Friday, November 22, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટપાકિસ્તાનીઓની નવી કરતૂત: છેક લંડન જઈને કરોડોની કિંમતની લક્ઝરીયસ કાર ચોરી લાવ્યા,...

    પાકિસ્તાનીઓની નવી કરતૂત: છેક લંડન જઈને કરોડોની કિંમતની લક્ઝરીયસ કાર ચોરી લાવ્યા, એક નાની ભૂલ કરી અને ભાંડો ફૂટી ગયો

    લંડનથી ચોરી થઇ ગયેલી કાર આખરે પાકિસ્તાનના કરાંચી સ્થિત એક બંગલાની બહારથી મળી આવી!

    - Advertisement -

    પાકિસ્તાન આર્થિક રીતે કંગાળ થઇ ચૂક્યું છે અને ઉપરથી હમણાં ઘણા વિસ્તારોમાં પૂર આવવાના કારણે સ્થિતિ વધુ વિકટ છે. જોકે, તેમ છતાં પાકિસ્તાનીઓના અમીરી દેખાડવાના ‘શોખ’ ઓછા થતા નથી. હવે લંડનથી એક કાર ચોરી કરીને પાકિસ્તાન લાવવાની ઘટના સામે આવી છે. જોકે, એક નાની ભૂલના કારણે કાર પકડી પાડવામાં આવી હતી અને સમગ્ર ભાંડો ફૂટ્યો હતો.

    આ કારનું નામ છે બેન્ટલે મલ્સેન. તેની કિંમતની વાત કરવામાં આવે તો તે 3 લાખ અમેરિકી ડોલર એટલે કે ભારતીય રૂપિયા પ્રમાણે 2 કરોડ 39 લાખ અને પાકિસ્તાની રૂપિયા પ્રમાણે 6 કરોડ 57 લાખ (પાક) રૂપિયા થાય છે. આ કાર આ બ્રાન્ડની સૌથી મોટી અને સૌથી મોંઘી સિડાન છે. 

    આ કાર લંડનથી ચોરી કરીને છેક પાકિસ્તાન પહોંચાડવામાં આવી હતી. પાકિસ્તાન કાર પહોંચાડીને કરાંચીમાં રહેતા એક વ્યક્તિને વેચી દેવામાં આવી હતી. તે શખ્સે પાકિસ્તાનની નંબર પ્લેટ લગાવીને ગાડી ફેરવવા પણ માંડી હતી, પરંતુ લંડનમાં બેઠેલા અધિકારીઓએ કારનું લૉકેશન શોધી કાઢ્યું અને પાકિસ્તાનીઓનો બધો ખેલ બગડી ગયો હતો. 

    - Advertisement -

    વાસ્તવમાં, જેમણે કાર ચોરી કરી તેઓ કારમાંથી ટ્રેસિંગ ટ્રેકર હટાવવાનું કે બદલવાનું ભૂલી ગયા હતા. જેના કારણે લંડનમાં બેઠેલા યુકેની એજન્સીના અધિકારીઓને એડવાન્સ લૉકેશન સિસ્ટમની મદદથી કારનું લૉકેશન શોધી કાઢવામાં સફળતા મળી ગઈ. જે બાદ કારનો એન્જીન નંબર, VIN નંબર વગેરે નોંધીને પાકિસ્તાનના અધિકારીઓને આ બાબતની જાણ કરવામાં આવી અને કહેવામાં આવ્યું કે લંડનથી ચોરી થયેલી કાર કરાંચીના એક બંગલામાં પાર્ક કરવામાં આવી છે.

    ઇનપુટ મળતાં જ પાકિસ્તાનની એજન્સીના અધિકારીઓ કરાંચીના બંગલે પહોંચી ગયા હતા. ત્યાં જઈને જોતાં કાર તો મળી હતી પરંતુ તેનો રજિસ્ટ્રેશન નંબર પાકિસ્તાનનો હતો અને નંબર પ્લેટ પણ પાકિસ્તાનની જ હતી. જે બાદ અધિકારીઓએ ચેસિસ નંબર ચકાસતાં એ સમાન નીકળ્યો હતો. 

    પાકિસ્તાનના અધિકારીઓ કાર સબંધિત જરૂરી દસ્તાવેજો માંગતા માલિક આનાકાની કરવા માંડ્યો હતો અને પૂરા પાડી શક્યો ન હતો. પછી જાણવા મળ્યું કે, આ કારનું રજિસ્ટ્રેશન જ ફર્જી છે અને કાર ચોરીની છે.

    આ મામલે અધિકારીઓએ FIR દાખલ કરીને કાર જપ્ત કરી લીધી હતી. તેમજ કાર જ્યાંથી મળી આવી તે ઘરના માલિક અને તેને કાર અપાવનાર દલાલની ધરપકડ કરી લેવામાં આવી હતી. અધિકારીઓ અનુસાર, આ કારની તસ્કરીના કારણે 30 કરોડથી વધુના ટેક્સની ચોરી થઇ છે. હાલ આ આખા રેકેટના માસ્ટરમાઈન્ડની શોધખોળ ચાલી રહી છે, જેણે કાર ચોરીને પાકિસ્તાન પહોંચાડી હતી. 

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં