કર્ણાટકમાં પણ બુલડોઝર એક્શન જોવા મળે તો નવાઈ નહિ, કારણકે ભારતીય જનતા યુવા મોરચા (BJYM)ના નેતા પ્રવીણ નેતારુની હત્યા બાદ ભારતના દક્ષિણી રાજ્ય કર્ણાટકમાં પણ યોગી ‘મોડલ’ની ચર્ચા સાંભળવા મળી રહી છે. મુખ્યમંત્રી બસવરાજ બોમ્મઈએ ગુરુવારે (28 જુલાઈ, 2022) પોતે કહ્યું હતું કે રાજ્યમાં અશાંતિ ફેલાવવાનો પ્રયાસ કરી રહેલા રાષ્ટ્રવિરોધી અને સાંપ્રદાયિક તત્વોનો સામનો કરવા માટે જરૂર પડશે તો ‘યોગી મોડલ’ લાગુ કરવામાં આવશે. આથી કર્ણાટકમાં પણ બુલડોઝર એક્શન જોવા મળી શકે છે.
If a situation arises in Karnataka to implement the Yogi model, it will be done: Karnataka CM Basavaraj Bommai on BJP Yuva Morcha worker’s murder in Dakshin Kannada district pic.twitter.com/bVpbNjS12D
— ANI (@ANI) July 28, 2022
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, મુખ્યમંત્રી બસવરાજ બોમ્મઈએ ગુરુવારે મુખ્યમંત્રી તરીકેનો એક વર્ષનો કાર્યકાળ પૂર્ણ કર્યો હતો. આ પ્રસંગે તેમણે તેમની સરકારને સોમાંથી સંપૂર્ણ સો માર્કસ આપ્યા હતા. બેંગલુરુમાં તેમના નિવેદનમાં, મુખ્યમંત્રીએ કહ્યું હતું કે, “ઉત્તર પ્રદેશની સ્થિતિને જોતા, યોગી (આદિત્યનાથ) યોગ્ય મુખ્યમંત્રી છે. તેવી જ રીતે કર્ણાટકમાં પરિસ્થિતિનો સામનો કરવા માટે અલગ-અલગ પદ્ધતિઓ છે અને તે તમામનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. જો પરિસ્થિતિ એવી માંગ કરશે તો સરકારનું યોગી મોડલ કર્ણાટકમાં પણ અપનાવવામાં આવશે.
અહીં ‘યોગી મોડલ’ ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ દ્વારા આવા તત્વો અને માફિયાઓ વિરુદ્ધ બુલડોઝરનો ઉપયોગ સહિત દેશ વિરોધી ગતિવિધિઓ વિરુદ્ધ ઉઠાવવામાં આવેલા કડક પગલાઓનો ઉલ્લેખ કરે છે. જેના કારણે તેમના ગેરકાયદે મકાનો કાનૂની રીતે તોડી પાડવામાં આવે છે.
વાસ્તવમાં, આ નિવેદન દક્ષિણ કન્નડ જિલ્લાના બેલ્લારેમાં બીજેપી કાર્યકર પ્રવીણ નેતારુની હત્યાના બે દિવસ બાદ આવ્યું છે. કારણ કે ભાજપ અને સંઘ પરિવારના કેટલાક ઘટકો કર્ણાટકમાં ‘યોગી મોડલ’ લાગુ કરવાની સરકાર પાસે માંગ કરી રહ્યા છે. મુખ્યમંત્રી બોમ્મઈ આ સંદર્ભમાં એક પ્રશ્નનો જવાબ આપી રહ્યા હતા.
બોમ્મઈએ કહ્યું હતું કે તેમની સરકારે આ હત્યાકાંડને ગંભીરતાથી લીધો છે અને તપાસ ચાલુ છે. તેમણે કહ્યું, “પાંચ ટીમો બનાવવામાં આવી છે. અધિકારીઓ પોતાનું કામ કરી રહ્યા છે. અમને ખાતરી છે કે આ વર્ષે શિવમોગામાં હર્ષ મર્ડર કેસની જેમ જ ગુનેગારોની ધરપકડ કરવામાં આવશે અને તેમને સજા કરવામાં આવશે.”
તો બીજીતરફ કર્ણાટક પ્રવીણ નેતારુની હત્યામાં કાર્યવાહી કરતા, કર્ણાટક પોલીસે ગુરુવારે (28 જુલાઈ, 2022) બે આરોપીઓની ધરપકડ કરી છે. ધરપકડ કરાયેલા આરોપીઓની ઓળખ ઝાકિર અને શફીક તરીકે થઈ છે.
ઉલ્લેખનીય છે કે, BJYM સભ્યની હત્યા બાદ કર્ણાટકમાં વિરોધ પ્રદર્શન થઈ રહ્યા છે. હત્યાથી ગુસ્સે થયેલા કાર્યકરોએ આરોપ લગાવ્યો છે કે રાજ્ય સરકાર હિંદુ કાર્યકર્તાઓના જીવ બચાવવા ઉભી નથી થઇ રહી. આ કારણોસર બુધવારે મોટી સંખ્યામાં ભાજપ યુવા બ્રિગેડે સરકાર પર દબાણ લાવવા સામૂહિક રાજીનામા આપ્યા હતા. દરમિયાન, ઘણા કાર્યકરો અને ધારાસભ્યો માંગ કરી રહ્યા છે કે સરકાર સામાજિક અશાંતિ અને સાંપ્રદાયિક તણાવ ફેલાવતા લોકોના ઘર પર બુલડોઝર ચલાવવા જેવી કાર્યવાહી કરે.
નોંધનીય છે કે પ્રવીણ નેતારુની હત્યાના પગલે મુખ્યમંત્રી બોમ્મઈએ તેમની સરકારના એક વર્ષ અને ભાજપના શાસનના ત્રણ વર્ષ પૂરા થવા પર આયોજિત કાર્યક્રમ રદ્દ કરી દીધો હતો. આ અંતર્ગત ડોડબલ્લાપુરમાં ‘જનોત્સવ’ નામથી એક ‘વિશાળ રેલી’નું આયોજન કરવામાં આવ્યું હતું, જેને ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા સંબોધિત કરવાના હતા.