો પહેલાં CBIએ તેમને સમન્સ પાઠવ્યું હતું અને તેમણે પોતે જ પૂછપરછ માટેની તારીખ અને સ્થળ નક્કી કર્યાં હતાં. એવું નથી કે CBIની ટીમ બળજબરીથી તેમના ઘરમાં ઘૂસી ગઈ હોય.
ઉલ્લેખનીય છે કે ગત 27 ફેબ્રુઆરીએ દિલ્હીની કોર્ટે રાબડી દેવી અને લાલુ પ્રસાદ યાદવને સમન્સ પાઠવ્યા હતા અને 15 માર્ચના રોજ હાજર રહેવા માટે કહ્યું હતું. ઉપરાંત, CBIએ નોટિસ પણ પાઠવી હતી અને પહેલાં પૂછપરછ CBI ઓફિસે થનાર હતી પરંતુ પછીથી ટીમ જ રાબડી દેવીના નિવાસસ્થાને પહોંચી ગઈ હતી.
શું છે જમીનને બદલે નોકરી આપવાનું આ કૌભાંડ?
આ કાર્યવાહી જમીનને બદલે નોકરી આપવાના કૌભાંડને લઈને કરવામાં આવી રહી છે. કૌભાંડ 2004થી 2009 વચ્ચે આચરવામાં આવ્યું હોવાનું જણાવવામાં આવ્યું છે. ત્યારે લાલુ યાદવ રેલવે મંત્રી હતા. એજન્સીનો આરોપ છે કે લાલુ યાદવના પરિજનોના નામ પર પ્લોટ્સ રજિસ્ટર કરવામાં આવ્યા હતા અને જમીનની મામૂલી કિંમત ચૂકવવામાં આવી હતી. બીજી તરફ, રેલવેમાં જે પદો ઉપર ભરતી થઇ હતી તેમાં ન કોઈ જાહેરાત અપાઈ હતી કે ન સેન્ટ્રલ રેલવેને કોઈ જાણકારી આપવામાં આવી હતી. અરજી અપાયાના 3 દિવસમાં જ નોકરીઓ આપી દેવામાં આવી હતી.
આ મામલે સીબીઆઈએ સપ્ટેમ્બર 2021માં તપાસ શરૂ કરી હતી. ગત વર્ષે મે મહિનામાં એજન્સીએ ભ્રષ્ટાચાર વિરોધી કાયદા અને આઇપીસીની કલમ 120B હેઠળ FIR દાખલ કરી હતી. જેમાં લાલુ યાદવ સહિત કુલ 14 વ્યક્તિઓને આરોપી બનાવવામાં આવ્યા હતા. ત્યારબાદ ઓક્ટોબર મહિનામાં ચાર્જશીટ દાખલ થઇ હતી. પરંતુ પછીથી કેન્દ્રની મંજૂરી મેળવવાની બાકી હોઈ કોર્ટે તેની ઉપર સંજ્ઞાન લીધું ન હતું. ગત 13 જાન્યુઆરીએ કેન્દ્ર સરકારે CBIને કેસ ચલાવવાની પરવાનગી આપી હતી.