MUDA જમીન કૌભાંડને (MUDA Scam) લઈને કર્ણાટક હાઈકોર્ટનો (Karnataka High Court) મહત્વપૂર્ણ નિર્ણય સામે આવ્યો છે. હાઈકોર્ટે કર્ણાટકના મુખ્યમંત્રી સિદ્ધારમૈયા (Siddaramaiah) વિરુદ્ધ કેસ ચલાવવા માટેની રાજ્યપાલની મંજૂરીને યથાવત રાખી છે. થોડા દિવસો પહેલાં જ કર્ણાટકના રાજ્યપાલ થાવરચંદ ગેહલોતે મુખ્યમંત્રી સિદ્ધારમૈયા વિરુદ્ધ કેસ ચલાવવા અને તેમની તપાસ કરવા માટેની મંજૂરી આપી દીધી હતી. પરંતુ મુખ્યમંત્રીએ રાજ્યપાલની મંજૂરી વિરુદ્ધ હાઈકોર્ટમાં અરજી દાખલ કરી હતી. હવે હાઈકોર્ટે મુખ્યમંત્રી સિદ્ધારમૈયાની અરજી ફગાવી દીધી છે અને તેમના વિરુદ્ધ કેસ ચલાવવાની રાજ્યપાલની મંજૂરીને યથાવત રાખી છે.
કર્ણાટક હાઈકોર્ટે મંગળવારે (24 સપ્ટેમ્બર) MUDA જમીન કૌભાંડ મામલે મુખ્યમંત્રી સિદ્ધારમૈયા વિરુદ્ધ કેસ ચલાવવાની રાજ્યપાલની મંજૂરીને યથાવત રાખી છે. જસ્ટિસ એમ. નાગપ્રસન્નાએ સિદ્ધારમૈયા દ્વારા દાખલ કરવામાં આવેલી અરજીને ફગાવી દીધી છે. આ અરજીમાં મૈસૂર અર્બન ડેવલપમેન્ટ ઑથોરિટી (MUDA)એ સિદ્ધારમૈયાના પત્ની પાર્વતીને લાભ પહોંચાડવા માટે આપેલ જમીન મામલે સિદ્ધારમૈયા સહિત ત્રણ લોકો વિરુદ્ધ કેસ ચલાવવાની રાજ્યપાલની મંજૂરીને પડકારવામાં આવી હતી.
હાઈકોર્ટે આ અંગે કહ્યું હતું કે, સામાન્ય પરિસ્થિતિઓમાં કેબિનેટની સલાહ લઈને કામ કરવું રાજ્યપાલની ફરજમાં આવે છે. પરંતુ, કેટલીક પરિસ્થિતિઓમાં રાજ્યપાલ સ્વતંત્ર નિર્ણય લઈ શકે છે અને હાલનો કેસ પણ એવો જ એક અપવાદ છે. બીજી તરફ સિદ્ધારમૈયાના વકીલે કોર્ટને વિનંતી કરી હતી કે, આદેશ પર બે અઠવાડિયા સુધી સ્ટે મૂકી દેવામાં આવે, પરંતુ કોર્ટે તે માટે પણ સ્પષ્ટ ઇનકાર કરી દીધો હતો. આ સાથે કોર્ટે એવું પણ કહ્યું હતું કે, તપાસની મંજૂરી આપવા માટે રાજ્યપાલ સક્ષમ પ્રાધિકારી તરીકેની ભૂમિકા ભજવે છે.
શું છે MUDA જમીન કૌભાંડ?
કેસ અને કૌભાંડની વાત કરવામાં આવે તો મામલો મૈસૂર અર્બન ડેવલપમેન્ટ ઑથોરિટીને (MUDA) લગતો છે. જેમાં જમીન ફાળવણીમાં ગેરરીતિ આચરવામાં આવી હોવાના આરોપ છે. ફરિયાદ અનુસાર, આ ગેરરીતિના કારણે સીએમ સિદ્ધારમૈયાની પત્ની પાર્વતી સિદ્ધારમૈયાને નાણાકીય લાભ પહોંચ્યા હતા. વર્ષ 2021માં MUDAએ મૈસૂરના કેસર ગામની 3 એકર જમીન હસ્તગત કરી હતી. આ જમીનની માલિકી સિદ્ધારમૈયાનાં પત્નીની હતી. આ જમીનના બદલામાં તેમને દક્ષિણ મૈસૂરના વિજયનગર વિસ્તારમાં અન્ય પ્લોટ ફાળવવામાં આવ્યા હતા. પરંતુ વિજયનગરના આ પ્લોટની માર્કેટ કિંમત જે કેસર ગામની જમીન હસ્તગત કરવામાં આવી હતી તેના કરતાં અનેકગણી વધારે હોવાનું કહેવામાં આવી રહ્યું છે. બીજી તરફ, સિદ્ધારમૈયા પર આરોપ છે કે 2023ના ચૂંટણી સોગંદનામામાં તેમણે પત્નીની આ જમીન માલિકી વિશે કોઇ ઉલ્લેખ કર્યો ન હતો.
કર્ણાટકા એન્ટી ગ્રાફટ એન્વાયરમેન્ટલ ફોરમ નામના એક સંગઠનના અધ્યક્ષે આ મામલે ફરિયાદ દાખલ કરી હતી. જેમાં કહેવામાં આવ્યું હતું, એફિડેવિટમાં જમીનને લગતી વિગતો ન આપવા પાછળ કોઇ પણ આશય હોય શકે છે અને એમ પણ નથી કે તે જાણબહાર રહી ગયું હોય. ફરિયાદીએ સિદ્ધારમૈયા વિરુદ્ધ લોકપ્રતિનિધિત્વ અધિનિયમની કલમ 125A તથા કલમ આઠ વિરુદ્ધ કાર્યવાહી કરવા માટે અપીલ કરી હતી અને સાથે ભારતીય ન્યાય સંહિતાની પણ અમુક કલમો હેઠળ આ મામલે ગુનો બનતો હોવાની ફરિયાદ કરી હતી.
આ ઘટના બાદ કેટલાક સામાજિક કાર્યકર્તાઓએ રાજ્યપાલને આ અંગેની ફરિયાદ કરી હતી અને મુખ્યમંત્રી સિદ્ધારમૈયા તથા અન્ય 3 લોકો સામે તપાસ શરૂ કરવાની માંગણી કરી હતી. ઘટનાની ગંભીરતાને ધ્યાને રાખીને રાજ્યપાલ થાવરચંદ ગેહલોતે આ કેસને લઈને મુખ્યમંત્રી સિદ્ધારમૈયા વિરુદ્ધ તપાસના આદેશ આપ્યા હતા. પરંતુ, મુખ્યમંત્રીએ રાજ્યપાલના આદેશ વિરુદ્ધ હાઈકોર્ટમાં અરજી દાખલ કરી દીધી હતી. જે હવે કોર્ટ દ્વારા ફગાવી દેવામાં આવી છે. હવે સિદ્ધારમૈયા વિરુદ્ધ સરળતાથી કેસ ચાલી શકશે.