એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)એ તેલંગાણાનાં BRS MLC કે કવિતાની ધરપકડ કરી છે. દિલ્હી એક્સાઈઝ પોલિસી કેસ મામલે તપાસ કરતી એજન્સીએ શુક્રવારે (15 માર્ચ) તેમનાં ઘરે દરોડા પાડ્યા હતા, ત્યારબાદ તેમને કસ્ટડીમાં લેવામાં આવ્યાં. હાલ તેમને દિલ્હી લઇ જવામાં આવી રહ્યાં છે, જ્યાં વધુ પૂછપરછ હાથ ધરવામાં આવશે. પહેલાં તેમની અટકાયતના સમાચાર આવ્યા હતા, પરંતુ ન્યૂઝ એજન્સી ANI અનુસાર EDએ ધરપકડ કરી લીધી છે.
BRS MLC K Kavitha has been arrested by the Enforcement Directorate (ED).
— ANI (@ANI) March 15, 2024
(file pic) pic.twitter.com/XfAuewcmyz
શુક્રવારે (15 માર્ચ) સવારે EDની ટીમ કવિતાના હૈદરાબાદ સ્થિત ઘરે પહોંચી હતી અને સર્ચ ઑપરશન હાથ ધર્યું હતું. કલાકોની કાર્યવાહી બાદ આખરે સાંજે તેમને કસ્ટડીમાં લેવામાં આવ્યાં. તેમની પાર્ટી આ કાર્યવાહીનો વિરોધ કરી રહી છે.
આ એ જ કેસ છે, જેમાં મનીષ સિસોદિયા અને સંજય સિંઘ હાલ જેલમાં બંધ છે. કેસની તપાસ દરમિયાન એક આરોપી અમિત અરોડાએ એજન્સીને કે કવિતાનું નામ આપ્યું હતું. એજન્સી અનુસાર, એક ‘સાઉથ ગ્રુપ’ નામની લિકર લૉબી સક્રિય હતી, જેણે આમ આદમી પાર્ટીના નેતાઓને 100 કરોડ રૂપિયા જેટલી રકમ ચૂકવી હતી. કવિતા આ જૂથનાં સભ્ય હોવાનું સામે આવ્યું છે. આ રકમ અન્ય એક આરોપી વિજય નાયર થકી ચૂકવવામાં આવી હોવાનું કહેવાય છે.
આ કેસમાં ગયા વર્ષે એજન્સી ત્રણ વખત કે કવિતાની પૂછપરછ કરી ચૂકી છે. PMLA હેઠળ એજન્સીએ તેમનાં નિવેદનો નોંધ્યાં હતાં. આ મામલે તેમને સમન્સ પણ પાઠવવામાં આવ્યાં, પરંતુ છેલ્લાં 2 સમન્સ પર તેઓ હાજર થયાં ન હતાં. ભૂતકાળમાં IT અને EDએ તેમને નોટિસ પાઠવીને હાજર થવા જણાવ્યું હતું, પરંતુ તેઓ સુપ્રીમ કોર્ટ પહોંચી ગયાં હતાં.
EDએ આ પહેલાં 16 જાન્યુઆરીએ તેમને હાજર રહેવા માટે જણાવ્યું હતું, પરંતુ તેઓ સુપ્રીમ કોર્ટના આદેશનો હવાલો આપીને હાજર થયાં ન હતાં અને દાવો કર્યો હતો કે કોર્ટે કહ્યું છે કે એજન્સી તેમને આ કેસમાં સમન ન પાઠવી શકે. જોકે, એજન્સીએ સ્પષ્ટતા કરી હતી કે BRS નેતાએ ગયા વર્ષે સુપ્રીમ કોર્ટમાંથી કામચલાઉ ધોરણે રાહત મેળવી હતી અને હાલ તે લાગુ પડે એમ નથી.
નોંધવું જોઈએ કે આ જ કેસમાં દિલ્હીના મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના કન્વીનર અરવિંદ કેજરીવાલને પણ એજન્સી છેલ્લા 6 મહિનાથી સમન્સ પાઠવી રહી છે, પરંતુ તેઓ હાજર થઈ રહ્યા નથી અને કોઈને કોઈ બહાને ટાળતા રહ્યા છે. ઉપરથી તેઓ ED પર જ આરોપ લગાવતા રહ્યા છે. તાજેતરમાં તેઓ કોર્ટ પણ પહોંચ્યા હતા, પરંતુ ત્યાંથી પણ રાહત મળી નથી.