દેશનાં 6 રાજ્યોની 7 વિધાનસભા બેઠકો પર થયેલ પેટાચૂંટણીનાં પરિણામો જાહેર કરી દેવામાં આવ્યાં છે. જેમાંથી ચાર બેઠકો પર ભાજપની જીત થઇ છે. જ્યારે બાકીની ત્રણ બેઠકોમાંથી એક બેઠક પર આરજેડી, એક પર ઉદ્ધવ જૂથની શિવસેના અને એક બેઠક પર ટીઆરએસની જીત થઇ છે.
પેટાચૂંટણીઓમાં બિહારની ગોપાલગંજ, યુપીની ગોલા ગોકર્ણનાથ, હરિયાણાની આદમપુર અને ઓરિસ્સાની ધામનગર બેઠક પર ભારતીય જનતા પાર્ટીએ જીત મેળવી લીધી છે. જ્યારે બિહારની મોકામા બેઠક પર આરજેડી, મુંબઈની અંધેરી (પૂર્વ) બેઠક પર ઉદ્ધવ જૂથ અને તેલંગાણાની મનુગોડે બેઠક પર ટીઆરએસની જીત થઇ છે. આ તમામ બેઠકો પર ગુરુવારે (3 નવેમ્બર 2022) મતદાન હાથ ધરવામાં આવ્યું હતું. ત્યારબાદ આજે આ પેટાચૂંટણીનાં પરિણામો જાહેર કરવામાં આવ્યાં હતાં.
હરિયાણામાં ભાજપ ઉમેદવારની જીત, ‘આપ’ ઉમેદવારની 2 ટકા મતો મળ્યા
હરિયાણાની આદમપુર બેઠક પર ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર ભવ્ય બિશ્નોઇને 67,492 મતો મળ્યા હતા. જ્યારે કોંગ્રેસના ઉમેદવારને 51,752 મતો મળ્યા હતા. આ ઉપરાંત, આમ આદમી પાર્ટી પણ ચૂંટણીમાં લડવા ઉતરી હતી. જોકે, ‘આપ’ ઉમેદવારને માત્ર 3420 મતો (2 ટકા) મળી શક્યા હતા.
બિહારની એક બેઠક પર ભાજપ, એક પર આરજેડી જીતી
બિહારની ગોપાલગંજ બેઠક પર ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર 1794 મતોથી વિજયી બન્યાં હતાં. તેમને 70 હજાર મતો મળ્યા હતા, જ્યારે આરજેડી ઉમેદવારને 68,259 મતો મળ્યા હતા. ત્રીજા ક્રમે AIMIMને 12,214 મતો મળ્યા હતા. બિહારની મોકામા બેઠક પર આરજેડીએ જીત મેળવી હતી. અહીં આરજેડી ઉમેદવારે 16 હજાર મતોથી જીત મેળવી હતી.
યુપીની એક બેઠક ભાજપે કબ્જે કરી
યુપીની ગોલા ગોકર્ણનાથ બેઠક પણ ભાજપે જીતી લીધી હતી. અહીં ભાજપ ઉમેદવારે 34 હજારથી વધુના માર્જિનથી જીત મેળવી હતી. આ ચૂંટણીમાં કોંગ્રેસે ઉમેદવારી કરી ન હતી. સમાજવાદી પાર્ટીના ઉમેદવાર બીજા ક્રમે રહ્યા હતા.
ઓરિસ્સામાં ભાજપની જીત
ઓરિસ્સાની ધામનગર બેઠક પર ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારે 10 હજાર મતોના માર્જિનથી જીત મેળવી છે. બીજા ક્રમે બીજુ જનતા દળના ઉમેદવાર રહ્યા હતા. જ્યારે કોંગ્રેસને માત્ર 3,561 મતો મળી શક્યા હતા.
મહારાષ્ટ્રમાં ઉદ્ધવ જૂથની જીત, ભાજપ-શિંદે જૂથે ઉમેદવાર ઉતાર્યા ન હતા
મહારાષ્ટ્રમાં મુંબઈની અંધેરી (પૂર્વ) બેઠક પર શિવસેના (ઉદ્ધવ બાળાસાહેબ ઠાકરે) ઉમેદવારને જીત મળી હતી. આશ્ચર્યજનક બાબત એ છે કે અહીં બીજા ક્રમે NOTAમાં સૌથી વધુ મતો પડ્યા હતા. વિજેતા ઉમેદવારને 66,530 મતો જ્યારે બીજા નંબરે નોટામાં 12,806 મતો પડ્યા હતા. અહીં નોંધનીય છે કે આ ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટી અને એકનાથ શિંદેની બાળાસાહેબાંચી શિવસેનાએ ઉમેદવારો ઉતાર્યા ન હતા.
આ લખાય રહ્યું છે ત્યારે હજુ તેલંગાણાની મુનુગોડે બેઠક પર મતગણતરી ચાલી રહી છે. અહીં તેલંગાણા રાષ્ટ્રસમિતિના ઉમેદવાર 11 હજાર મતોથી આગળ ચાલી રહ્યા છે.