કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકારે બુધવારે (6 નવેમ્બર) પ્રતિભાશાળી વિદ્યાર્થીઓના હિતમાં એક મહત્વપૂર્ણ નિર્ણય લેતાં પીએમ વિદ્યાલક્ષ્મી યોજનાને (PM Vidyalakshmi Scheme) મંજૂરી આપી હતી. આ યોજના અંતર્ગત વાર્ષિક ₹8 લાખથી ઓછી આવક ધરાવતા પરિવારોના બાળકોને ₹10 લાખ સુધીની એજ્યુકેશન લૉન મળશે. એક પ્રેસ કૉન્ફરન્સમાં કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે આ બાબતની વિસ્તૃત જાણકારી આપી હતી અને ઉમેર્યું હતું કે આ યોજનાનો હેતુ કોઈ પણ વિદ્યાર્થી આર્થિક સ્થિતિના કારણે પાછળ ન રહી જાય તે સુનિશ્ચિત કરવાનો છે.
કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે કેબિનેટ બેઠકમાં લેવાયેલા આ નિર્ણયની માહિતી આપી હતી. તેમણે કહ્યું કે સરકાર આના પર 3 ટકા વ્યાજ સબસિડી આપશે. આગળ ઉમેર્યું કે, ઉચ્ચ શિક્ષણ સંસ્થાનમાં પ્રવેશ લેનાર કોઈપણ વિદ્યાર્થી પ્રધાનમંત્રી વિદ્યાલક્ષ્મી યોજનાનો લાભ લઈ શકે છે. આ સ્કીમ દ્વારા લોન લેવા માટે કોઈ ગેરેન્ટરની પણ જરૂર રહેશે નહીં.
આ અંગે PM મોદીએ પણ સોશિયલ મીડિયા માધ્યમ X પર પોસ્ટ કરી હતી. તેમણે લખ્યું હતું કે, “શિક્ષણને વધુ સુલભ બનાવવા માટે એક મોટું પગલું. કેબિનેટે યુવાનોને ગુણવત્તાયુક્ત શિક્ષણ આપવા માટે પીએમ-વિદ્યાલક્ષ્મી યોજનાને મંજૂરી આપવામાં આવી છે. યુવા શક્તિને સશક્ત બનાવવા અને આપણા રાષ્ટ્ર માટે ઉજ્જવળ ભવિષ્ય બનાવવાની દિશામાં આ એક મહત્વપૂર્ણ પગલું છે.”
A big boost to making education more accessible.
— Narendra Modi (@narendramodi) November 6, 2024
The Cabinet has approved the PM-Vidyalaxmi scheme to support youngsters with quality education. It is a significant step towards empowering the Yuva Shakti and building a brighter future for our nation. https://t.co/8DpWWktAeG
દર વર્ષે 22 લાખ વિદ્યાર્થીઓને આપશે સહાય
આ યોજના દ્વારા દેશની ટોચની 860 ગુણવત્તાયુક્ત ઉચ્ચ શૈક્ષણિક સંસ્થાઓમાં પ્રવેશ મેળવવા માંગતા વિદ્યાર્થીઓને શૈક્ષણિક લોનની સુવિધા આપવામાં આવશે. યોજના હેઠળ NIRF રેન્કિંગ દ્વારા નિર્ધારિત દેશની તમામ ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓને આવરી લેવામાં આવશે. જેમાં સરકારી અને ખાનગી બંને પ્રકારની સંસ્થાઓ સામેલ છે. ઉપરાંત, લેટેસ્ટ NIRF રેન્કિંગ અનુસાર આ યાદી દર વર્ષે અપડેટ કરવામાં આવશે. શરૂઆતમાં આવી 860 સંસ્થાઓને આવરી લેવામાં આવી છે, જેના કુલ 22 લાખ વિદ્યાર્થીઓ યોજનાનો લાભ મેળવવા માટે પાત્ર બનશે.
નોંધનીય છે કે 7.5 લાખ સુધીની લોનની રકમ પર ભારત સરકાર દ્વારા 75% ક્રેડિટ ગેરેન્ટી આપવામાં આવશે. ઉપરાંત 8 લાખ રૂપિયા સુધીની વાર્ષિક કૌટુંબિક આવક ધરાવતા વિદ્યાર્થીઓ માટે આ યોજના 10 લાખ રૂપિયા સુધીની લોન પર 3% વ્યાજ સબસિડી પણ પ્રદાન કરશે.
PM વિદ્યાલક્ષ્મી NEP 2020નો ભાગ
ઉલ્લેખનીય છે કે PM વિદ્યાલક્ષ્મી યોજના એ વર્ષ 2020ની રાષ્ટ્રીય શિક્ષણ નીતિનો જ એક ભાગ છે. પોલિસીમાં ભલામણ કરવામાં આવી હતી કે જાહેર અને ખાનગી ક્ષેત્રનાં ઉચ્ચ શિક્ષણ સંસ્થાનોમાં વિવિધ પગલાં લઈને પ્રતિભાશાળી વિદ્યાર્થીઓને નાણાકીય સહાય ઉપલબ્ધ કરવામાં આવવી જોઈએ. જેની ઉપરથી શિક્ષણ મંત્રાલયે એક યોજના બનાવીને કેબિનેટ સમક્ષ રજૂ કરી હતી, જેને આખરે મંજૂરી આપવામાં આવી છે.
આ યોજના માટે એક પોર્ટલ પણ લૉન્ચ કરવામાં આવ્યું છે, જેની ઉપરથી વિદ્યાર્થીઓ અરજી કરી શકશે. અરજીપ્રક્રિયાને સરળ બનાવવાના પ્રયાસ કરવામાં આવ્યા છે અને લૉન પણ તમામ બેન્કોમાંથી ઉપલબ્ધ થઈ રહે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે.