ભારત સરકાર સાથે ચાલતા ડિપ્લોમેટિક વિવાદને કારણે કેનેડા હાલ દુનિયાભરમાં ચર્ચામાં છે. તાજેતરમાં જ કેનેડાની સંસદમાં એક એવા વ્યક્તિનું સન્માન કરવામાં આવ્યું જે લાખો યહૂદીઓની હિંસા કરનાર નાઝી સૈનિકોમાં સામેલ હતો. તેનું નામ છે યારોસ્લાવ હુંકા. ઉંમર છે 98 વર્ષ. તેમના સન્માન સાથે કેનેડા વધુ એક વિવાદમાં સપડાયું છે.
આ સન્માન થયું ત્યારે યુક્રેનના રાષ્ટ્રપતિ વોલિડિમિર ઝેલેન્સ્કી અને કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડો પણ સંસદમાં હાજર હતા. સંસદના સ્પીકર એન્થની રોટાએ તમામ સભ્યો સામે હુંકાનો પરિચય રશિયા સામે લડનારા વ્યક્તિ તરીકે આપ્યો અને વૉર હીરો તરીકે તેમનું સન્માન કરાવ્યું. જવાબમાં સૌએ બે વખત હુંકાને સ્ટેન્ડિંગ ઓવેશન આપ્યું અને જવાબમાં હુંકાએ ‘સેલ્યુટ’ થકી સૌનું અભિવાદન સ્વીકાર્યું હતું.
A 98-year old Ukrainian who fought for Hitler's Nazis in World War II just received a huge round of applause in the Canadian Parliament
— Sensei Kraken Zero (@YearOfTheKraken) September 23, 2023
Unreal stuff, man.
Canada is actually glorifying Nazis. pic.twitter.com/BmDZvwYEoV
હુંકા હિટલરની સેનામાં સામેલ નાઝીઓના સ્વયંસેવકોમાં સામેલ હતા અને રશિયા વિરુદ્ધ યુદ્ધમાં ભાગ લીધો હતો. તેઓ નાઝી સેનાના ફર્સ્ટ યુક્રેનિયન ડિઝિવનમાં હતા, જે SS યુનિટ તરીકે પણ ઓળખાતું હતું. જેની સ્થાપના નાઝી સૈનિકોએ 1943માં કરી હતી. આ સ્વયંસેવકોનું યુનિટ હતું, જેની સીધી કમાન હિટલરના હાથોમાં રહેતી હતી. આ સ્વયંસેવકોને કેનેડામાં શરણ આપવામાં આવ્યું હતું.
હુંકાને કેનેડાની સંસદમાં સન્માન આપવામાં આવ્યા બાદ ભારે વિવાદ સર્જાયો. જેને લઈને પોલેન્ડના રાજદૂતે કેનેડાની સરકાર પર પ્રહાર કરતાં કહ્યું હતું કે, માત્ર માફી માંગવાથી કામ નહીં ચાલે પરંતુ આ માટે જવાબદાર લોકોની જવાબદેહી નક્કી થવી જોઈએ.
બીજી તરફ, કેનેડિયન સંસદના સ્પીકર એન્થોની રોટાએ જાહેરમાં કેનેડા અને વિશ્વભરમાં રહેતા યહૂદીઓની માફી માંગી. તેમણે કહ્યું કે, યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કીના ભાષણ બાદ મેં જોયું કે ગેલેરીમાં હુંકા છે. પરંતુ મને કે સંસદમાં હાજર કોઈ પણને તેમના ભૂતકાળ વિશે ખબર ન હતી. મેં જે કાંઈ પણ કર્યું તેની જવાબદારી હું લઉં છું અને કેનેડા સહિત વિશ્વભરમાં રહેતા યહૂદીઓની માફી માંગું છું.
On September 22, in the House of Commons, I recognized an individual in the gallery. I regret my decision to do so, and accept full responsibility for my actions. Read my statement here: https://t.co/Hd9chtHFNJ
— Speaker of the HoC (@HoCSpeaker) September 24, 2023
ઉલ્લેખનીય છે કે દ્વિતીય વિશ્વયુદ્ધ દરમિયાન હિટલરની નાઝી સેનાએ લાખો યહૂદીઓનો નરસંહાર કર્યો હતો. તેમને કાં તો ગોળી મારવામાં આવી અથવા તો ગેસ ચેમ્બરોમાં નાખી દેવામાં આવ્યા હતા. જે ઘટના ‘હોલોકાસ્ટ’ નામથી જાણીતી છે. નોંધવું જોઈએ કે યુક્રેનના રાષ્ટ્રપતિ વોલિડીમિર ઝેલેન્સ્કી પોતે પણ એક યહૂદી છે.
કેનેડાની વાત કરવામાં આવે તો ભારત સાથે ચાલતા વિવાદ વચ્ચે ત્યાંની સરકાર પહેલેથી જ મુશ્કેલીમાં મુકાઈ છે ત્યાં આ બીજો કિસ્સો બન્યો. નોંધવું જોઈએ કે કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોએ ત્યાંની સંસદમાં ભાષણ કરતાં થોડા મહિના પહેલાં કેનેડામાં માર્યા ગયેલા ખાલિસ્તાની આતંકવાદી હરદીપસિંઘ નિજ્જરની હત્યાનો આરોપ ભારત સરકારના એજન્ટો પર લગાવી દીધો હતો. ત્યારબાદ ભારતે પણ કડક પગલાં ઉઠાવ્યાં અને આરોપો ફગાવીને કહ્યું કે કેનેડાએ પુરાવા રજૂ કરવા જોઈએ. બીજી તરફ, ભારત મામલે કેનેડાને વિશ્વના દેશો તરફથી બિલકુલ સહકાર મળી રહ્યો નથી.