ચૂંટણી પ્રચાર તેના અંતિમ તબક્કામાં છે ત્યારે કોંગ્રેસ પાર્ટીના વધુ એક નેતા વિવાદમાં આવ્યા છે. તેમની ઉપર ચૂંટણી પ્રચારમાં ભીડ ભેગી કરવા માટે ડાન્સર બોલાવવાનો આરોપ લાગ્યો છે. જેનો વિડીયો પણ સોશિયલ મીડિયા ઉપર વાયરલ થઇ રહ્યો છે.
વાયરલ વિડીયોમાં ડાન્સર સ્ટેજ પર ડાન્સ કરતી જોવા મળે છે. જેની પાછળ બોરસદના કોંગ્રેસ ઉમેદવાર રાજેન્દ્રસિંહ પરમારનું બેનર પણ લાગેલું જોવા મળે છે. મીડિયા અને સોશિયલ મીડિયામાં હાલ આ વિડીયોની ચર્ચા ચાલી રહી છે. જોકે, ઑપઇન્ડિયા આ વિડીયોની પુષ્ટિ કરતું નથી.
કોંગ્રેસના ઉમેદવાર રાજેન્દ્રસિંહ પરમાર ફરી વિવાદમાં, ભીડે ભેગી કરવા બાર ડાન્સર બોલાવી…
— Zee 24 Kalak (@Zee24Kalak) December 3, 2022
– આણંદની બોરસદ બેઠક કોંગ્રેસના ઉમેદવાર રાજેન્દ્રસિંહ પરમાર…#Congress #viralvideo #election2022 #gujaratassemblyelection2022 pic.twitter.com/Z8re2IpPSp
આ વિડીયો કયા ગામનો છે તે અંગે પણ વધુ વિગતો બહાર આવી શકી નથી. બીજી તરફ, લોકોમાં ચર્ચા ચાલી રહી છે કે સમર્થન માંગવા હવે ચૂંટણી પ્રચાર છેલ્લા તબક્કામાં ચાલી રહ્યો છે ત્યારે કોંગ્રેસ આ નવું શોધી લાવી છે.
ચૂંટણીના પ્રચારમાં ડાયરાના કલાકારો, ફિલ્મી અભિનેતાઓ-અભિનેત્રીઓ જોડાય એ તો હવે સામાન્ય બાબત બની ગઈ છે, પરંતુ કોઈ ડાન્સર બોલાવવામાં આવી હોય એવો આ સંભવતઃ પ્રથમ કિસ્સો છે. જોકે, આ લખાઈ રહ્યું છે ત્યાં સુધીમાં કોંગ્રેસ તરફથી આ અંગે કોઈ પ્રતિક્રિયા આપવામાં આવી હોય તેવું ધ્યાનમાં આવ્યું નથી.
બોરસદ બેઠક પર કોંગ્રેસે વર્તમાન ધારાસભ્ય રાજેન્દ્રસિંહ પરમારને જ રિપીટ કર્યા છે. તેઓ 2012થી આ બેઠક પરથી ચૂંટાતા આવ્યા છે. આ વખતે તેમની સામે ભારતીય જનતા પાર્ટીએ રમણભાઈ સોલંકીને ટિકિટ આપી છે.
બોરસદ વિધાનસભા બેઠક એવી બેઠકોમાંથી એક છે, જ્યાં આજ સુધી કોંગ્રેસ જ જીતતી આવી છે. ત્યારે ભાજપ કોંગ્રેસના ગઢમાં પગપેસારો કરવાના પ્રયાસ કરી રહી છે અને કોંગ્રેસ ગઢ બચાવવા માટેના. પરંતુ આમાં હવે ડાન્સ શૉની એન્ટ્રી થઇ છે.
ગુજરાત વિધાનસભાની ચૂંટણીનું પહેલા તબક્કાનું મતદાન 1 ડિસેમ્બરે યોજાઈ ગયું, હવે બીજા તબકકાનું મતદાન આગામી સોમવારે (5 ડિસેમ્બર 2022) યોજવા જઈ રહ્યું છે. જેથી ચૂંટણી પંચના દિશાનિર્દેશો અનુસાર, આજે સાંજે પાંચ વાગ્યે ચૂંટણી પ્રચાર થંભી જશે. જે પહેલાં તમામ પાર્ટીઓએ પ્રચાર તેજ બનાવી દીધો છે.
5 ડિસેમ્બરના રોજ ઉત્તર અને મધ્ય ગુજરાતમાં મતદાન યોજાયા બાદ આગામી 8 ડિસેમ્બર (ગુરુવાર)ના રોજ ચૂંટણીનાં પરિણામો જાહેર કરવામાં આવશે. આ જ દિવસે હિમાચલ પ્રદેશ વિધાનસભા ચૂંટણીનાં પણ પરિણામો ઘોષિત થશે.