બિહારના પૂર્વ મુખ્યમંત્રી અને આરજેડી સુપ્રીમો લાલુ પ્રસાદ યાદવની મુશ્કેલીઓ ફરી વધી છે. તેમની સામે જમીનને બદલે નોકરી આપવાના એક કૌભાંડનો આરોપ લાગ્યો હતો, જે કેસમાં હવે CBIને કેસ ચલાવવા અને આગળની કાર્યવાહી કરવા માટે ગ્રીન સિગ્નલ મળી ગયું છે.
In the land for job scam, CBI gets prosecution sanction against RJD chief Lalu Prasad Yadav.
— ANI (@ANI) January 13, 2023
(File photo) pic.twitter.com/qlb50WGysd
કેન્દ્ર સરકારે શુક્રવારે (13 જાન્યુઆરી 2023) સીબીઆઈને લાલુ પ્રસાદ યાદવ સામે કેસ ચલાવવા માટે મંજૂરી આપી હતી. ત્યારબાદ એજન્સીએ સ્પેશિયલ કોર્ટ સમક્ષ રજૂઆત કરી હતી. રિપોર્ટ અનુસાર, એજન્સી દ્વારા સ્પેશિયલ કોર્ટમાં દાખલ કરવામાં આવેલ ચાર્જશીટનું સંજ્ઞાન લેવા પહેલાં પ્રશાસન તરફથી કેસ ચલાવવા માટેની મંજૂરી મેળવવી જરૂરી હોય છે.
આ કેસમાં CBIએ ગત વર્ષે 7 ઓક્ટોબરના રોજ લાલુ પ્રસાદ યાદવ, તેમનાં પત્ની રાબડી દેવી, પુત્રી મીસા ભારતી અને અન્ય 14 આરોપીઓ સામે ચાર્જશીટ દાખલ કરી હતી. આરોપ છે કે લાલુ યાદવ રેલવે મંત્રી હતા ત્યારે તેમણે અને તેમના પરિવારે રેલવેમાં નોકરી આપવાના નામે રિશ્વત તરીકે લોકો પાસેથી જમીન લીધી હતી.
આ કૌભાંડ 2004થી 2009 વચ્ચે આચરવામાં આવ્યું હોવાનું જણાવવામાં આવ્યું છે. ત્યારે લાલુ યાદવ રેલવે મંત્રી હતા. એજન્સીનો આરોપ છે કે લાલુ યાદવના પરિજનોના નામ પર પ્લોટ્સ રજિસ્ટર કરવામાં આવ્યા હતા અને જમીનની મામૂલી કિંમત ચૂકવવામાં આવી હતી. બીજી તરફ, રેલવેમાં જે પદો ઉપર ભરતી થઇ હતી તેમાં ન કોઈ જાહેરાત અપાઈ હતી કે ન સેન્ટ્રલ રેલવેને કોઈ જાણકારી આપવામાં આવી હતી. અરજી અપાયાના 3 દિવસમાં જ નોકરીઓ આપી દેવામાં આવી હતી.
આ મામલે સીબીઆઈએ સપ્ટેમ્બર 2021માં તપાસ શરૂ કરી હતી. ગત વર્ષે મે મહિનામાં એજન્સીએ ભ્રષ્ટાચાર વિરોધી કાયદા અને આઇપીસીની કલમ 120B હેઠળ FIR દાખલ કરી હતી. જેમાં લાલુ યાદવ સહિત કુલ 14 વ્યક્તિઓને આરોપી બનાવવામાં આવ્યા હતા. ત્યારબાદ ઓક્ટોબર મહિનામાં ચાર્જશીટ દાખલ થઇ હતી. પરંતુ પછીથી કેન્દ્રની મંજૂરી મેળવવાની બાકી હોઈ કોર્ટે તેની ઉપર સંજ્ઞાન લીધું ન હતું. આજે કેન્દ્ર સરકારે CBIને કેસ ચલાવવાની પરવાનગી આપ્યા બાદ હવે એજન્સી અને કોર્ટ આગળની કાર્યવાહી ફરી શરૂ કરી શકશે.
અહીં ઉલ્લેખનીય છે કે બિહારના પૂર્વ સીએમ લાલુ યાદવને ઘાસચારા કૌભાંડ કેસમાં સજા થઇ ચૂકી છે. તેઓ આ કેસમાં મુખ્ય આરોપી હતા. તેઓ લાંબો સમય જેલમાં પણ રહ્યા, જોકે હાલ જામીન પર બહાર છે.